Money9 Gujarati:
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ બેંક ઓફ બરોડા (BoB), Citibank અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને આકરો દંડ ફટકાર્યો છે. RBIએ નક્કી કરેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ ત્રણેય બેન્કને 10.34 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Rs 5 crore – Citibank
Rs 4.34 crore – Bank of Baroda
Rs 1 crore – Indian Overseas Bank
RBIએ દંડ અંગે ત્રણ અલગ-અલગ નિવેદન જારી કર્યા છે. સૌથી વધુ 5 કરોડ રૂપિયાનો દંડ સિટીબેન્કને ફટકારવામાં આવ્યો છે. આ બેન્ક ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં નિર્ધારિત સમયગાળામાં યોગ્ય રકમ જમા કરવામાં નિષ્ફળ ગઈ હતી. આ ઉપરાંત, બેન્કે તેના ચોક્કસ સ્ટાફ સભ્યોને કમિશનના રૂપમાં મહેનતાણું ચૂકવ્યું હતું અને ગ્રૂપની કંપનીને મોનિટરિંગ અને ડિસ્પોઝલ એન્ડ ક્લોઝર કામકાજ આઉટસોર્સ કર્યું હતું. આથી તેની સામે દંડાત્મક કાર્યવાહી થઈ છે.
બેંક ઓફ બરોડાએ કેટલાક ખાતાઓ અંગે RBIને સોંપેલા અમુક મોટા એક્સપોઝરના ડેટાની ચોકસાઈ અને અખંડિતતા સુનિશ્ચિત કરી નહોતી, આથી, RBIએ બેન્કને 4.34 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
BoBએ પ્રોજેક્ટ્સની સદ્ધરતા અને બેંકિબિલિટી પર યોગ્ય ધ્યાન આપ્યા વગર ચોક્કસ પ્રોજેક્ટ્સ માટે કોર્પોરેશનને ટર્મ લોન આપી દીધી હતી. પ્રોજક્ટ્સ લોનની ભરપાઈ કરવા માટે યોગ્ય આવક મેળવી શકશે કે નહીં તેની ખરાઈ કર્યા વગર બેન્કે લોન આપી દીધી હતી, આથી RBIએ તેને દંડ ફટકાર્યો હતો.
વધુમાં, BoB એ કોર્પોરેશનને સબસિડી મારફત સરકાર પાસેથી મળવાપાત્ર રકમ સામે વર્કિંગ કેપિટલ ડિમાન્ડ લોન મંજૂર કરી હતી અને અગાઉથી જાહેર કરાયેલા વ્યાજ દરોના શેડ્યૂલ મુજબ વરિષ્ઠ નાગરિકો પાસેથી સ્વીકારવામાં આવેલી થાપણો પર વ્યાજ દરો ચૂકવ્યા નહોતા, એમ RBIએ જણાવ્યું હતું.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ત્રણ કોર્પોરેટ એકમોને ટર્મ લોન આપતા પહેલાં તેમના પ્રોજેક્ટની સદ્ધરતા અને બેંકેબિલિટી પર યોગ્ય ડ્યુ ડિલિજન્સ પ્રોસેસનું પાલન કર્યું નહોતું. આ પ્રોજેક્ટ્સમાંથી પૂરતો નાણાપ્રવાહ મળશે કે કેમ અને તેના દ્વારા એકમો લોનની ભરપાઈ કરી શકશે કે નહીં તેની ખરાઈ કરવામાં આવી નહોતી. આથી, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કને 1 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
જો કે, RBIએ સ્પષ્ટતા કરી છે કે, આ ત્રણેય બેંકો સામેની તેની કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંકોએ ગ્રાહકો સાથે કરેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા સામે સવાલ ઉઠાવવાનો નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો