MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
OTT પ્લેટફૉર્મ્સ મોંઘા થશે? OTT પ્લેટફોર્મ પર ફેવરિટ વેબસીરિઝ કે મૂવી જોવાનું મોંઘું થઈ શકે છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર વગેરે OTT પ્લેટફોર્મ્સ જે કમાણી કરે છે, તેના પર સરકારની નજર પડી છે અને સરકાર તેમાં ભાગ પડાવવા માંગે છે. એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે, જો સરકાર OTT પ્લેટફોર્મની આવક પર તરાપ મારશે તો આગામી દિવસોમાં આ કંપનીઓ સબ્સક્રિપ્શન ફીમાં વધારો કરી શકે છે. જો આવું થશે તો, તમારે OTT પ્લેટફોર્મ પરથી ફિલ્મ જોવા માટે વધુ ખર્ચ કરવો પડશે. આટલું જ નહીં, વ્હોટ્સએપ અને ટેલિગ્રામ જેવી અમુક એપ્સનો ઉપયોગ કરવા માટે પણ, તમારે ચોક્કસ ફી ચૂકવવી પડશે. સરકારે તૈયાર કરેલા ડ્રાફ્ટ ટેલિકોમ બિલમાં આવી જોગવાઈ કરવામાં આવી છે અને જો આ બિલને કેબિનેટની મંજૂરી મળશે તો, મનોરંજનનો ખર્ચ પણ વધી જશે.
ચોખાનાં ભાવ વધતા રહે તેવી શક્યતાઃ ખાદ્ય મંત્રાલય ખાદ્ય મંત્રાલયે શક્યતા વ્યક્ત કરી છે કે, આગામી દિવસોમાં ચોખાના ભાવની મોંઘવારી યથાવત્ રહેશે. ખરીફ સીઝન 2022-23માં ચોખાનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું થવાથી ચોખાના ભાવ વધતાં રહેશે એમ મંત્રાલયે જણાવ્યું છે. કણકી ચોખાના ભાવ વધવાથી દૂધ, ઈંડાં, માંસ વગેરેના ભાવ પણ વધી શકે છે. અત્યારે એક કિલો ચોખાનો સરેરાશ ભાવ 38 રૂપિયા છે. છેલ્લાં 1 વર્ષમાં એક કિલો ચોખાના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો છે. આમ, ખાદ્ય મોંઘવારી તમારો પીછો સરળતાથી છોડે તેવું લાગતું નથી.
ICICI બેન્કે જાહેર કરી ફેસ્ટિવ બોનાન્ઝા ઑફર ખાનગી સેક્ટરની ધિરાણકર્તા ICICI બેન્કે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવ બોનાન્ઝા ઓફરની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ બેન્ક તમને હોમ લોનની પ્રોસેસિંગ ફી પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે જ્યારે નવું વાહન ખરીદવા માટે ઓન-રોડ પ્રાઈસના 100 ટકા સુધીની ઓટો લોન આપી રહી છે. ICICI બેન્કે જણાવ્યું છે કે, ફેસ્ટિવ બોનાન્ઝા હેઠળ ગ્રાહકો ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ, એપેરલ, જ્વેલરી, ટ્રાવેલ અને ડાઈનિંગ પર 25 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને કેશબેક મેળવી શકશે.
શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ, નિફ્ટી 2% તૂટ્યા વિશ્વનાં બજારોમાં ઘેરાયેલાં મંદીના વાદળો ભારતીય બજારો પર પણ છવાયા છે. શેરબજારોમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો અને તમામ ઈક્વિટી ઈન્ડેક્સ 2 ટકા સુધી તૂટી ગયા. સેન્સેક્સ 1,000 પોઈન્ટ્સ ઘટીને 58 હજારની ઉપર બંધ રહ્યો જ્યારે નિફ્ટી 1.72 ટકા ઘટીને 17,300 પોઈન્ટ્સની ઉપર બંધ રહ્યો. પાવરગ્રીડ કોર્પોરેશન, મહિન્દ્રા, SBI, બજાજ ફિનસર્વ, બજાજ ફાયનાન્સ, NTPC, HDFC અને ઈન્ડસઈન્ડ બેન્ક જેવા શેરમાં મોટાં ગાબડાં પડ્યા જ્યારે ડિવિસ લેબ અને સન ફાર્મા જેવા શેર્સ વધીને બંધ રહ્યાં. અમેરિકન ફેડના આક્રમક તેવર, ચીનના અર્થતંત્રમાં નરમાઈ, યુરોપીયન દેશોમાં મંદી જેવા પરિબળોને પગલે દલાલ સ્ટ્રીટમાં મંદીવાળા છવાઈ ગયા છે. સપ્ટેમ્બરના પ્રારંભિક દિવસોથી ધૂમ ખરીદી કરી રહેલાં વિદેશી રોકાણકારોએ પણ શુક્રવારે 2,900 કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો.
Tata મ્યુચ્યુઅલ ફંડે લૉન્ચ કર્યું ઈન્ડેક્સ ફંડ ચોક્કસ સમયગાળા માટે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરે તેવા મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરવાની ઈચ્છા હોય તો, તમારા માટે બજારમાં એક વિકલ્પ આવી ગયો છે. ટાટા મ્યુચ્યુઅલ ફંડે ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું છે, જેનું નામ છે, ટાટા-ક્રિસિલ IBX ગિલ્ટ ઈન્ડેક્સ-એપ્રિલ 2026. આ એક પેસિવ ફંડ છે અને સાથે સાથે એક ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ પણ છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ NFOમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર છે. મિનિમમ 5,000 રૂપિયાનું રોકાણ થઈ શકે છે. જો તમે અલોટમેન્ટ ડેટ પછીના 30 દિવસની અંદર યુનિટ રીડિમ કરશો તો, તમારે 0.25 ટકા એગ્ઝિટ લોડ ચૂકવવો પડશે. .
મોતીલાલ ઓસવાલે લૉન્ચ કર્યું ગોલ્ડ, સિલ્વર ETF ફંડ ગોલ્ડ અને સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ઈટીએફમાં એક સાથે રોકાણ કરવા માંગતા હોય તેવા રોકાણકારો માટે, મોતીલાલ ઓસવાલે ગોલ્ડ એન્ડ સિલ્વર ઈટીએફ ફંડ ઓફ ફંડ લૉન્ચ કર્યું છે. 26 સપ્ટેમ્બરથી ખુલી રહેલા આ NFOમાં રોકાણની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર છે. તમે મિનિમમ 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો.
હોલમાર્કિંગ ચાર્જ વધ્યા સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા માટે તમારે હવે વધુ કિંમત ચૂકવવી પડશે. જો તમે હોલમાર્કિંગ વાળા ઘરેણાં ખરીદશો, તો વધારે કિંમત ચૂકવવી પડશે. બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ એટલે કે, BISએ ગોલ્ડ જ્વેલરીનાં હોલમાર્કિંગ ચાર્જ વધારીને પ્રતિ પીસ 45 રૂપિયા કર્યા છે જ્યારે ચાંદીના ઘરેણાંના હોલમાર્કિંગ ચાર્જ વધારીને 35 રૂપિયા કર્યા છે. સરકારે પહેલી જૂનથી ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે જ્યારે સિલ્વર જ્વેલરી માટે હોલમાર્કિંગ ફરજિયાત નથી. જો તમે 14 કેરેટથી 24 કેરેટના સોનાના આભૂષણ ખરીદો તો હોલમાર્કિંગ ફરજિયાત છે.
હોસ્પિટલો સામે CCIની લાલ આંખ દર્દીઓના ખિસ્સામાંથી અઢળક રૂપિયા સેરવી લેતી ખાનગી હોસ્પિટલ ચેઈન્સ સામે ભારતીય સ્પર્ધા પંચે તપાસ હાથ ધરી છે. સ્પર્ધા પંચે તેના રિપોર્ટમાં અપોલો, ફોર્ટિસ, મેક્સ, બત્રા, શ્રી ગંગા રામ હોસ્પિટલ અને સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ જેવી અગ્રણી હોસ્પિટલ ચેઈન્સના નામ લખ્યા છે. આ હોસ્પિટલો દર્દીઓ પાસેથી રૂમનાં ભાડાં, દવાઓ, મેડિકલ ટેસ્ટ, મેડિકલ ડિવાઈસ અને અન્ય આઈટમ માટે મસમોટાં બિલ વસૂલે છે. આ હોસ્પિટલો તોતિંગ બિલ ઉઘરાવવાનું બંધ કરે તે માટે સ્પર્ધા પંચ તેમની સામે કડક પગલાં ભરે તેવી ધારણા છે. જો આવું થશે તો, હોસ્પિટલો દર્દીઓને લૂંટવાનું બંધ કરશે અને પરિણામે, સારવાર પાછળ થતા ખર્ચમાં ઘટાડો થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો