Money9 Gujarati:
થાપણ દરોમાં વધારો થવાથી ખર્ચ વધવાને કારણે બેન્કો હવે વ્યાજ દરમાં વધારો કરવા તરફ આગળ વધી રહી છે. દેશની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા, HDFC બેન્કે લોનના વ્યાજ દર વધાર્યાં બાદ PNB અને બેન્ક ઑફ બરોડાએ પણ વ્યાજ દરોમાં નજીવો વધારો કર્યો છે. યુનિયન બેન્કે વ્હિકલ લોન પર ડિસ્કાઉન્ટની ઑફર બંધ કરી દીધી છે. ડિપોઝિટ કોસ્ટ વધવાથી બેન્કોના માર્જિન પર દબાણ જોવા મળે તેવી શક્યતા છે.
બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM)માં 0.10 ટકાથી 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લાં 3 મહિનામાં ડિપોઝિટના રેટમાં 0.70 ટકાથી 1.20 ટકા જેટલો વધારો થયો છે, તેના કારણે બેન્કોને લોનના વ્યાજ દરમાં વધારો થવાનો જે ફાયદો થતો હતો, તે ઘટી ગયો છે. બેન્કોની કૉસ્ટ ઑફ ડિપોઝિટ વધી રહી છે, જેની અસર આગામી ક્વાર્ટરમાં જોવા મળશે. બેન્કો પોતાના માર્જિનને સાચવવા માટે ડિપોઝિટના રેટની સાથે સાથે લોનના રેટમાં પણ હળવો વધારો કરી રહી છે.
HDFC બેન્કે લોનના ઈન્ટરેસ્ટ રેટમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. બેન્કે 8 જાન્યુઆરીથી તેના માર્જિનલ-કૉસ્ટ ઑફ ફંડ્સ આધારિત ધિરાણ દર, એટલે કે, MCLRમાં વધારો કર્યો છે. HDFC બેન્કના MCLR હવે 8.80 ટકાથી 9.30 ટકાની વચ્ચે છે. MCLR નક્કી કરતા પહેલાં બેન્ક દર મહિને રેપો રેટ તેમજ અન્ય રેટ ધ્યાનમાં લે છે. કોઈ પણ બેન્ક તેના MCLR કરતાં ઓછા રેટ પર લોન આપી શકતી નથી.
દિલ્હી સ્થિત પંજાબ નેશનલ બેન્ક (PNB)એ પણ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. જાહેર ક્ષેત્રની PNBએ નવા રેટ 1 જાન્યુઆરી 2024થી લાગુ કર્યા છે. તેનો વન-યર MCLR હવે 8.7 ટકા થયો છે.
બેન્ક ઑફ બરોડા (BoB)ની હોમ લોન મોંઘી થઈ છે. જાહેર ક્ષેત્રની BoBએ જાન્યુઆરી 2024થી તેની હોમ લોનના રેટ 8.7 ટકાથી વધારીને 8.8 ટકા કર્યા છે. મુંબઈ સ્થિત આ બેન્કે જણાવ્યું છે કે, ફેસ્ટિવ પીરિયડ ઑફર પૂરી થયા બાદ નવા રેટ લાગુ થયા છે.
યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાએ વ્હિકલ લોન પર મળતું ડિસ્કાઉન્ટ પાછું ખેંચી લીધું છે. આ બેન્ક ફેસ્ટિવ ડિસ્કાઉન્ટના ભાગરૂપે વ્હિકલ લોનમાં 0.25 ટકાથી 0.30 ટકાની છૂટ આપતી હતી. તહેવારો દરમિયાન ડિસ્કાઉન્ટ ઓફર હોવા છતાં પણ યુનિયન બેન્કની વ્હિકલ લોનને ખાસ ફાયદો થયો નહોતો, આથી બેન્કે પોતાના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM) બચાવવા માટે આ ડિસ્કાઉન્ટ ઑફર પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો