MONEY9: અમેરિકન ટેકનોલોજી કંપની IBMએ ‘મૂનલાઈટિંગ’ અનૈતિક હોવાનું જાહેર કરી દીધું છે. આ મૂનલાઈટિંગ શબ્દ, છેલ્લાં કેટલાક દિવસથી ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. આ શબ્દને લઈને ટેકનોલોજી જગતમાં થઈ રહેલી ટીકા-ટિપ્પણીઓની વાત કરતાં પહેલાં, એ સમજીએ કે, આ મૂનલાઈટિંગ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો, કંપનીમાં નક્કી થયેલા કામ કરવાના કલાકો બાદ, બીજી નોકરી કરવામાં આવે, તો તેને મૂનલાઈટિંગ કહે છે. તમે સાઈડમાં બીજી નોકરી કરો તો તેને બિઝનેસજગતમાં મૂનલાઈટિંગ કહેવાય.
ભારતમાં કોણે કરી શરૂઆત? જે કંપનીમાં મૂનલાઈટિંગની છૂટ હોય છે, તે કંપનીનો કર્મચારી પોતાની મુખ્ય નોકરીના કામકાજના સમય ઉપરાંત, બીજી નોકરી કરી શકે છે, પરંતુ તેણે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે. ભારતમાં આ શબ્દ ત્યારે સાંભળવા કે વાંચવા મળ્યો, જ્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Swiggyએ તેના કર્મચારીઓ માટે મૂનલાઈટિંગ પૉલિસી અમલમાં મૂકી. Swiggy છેલ્લાં કેટલાક સમયથી કર્મચારીઓના પગારમાં કાપ મૂકી રહી છે અને કદાચ, આ કારણસર તેણે કર્મચારીઓને બીજી નોકરી દ્વારા વધુ કમાણી કરવા માટે મૂનલાઈટિંગ પૉલિસીને મંજૂરી આપી છે.
મૂનલાઈટ અને વિવાદ હવે, વાત કરીએ મૂનલાઈટિંગ સાથે જોડાયેલા વિવાદની. તાજેતરમાં ઘણી ટેકનોલોજી કંપનીઓએ મૂનલાઈટિંગને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગ્લોબલ ટેક. કંપની IBMના ભારત અને દક્ષિણ એશિયા માટેના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ પટેલનું કહેવું છે કે, લોકો નોકરી સિવાયના સમયમાં મન ફાવે તે કરી શકે છે, પરંતુ મૂનલાઈટિંગ કરવું નૈતિક રીતે યોગ્ય નથી. ભારતની આઈટી કંપની વિપ્રો અને ઈન્ફોસિસે પણ મૂનલાઈટિંગનો વિરોધ કર્યો છે. વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીએ તો સીધેસીધું કહી દીધું છે કે, મૂનલાઈટિંગ એટલે કર્મચારીઓ દ્વારા થતી ચીટિંગ છે.
ઈન્ફોસિસનો મેઈલ ભારતની બીજા ક્રમની આઈટી કંપની ઈન્ફોસિસે તેના કર્મચારીઓને એક ઈમેઈલ મોકલીને જણાવ્યું છે કે, એમ્પ્લોયીઝ કૉડ ઑફ કન્ડક્ટ હેઠળ, કર્મચારીઓને મૂનલાઈટિંગની મંજૂરી મળતી નથી. જો કર્મચારીઓ મૂનલાઈટિંગ કરતા પકડાશે, તો નોકરી છોડવાનો વારો આવી શકે છે.
કંપનીઓનો વિરોધ તો કંપનીઓ આખરે મૂનલાઈટિંગનો આટલો બધો વિરોધ શા માટે કરે છે? કંપનીઓ દ્વારા વિરોધ કરવાના કેટલાક કારણ છે. તેમને ડર છે કે, મૂનલાઈટિંગને કારણે બિઝનેસ પર ગંભીર અસર પડી શકે છે. કંપનીઓને બીક છે કે, મૂનલાઈટિંગને કારણે કર્મચારીઓમાં કામ પ્રત્યેની ગંભીરતા ઘટી જાય છે. ડેટા સંબંધિત જોખમ ઊભું થાય છે અને ગુપ્ત માહિતી લીક થવાનો ખતરો રહે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો