Money9 Gujarati:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની 5 સહકારી બેન્કોને નાણાકીય દંડ ફટકાર્યો છે. આ પાંચેય સહકારી બેન્કોએ RBIના વિવિધ કાયદાઓનો ભંગ કર્યો છે. આ પાંચમાંથી 3 બેન્ક ગુજરાતની છે જ્યારે એક-એક બેન્ક બંગાળ અને મહારાષ્ટ્રની છે. RBIએ ડિસેમ્બરના પ્રારંભે પણ ગુજરાતની કેટલીક સહકારી બેન્કોને દંડ ફટકાર્યો હતો. નવેમ્બરના અંતે પણ ગુજરાતની 5 સહકારી બેન્કોને દંડ ફટકારવામાં આવ્યો હતો. મોટા ભાગની સહકારી બેન્કો પોતાના જ ડિરેક્ટર્સના સગા-સંબંધીઓ અને મિત્રોને આંખો મીંચીને લોન આપતી હોવાથી અને RBIના નિયમોનું પાલન કરતી ન હોવાથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.
સૌથી વધુ 2 લાખ રૂપિયાનો દંડ પાટણની સરદારગુંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કને થયો છે. અન્ય બેન્કોમાં અમદાવાદની યુનાઈટેડ કો-ઓપરેટિવ બેન્ક, સુરતની પંચશીલ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક, પશ્ચિમ બંગાળની શ્રી ચૈતન્યા કો-ઓપરેટિવ બેન્ક અને મહારાષ્ટ્રના સોલાપુરની વિદ્યાનાદ કો-ઓપરેટિવ બેન્કનો સમાવેશ થાય છે.
અર્બન કો-ઓપરેટિવ બેન્કો (UCB) દ્વારા અન્ય બેન્કોમાં થાપણો મૂકવા માટે RBIએ નિયમો નક્કી કરેલા છે. આ નિયમોનો ભંગ કરવા બદલ પાટણની સરદારગંજ મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંકને 2 લાખ રૂપિયાનો અને સુરતની પંચશીલ મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંકને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ બંને બેન્કોની નાણાકીય સ્થિતિ કેવી છે તે જાણવા માટે RBIએ 31 માર્ચ, 2022 સુધી વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. આ બેન્કોના ઈન્સ્પેક્શન રિપોર્ટ (IR), રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ (RAR) અને તમામ સંબંધિત પત્રવ્યવહારની તપાસમાં જાણવા મળ્યું કે આ બેંકોએ પ્રુડેન્શિયલ ઈન્ટર-બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનો ભંગ કર્યો હતો.
RBIએ અમદાવાદની યુનાઈટેડ કો-ઓપરેટિવ બેંકને 1 લાખ રૂપિયાનો અને મહારાષ્ટ્રના સોલાપુરની વિદ્યાનાદ કો-ઓપરેટિવ બેંકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
યુનાઈટેડ કોઓપરેટિવ બેંકને પ્રુડેન્શિયલ ઈન્ટર-બેંક ગ્રોસ એક્સપોઝર સીમા અને પ્રુડેન્શિયલ ઈન્ટર-બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.
વિદ્યાનાનદ કોઓપરેટિવ બેંકને એક્સપોઝર ધોરણો અને વૈધાનિક અથવા અન્ય પ્રતિબંધોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેન્કે પ્રુડેન્શિયલ ઈન્ટર-બેંક એક્સપોઝર મર્યાદાનો ભંગ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના નબાદ્વીપની શ્રી ચૈતન્ય કો-ઓપરેટિવ બેંકને ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓ (CIC)ના સભ્યપદ અંગે RBI દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IR અને તમામ સંબંધિત પત્રવ્યવહારથી જાણવા મળ્યું કે આ બેંક ચારમાંથી કોઈપણ CICની સભ્યપદ મેળવવામાં નિષ્ફળ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, RBIએ ડિસેમ્બર 2023માં પણ ગુજરાતની કેટલીક સહકારી બેન્કોને દંડ ફટકાર્યો હતો. તેમાં અમદાવાદની મંડલ નાગરિક સહકારી બેન્ક લિ., સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડનો સમાવેશ થાય છે. નવેમ્બરના અંતે પણ RBIએ શ્રી મહિલા સેવા સહકારી બેન્કને 2.50 લાખ રૂપિયા, પોરબંદર વિભાગિયા નાગરિક સહકારી બેન્કને 2 લાખ રૂપિયા, સર્વોદય નાગરિક સહકારી બેન્કને 1 લાખ રૂપિયા, વેજલપુર નાગરિક સહકારી બેન્કને 25,000 રૂપિયા અને ખંભાત નાગરિક સહકારી બેન્કને 50,000 રૂપિયાનો દંડ કર્યો હતો.
ગુજરાતની બેન્કો સામે અવારનવાર દંડના સમાચાર આવતા રહે છે. બેન્કોએ તેમના વહીવટમાં પારદર્શકતા લાવવાની જરૂર છે અને વહીવટની ગુણવત્તામાં અનેક ગણો સુધારો કરવાની જરૂર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો