MONEY9: દેશનાં માર્કેટયાર્ડ્સમાં કપાસનો નવો પાક પહોંચવા આડે હજુ તો એક મહિનાની વાર છે, પરંતુ કપાસના ભાવ અત્યારે જ આભ આંબી રહ્યાં છે. ખેડૂતોના હૈયે તો હરખ સમાતો નથી કારણ કે, તેમને સારો ભાવ મળવાની આશા બંધાઈ છે, પરંતુ યાર્ન અને કાપડની મિલોવાળા ટેન્શનમાં મૂકાઈ ગયા છે, કારણ કે, તેમણે મોંઘા ભાવે કપાસ ખરીદવાનો વારો આવશે. જુઓ ને, ગયા વર્ષના ઓગસ્ટમાં 59 હજાર રૂપિયામાં એક ખાંડી કપાસ મળતો હતો, જેના માટે હવે 61 ટકા વધુ ભાવ ચૂકવવો પડે છે.
વિદેશમાં પણ કપાસ છે મોંઘો વિદેશનાં માર્કેટ્સમાં કપાસના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે, એટલે આયાત માટે પણ જાજો અવકાશ નથી. ઓછામાં પૂરું, કપાસના સૌથી મોટા નિકાસકાર અમેરિકામાં ચાલુ વર્ષે ઉપજ 28 ટકા ઘટવાની સંભાવના છે. યુએસના કૃષિ વિભાગનું કહેવું છે કે, અમેરિકામાં થયેલો 35 ટકા કપાસ ખરાબ ક્વોલિટીનો છે, અને આ કારણસર ઉત્પાદન ઘટીને માંડ 27 લાખ ટન સુધી પહોંચી શકશે.
અમેરિકામાં ઉત્પાદન ઘટ્યું ગયા વર્ષે અમેરિકાએ 38 લાખ ટનથી પણ વધારે કપાસનું ઉત્પાદન કર્યું હતું. ઉત્પાદન ઘટશે, એટલે સ્વાભાવિક છે કે, અમેરિકા દ્વારા થતી નિકાસ પણ ઘટશે. અમેરિકન કૃષિ વિભાગે નિકાસમાં 18 ટકા ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
મિલવાળા કરશે ઓછું ઉત્પાદન ભારતની વાત કરીએ તો, કપાસનો નવો ફાલ બજારમાં પહોંચવા આડે હજુ ઘણા દિવસો બાકી છે અને ભાવ આસમાને પહોંચી ગયા છે. ખર્ચ વધી રહ્યો છે અને સપ્લાય મર્યાદિત છે, આથી યાર્ન મિલોએ ઉત્પાદનમાં વધુ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આમ તો, સપ્લાય ઓછો હોવાથી મિલોવાળા પહેલેથી જ ઓછું ઉત્પાદન કરી રહ્યાં છે. તામિલનાડુ સ્પીનિંગ મિલ એસોસિયેશને તેના તમામ સભ્યોને યાર્નનું ઉત્પાદન ઘટાડવાની સૂચના પણ આપી દીધી છે.
ખેડૂતો ખુશખુશાલ કપાસની માંગ, પુરવઠો અને આભ આંબતા ભાવની સ્થિતિ ખેડૂતોને ખુશ કરનારી છે. ખેડૂતોને ફાયદો થવાની શક્યતા વધી છે, કારણ કે, બજારમાં નવો ફાલ પહોંચશે ત્યારે સારો ભાવ મળી શકે એમ છે. પાછું કપાસનું વાવેતર પણ વધ્યું છે. ગયા વર્ષે 18 ઓગસ્ટ સુધી દેશનાં 116.51 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષના 18 ઓગસ્ટ સુધીના સમયગાળામાં 124.27 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે.
ભાવ ઘટશે ખરા? અત્યારે તો લાગી રહ્યું છે કે, કપાસનો નવો ફાલ બજારોમાં પહોંચશે એટલે, સપ્લાય વધશે અને યાર્ન મિલોને પૂરતા પ્રમાણમાં જથ્થો મળશે. પરંતુ ભાવ ઘટવાની કોઈ ગૅરન્ટી નથી. જો મિલોવાળા મોંઘા ભાવે કપાસ ખરીદીને યાર્ન બનાવશે, તો કપડાંના ભાવ વધશે અને મોંઘા કપાસનો બોજ છેલ્લે તો મારી અને તમારી કેડે જ આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો