MONEY9: ઓટોમોબાઈલ ઉદ્યોગ ધીમે ધીમે રિકવરી તરફ આગળ વધી રહ્યો છે…મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સપ્ટેમ્બર 2022માં 64 હજાર કારની ડિલિવરી કરીને સાડા ત્રણ વર્ષ પહેલાંનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉનો રેકોર્ડ મહિને 60 હજાર કારની ડિલિવરીનો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ભૂતપૂર્વ ડાયરેક્ટર પવન ગોયન્કાનું કહેવું છે કે, નવો રેકોર્ડ પણ લાંબો સમય નહીં ટકે… કારણ કે, થોડાક મહિનામાં જ એક નવો રેકોર્ડ બનવાનો છે… તેમનું આ નિવેદન ઓટો ઉદ્યોગમાં કોરોના બાદ પાછી ફરી રહેલી તેજી તરફ ઈશારો છે, કારણ કે, ઓટો ઉદ્યોગ માટે સપ્ટેમ્બર મહિનો છેલ્લાં એક દાયકાનો સૌથી શ્રેષ્ઠ મહિનો પુરવાર થયો છે.
ઓટો કંપનીઓ માટે વર્ષનો આ મહિનો સૌથી મહત્ત્વનો છે કારણ કે, વર્ષના છેલ્લાં 4 મહિનામાં જ મહત્તમ વાહનો વેચાતા હોય છે.
આ મહિનાઓ દરમિયાન, ગામડાંના બજારોમાં માંગ વધે છે, કારણ કે, મુખ્ય ખરીફ પાક ડાંગર વેચીને ખેડૂતોના ખિસ્સા ગરમાગરમ હોય છે.
શહેરોમાં પણ તહેવારોની સીઝનનો માહોલ જામવાથી ગાડીઓનું વધારે વેચાણ થતું હોય છે.
આ બંને પરિબળને પગલે સપ્ટેમ્બરમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ પ્રિ-કોવિડ લેવલે પહોંચી ગયું છે. સપ્ટેમ્બર 2022માં વાહનોના હોલસેલ વેચાણનો એક નવો મંથલી રેકોર્ડ બન્યો છે. આ મહિને 3 લાખ 55 હજાર 946 વાહનો ફેક્ટરીઓમાંથી નીકળીને શોરૂમોમાં પહોંચ્યા છે. ઓગસ્ટ મહિના સાથે સરખામણી કરીએ તો, તેમાં 26 ટકા વૃદ્ધિ થઈ છે. વાર્ષિક ધોરણે સરખામણી કરીએ તો, સપ્ટેમ્બર 2021ની સરખામણીએ કારનું હોલસેલ વેચાણ 121 ટકા વધ્યું છે અને 2020ની સરખામણીએ તેમાં 30 ટકાથી પણ વધુ ઉછાળો થયો છે.
વાહનોના વેચાણમાં થયેલા આ ઉછાળા પાછળ ઘણા કારણ છે.
પહેલું તો સૌથી મોટું કારણ છે સેમિકન્ડક્ટરના સપ્લાયમાં થયેલો સુધારો…, જેના કારણે કંપનીઓ વાહનોનું ઉત્પાદન વધારી શકી છે. વાહનોનું ઉત્પાદન વધવાથી ડીલર્સને વાહનોનો સપ્લાય વધ્યો અને તેવામાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ એટલે ગ્રાહકોની માંગ પણ વધી છે.
ઓટોમોબાઈલ ડીલર્સના મુખ્ય સંગઠન ‘ફાડા’એ પણ આ પરિબળો જવાબદાર ગણાવ્યા છે. ફાડાએ જણાવ્યું છે કે, ઓટો કંપનીઓએ ફટાફટ વાહનો બનાવીને ડીલર્સને ત્યાં મોકલી દીધા અને તેવામાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ એટલે, સપ્ટેમ્બરમાં વાહનોનું રિટેલ વેચાણ 11 ટકા વધ્યું. ફાડાના આંકડા જણાવે છે કે, સપ્ટેમ્બર મહિનામાં કુલ 14 લાખ 64 હજાર વાહનોનું વેચાણ થયું છે, જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને કમર્શિયલ વ્હિકલનું વેચાણ પણ સામેલ છે…
જોકે, ઓટો ઉદ્યોગના તમામ સેગમેન્ટના વેચાણ એકસરખા વધ્યા નથી. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ચોમાસામાં ડાંગરનું વાવેતર ઘટવાથી ટુ-વ્હીલર અને ટ્રેક્ટરના વેચાણ પર અસર પડી છે. ફાડાના આંકડા દર્શાવે છે કે, સૌથી વધુ 44 ટકા વૃદ્ધિ પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં નોંધાઈ છે જ્યારે થ્રી-વ્હીલરના વેચાણમાં માત્ર 6 ટકા, ટ્રેક્ટરના વેચાણમાં 37 ટકા અને કમર્શિયલ વ્હિકલના વેચાણમાં 17 ટકા જ વધારો થયો છે.
એક બાજુ પેસેન્જર વ્હિકલનું વેચાણ ફુલ સ્પીડમાં વધીને 1 દાયકાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે તો બીજી બાજુ, ટુ-વ્હીલર માર્કેટમાં કાગડા ઉડી રહ્યાં છે. ઓટોમોબાઈલ ઉદ્યોગના એકમાત્ર ટુ-વ્હીલર સેગમેન્ટમાં હજુ પણ વેચાણ વધવાનું શરૂ થયું નથી. તહેવારોની સીઝન હોવા છતાં ટુ-વ્હીલરના વેચાણમાં 14 ટકા ઘટાડો થયો છે.
આ તો થઈ સપ્ટેમ્બરના વેચાણની વાત, પરંતુ શું ઓક્ટોબરમાં પણ વેચાણમાં પૂરપાટ ઝડપ જોવા મળશે ખરી? આ અંગે ફાડાના પ્રેસિડન્ટ મનીષ રાજ સિંઘાનિયા કહે છે કે, સેમિકન્ડક્ટરનો સપ્લાય વધવાથી કારનો વેઈટિંગ પીરિયડ ઘટી રહ્યો છે અને અત્યાધુનિક ફીચર્સ ધરાવતા નવા મોડેલ્સ લોન્ચ થવાથી શોરૂમોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે, જેથી ઓક્ટોબરમાં પણ રિટેલ વેચાણ વધવાની સંભાવના છે. કારણ કે, ઓક્ટોબરમાં દશેરા અને દિવાળીના તહેવારો હોવાથી માંગને મજબૂત ટેકો મળવાની આશા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો