Money9 Gujarati:
લાલ અને ચમકતા ટામેટાંના માર્કેટમાં લાલચોળ તેજી જામી છે. છેલ્લાં એક સપ્તાહમાં ટામેટાંની છૂટક કિંમત બમણી થઈ ગઈ છે. ઘણા શહેરોમાં લારીવાળાને ત્યાં એક કિલો ટામેટાંના ભાવ 120થી 130 રૂપિયા બોલાઈ રહ્યાં છે.
ગુજરાતમાં ભાવ
અમદાવાદના હોલસેલ માર્કેટમાં ટામેટાંનો ભાવ કિલોએ 40થી 65 રૂપિયા બોલાઈ રહ્યો છે જ્યારે છૂટક બજારમાં રૂ.80થી રૂ.120ના ભાવે વેચાણ થઈ રહ્યું છે. મે મહિનાના પ્રારંભે હોલસેલ બજારમાં એક કિલો ટામેટાં રૂ.15માં જ્યારે મેના અંતે રૂ.20માં વેચાતા હતા. ગુજરાતનાં અન્ય બજારની વાત કરીએ તો, માણસાના જથ્થાબંધ બજારમાં 55થી 60 રૂપિયા, ગોંડલમાં 70 રૂપિયા અને અમરેલીમાં 65 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે.
ખાદ્ય ફુગાવો
બે મહિના અગાઉ 1 કિલો ટામેટાં માત્ર 3થી 5 રૂપિયામાં વેચાતા હતા, પરંતુ અત્યારે 100 રૂપિયાને પાર થઈ ગયા છે. ટામેટાંના ઊંચા ભાવને કારણે ફુગાવાને અંકુશમાં રાખવાનું મુશ્કેલ બની જશે. આ વખતે ચોમાસું પણ વિલંબમાં છે અને ઘણા રાજ્યો જૂનના અંત સુધી પણ વરસાદથી વંચિત છે. દેશમાં 25 જૂન સુધીમાં વરસાદની ઘટ 30 ટકા નોંધાઈ છે. જો વરસાદમાં હજુ વિલંબ થશે અને પૂરતો વરસાદ નહીં વરસે તો શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે અને રિઝર્વ બેન્કની ફુગાવાને અંકુશમાં રાખવાની યોજના સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.
શા માટે ટામેટાં થયા મોંઘા?
ટામેટાંના ભાવ વધવાનું કારણ છે ઊંચું તાપમાન, ઓછું ઉત્પાદન અને વરસાદમાં વિલંબ. આ વખતે દેશનાં ઘણા રાજ્યોમાં છેક જૂનના છેલ્લાં સપ્તાહ સુધી હીટવેવનો માહોલ રહ્યો છે. ઓછામાં પૂરું બિપરજોય અને અલ નીનોના પ્રભાવ હેઠળ ચોમાસું વિલંબમાં ચાલી રહ્યું છે. હોળી બાદ ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદ થવાથી ટામેટાંના પાકને નુકસાન પણ પહોંચ્યું હતું, એટલે ઉત્પાદન પર અસર પડી છે. માર્કેટમાં ઓછો માલ ઠલવાઈ રહ્યો છે. વળી, ખોટ ગઈ હોવાથી ખેડૂતો પણ ટામેટાંથી દૂર રહ્યાં છે. આ તમામ પરિબળોને લીધે ટામેટાંના ભાવમાં ભડકો કર્યો છે.
આ વખતે ખેડૂતો પણ ટામેટાંથી અળગા રહ્યાં છે, કારણ કે એકાદ મહિના અગાઉ ભાવ 5 રૂપિયાની અંદર બોલાયા હતા. ખોટ જવાથી ખેડૂતોએ ટામેટાંનું વાવેતર ઓછું કર્યું છે, જેથી ઉત્પાદન ઘણું ઓછું છે. ગયા વર્ષે ટામેટાનું ઓછું વાવેતર થયું હતું, કારણ કે ખેડૂતોને સારા ભાવ મળ્યા નહોતા. ખેડૂતોએ વધારે ભાવ મળે તેવા પાકની ખેતી વધારી હતી.
દિલ્હીની સ્થિતિ
દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારના ટામેટાંના વેપારી અશોક ગેનોર કહે છે કે, “છેલ્લાં બે દિવસમાં ટામેટાંના ભાવ ડબલ થઈ ગયા છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી આવતો ટામેટાંનો માલ ઘટી ગયો છે. હવે છેક બેંગાલુરુથી ટામેટાં આવે છે. તાજેતરના વરસાદમાં જમીન પર ઉગતા ટામેટાંના છોડ નાશ પામ્યા હતા જ્યારે વાયરના સહારે ઊભા રહેલા છોડ બચી ગયા છે.”
મહારાષ્ટ્રની સ્થિતિ
મહારાષ્ટ્રના નારાયણગાંવ પટ્ટામાં ટામેટાંની ખેતી કરનાર ખેડૂત અજય બેહેકર પોતાના ખેતરમાંથી ગુજરાત, રાજસ્થાન અને કોલકાતા જેવા રાજ્યોમાં ટામેટાનો સપ્લાય કરે છે. તેઓ કહે છે કે, “સારા ભાવ મળતાં ન હોવાથી ખેડૂતો જંતુનાશકોનો છંટકાવ કરતા નથી કે ખાતર વાપરતા નથી, કારણ કે, ખર્ચ કર્યા પછી વળતર મળતું નથી. આ કારણસર પેસ્ટ અને રોગ ફેલાયો છે અને ઉત્પાદન ઘટ્યું છે. ટામેટાંના ભાવ વધી ગયા છે, પરંતુ આગામી સમયમાં વધતા રહે તેવી શક્યતા નથી. ટૂંક સમયમાં ટામેટાંનો નવો પાક આવવાનું શરૂ થઈ જશે. પરંતુ જો હિમાચલ પ્રદેશ જેવા ટામેટાંની ખેતી કરતા વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો રહેશે તો ભાવ ઊંચા રહી શકે છે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો