Money9 Gujarati:
ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતાં વૈશ્વિક સંગઠને ઉત્પાદનમાં કાપ અંગે 26 નવેમ્બર, રવિવારે મળનારી બેઠક પાછી ઠેલતાં 22 નવેમ્બર, બુધવારના રોજ U.S. ક્રૂડની કિંમત લગભગ 5 ટકા તૂટી હતી. OPEC સંગઠને બેઠક પાછી ઠેલવાનું કારણ આપ્યા વગર અનેપક્ષિત જાહેરાત કર્યા બાદ ક્રૂડના ભાવમાં 5 ટકા સુધીનો કડાકો બોલાયો છે. ક્રૂડની કિંમત તૂટવાથી ભારત જેવા આયાત કરનાર દેશોને મોટી રાહ મળી છે.
જાન્યુઆરી માટેનો WTI (વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ) કોન્ટ્રાક્ટ 3.87 ડૉલર (4.98 ટકા) ઘટીને પ્રતિ બેરલ 73.90 ડૉલર બોલાયો હતો જ્યારે બ્રેન્ટ કોન્ટ્રાક્ટ 3.85 ડૉલર (4.67 ટકા) ઘટીને પ્રતિ બેરલ 78.60 ડૉલર બોલાયો હતો.
ઓર્ગેનાઈઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ સપ્તાહે મળનારી એનર્જી મિનિસ્ટર્સની બેઠક આવતા ગુરુવાર સુધી પાછી ઠેલવામાં આવે છે. સંગઠને બેઠક પાછી ઠેલવાનું કારણ જણાવ્યું નહોતું, પરંતુ સંગઠનના કેટલાક દેશોના ઉત્પાદનના સ્તરથી સાઉદી અરેબિયા સંતુષ્ટ ન હોવાને કારણે મતભેદ ઊભા થયા છે અને વાતચીત મુશ્કેલીમાં મૂકાઈ હોવાનું સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે.
OPEC અને તેના સહાયક સંગઠન OPEC+ માટે નિયમોનું પાલન કરવું મોટો પડકાર છે કારણ કે, ઘણા દેશો તેમના ઉત્પાદનનો ક્વોટા જાળવી રાખે તે પોષાય એમ નથી. જેમકે, રશિયા માટે ક્રૂડનું ઉત્પાદન સ્તર વધારે રાખવું જરૂરી છે કારણ કે યુક્રેન સામે જંગ ચાલુ રાખવા માટે તેને પૈસાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, OPEC+ દ્વારા ચાલુ સપ્તાહે મળનારી બેઠકમાં ઉત્પાદન કાપની જાહેરાત કરવામાં આવશે, તેવી અપેક્ષા વેપારીઓમાં જોવા મળી હતી, કારણ કે, ચીનમાં માંગ ઘટી રહી છે તેમજ કેટલાક દેશોએ રેકોર્ડ પ્રોડક્શન ચાલુ રાખ્યું હોવાથી ઓઈલની કિંમત સપ્ટેમ્બરની ઊંચી સપાટીએથી ઘટીને 80 ડૉલરની નીચે પહોંચી ગઈ છે.
OPEC+ દ્વારા છેક ગયા વર્ષથી ઉત્પાદનમાં દૈનિક 50.16 લાખ બેરલનો કાપ લાગુ થયેલો છે, જેમાં સંગઠનનો 36.6 લાખ બેરલનો ઉત્પાદન કાપ તેમજ સાઉદી અરેબિયા અને રશિયાનો 15 લાખ બેરલનો સ્વૈચ્છિક કાપ પણ સામેલ છે.
ઉત્પાદનમાં તીવ્ર કાપ મૂકવામાં આવ્યો હોવા છતાં ક્રૂડની કિંમત તાજેતરમાં પ્રતિ બેરલ 80 ડૉલરની નીચે પહોંચી ગઈ હતી. આથી, OPEC દેશો ક્રૂડને 80ની ઉપર અને 100 ડૉલરની નીચે રાખવા માટે ઉત્પાદનમાં કાપનું હથિયાર ઉગામવા માંગે છે. મોટાભાગનાં એનર્જી એનાલિસ્ટ્સને લાગે છે કે, OPEC દ્વારા ઉત્પાદનમાં કાપ આવતા વર્ષ સુધી લંબાવવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો