Vijay Parmar:
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ઓક્ટોબરની બેઠકમાં પણ રેપો રેટ યથાવત્ રાખ્યા છે. છેક ફેબ્રુઆરી 2023થી RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે બચત કરવાવાળા ચર્ચા કરવા લાગ્યા છે કે, બેન્કો હવે FDના વ્યાજ દરમાં તીવ્ર ઘટાડો કરશે. RBIએ છેલ્લી ચાર મોનેટરી પૉલિસી બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખ્યા હોવાથી બેન્કોએ FDના રેટ ઘટાડવાનું પણ શરૂ કરી દીધું છે. હવે લાગે છે કે, FDના રેટની પીક પૂરી થઈ છે. ખાનગી સેક્ટરની બેન્કો ચોક્કસ મુદતની FDના વ્યાજ દર ઘટાડી રહી છે. HDFC બેન્ક બાદ યસ બેન્કે પણ તહેવારો પહેલાં ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો જાહેર કરી દીધો છે. એક્સિસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક, DCB બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કે તાજેતરમાં તેમની FDના વ્યાજ દર ઘટાડ્યા છે. તો હવે સવાલ એ થાય કે, રોકાણકારે શું કરવું જોઈએ? FDના રેટ વધવાની રાહ જોવી જોઈએ કે પછી માની લેવું જોઈએ કે હવે FDના રેટ નહીં વધે?
યસ બેન્કની જાહેરાત
યસ બેન્કે 18 મહિનાથી 24 મહિનાની FD પર માત્ર 7.50 ટકા ઈન્ટરેસ્ટ રેટ ચૂકવવાની જાહેરાત કરી છે. અગાઉ આ રેટ 7.75 ટકા હતો. એટલે કે, યસ બેન્ક દોઢ વર્ષથી બે વર્ષની FDના વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ બેન્ક સીનિયર સીટિઝનને 0.50 ટકા વધારે રેટ આપે છે.
HDFC બેન્કની જાહેરાત
ખાનગી સેક્ટરની HDFC Bankએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેન્કનો સૌથી ઊંચો વ્યાજ દર હવે માત્ર 7.20 ટકા છે, જેના માટે ખાતાધારકે 4 વર્ષ 7 મહિના માટે (કુલ 55 મહિના) FD કરાવવી પડશે. જો તમે સીનિયર સીટિઝન હશો તો, બેન્ક તમને 7.70 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપશે. અગાઉ આ FD પર HDFC Bank જનરલ સીટિઝનને 7.25 ટકા વ્યાજ દર આપતી હતી.
બેન્કોએ શા માટે વધાર્યાં હતા FDના રેટ?
છેલ્લાં એક વર્ષમાં FDના ઈન્ટરેસ્ટ રેટમાં ધરખમ વધારો થયો છે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં 2.5 ટકા વધારો કર્યો હોવાથી બેન્કોએ ડિપોઝિટના રેટ વધાર્યાં છે. RBIએ મે-2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચેના માત્ર 10 મહિનામાં રેપો રેટ 2.50 ટકા વધ્યા હોવાથી બેન્કોએ FDના રેટ વધાર્યાં હતા.
તો શું FDના રેટ હવે નહીં વધે?
RBIએ ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.50 ટકાએ પહોંચાડ્યા બાદ RBIએ સતત 3 બેઠકમાં વધારો કર્યો નથી. ઓછામાં પૂરું જૂન મહિનામાં 2,000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આથી બેન્કો પાસે ભરપૂર પ્રમાણમાં લિક્વિડિટી આવી હતી અને બેન્કોએ FDના રેટમાં વધારો કરવાનું ટાળ્યું હતું. બેન્કો પાસે પૂરતી લિક્વિડિટી હોવાથી તેમણે તો FDના રેટ વધારવાનું બંધ કરી દીધું છે અને અમુક બેન્કોએ તો રેટમાં ઘટાડો શરૂ કર્યો છે. હવે જો RBI રેપો રેટ યથાવત્ સ્તરે રાખશે તો બેન્કો FDના રેટ વધારવાનું ટાળશે અને ઘટાડવાનું શરૂ કરશે. અત્યારે FDના રેટ તેની પીક પર પહોંચી ગયા છે અને હવે તેમાં છેલ્લાં 1 વર્ષ જેવો વધારો થવાની શક્યતા નથી.
તો શું FDના રેટમાં ઘટાડો થશે?
બેન્કો તાત્કાલિક ધોરણે FDના રેટમાં ઘટાડો કરવાનું ટાળશે. શક્યતા છે કે, આવતા વર્ષના બીજા ક્વાર્ટરથી બેન્કો FDના રેટમાં આક્રમકપણે ઘટાડો કરવાનું ચાલુ કરશે. અત્યારે બેન્કો ચોક્કસ મુદતની FDના રેટમાં ધીમે-ધીમે ઘટાડો કરી શકે છે. બેન્કો તેમની લિક્વિડિટીની પરિસ્થિતિ અને ક્રેડિટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. FDના રેટ ઘટવાનું ચિત્ર સ્પષ્ટ નથી, કારણ કે RBIની ઓક્ટોબરની બેઠકમાં કેવો નિર્ણય લેવાય છે તે જોવાનું જરૂરી છે. ખરીફ સીઝનથી અર્થતંત્ર પર કેવી અસર પડે છે તે જોવું પડશે અને ત્યારબાદ બેન્કો આગામી રૂપરેખા ઘડશે.
તો રોકાણકારે શું કરવું જોઈએ?
વેલ્થ મેનેજર્સ જણાવે છે કે, અત્યારે FDના રેટ તેની પીક પર છે, આથી રોકાણકારોએ ઊંચા દર ધરાવતી FDમાં પૈસા મૂકવાની તક ઝડપી લેવી જોઈએ. આગામી 3-4 મહિના બાદ કદાચ આટલા ઊંચા રેટ ધરાવતી FD નહીં મળે. આથી અત્યારે લાંબા ગાળાની મુદત ધરાવતી FDમાં પૈસા મૂકીને ઊંચા વ્યાજ દરનો લાભ લઈ લેવામાં સમજદારી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો