MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
ટાટા મોટર્સ કારના ભાવમાં વધારો કરશે
નવા વર્ષથી ગાડીઓના ભાવ વધવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. ગયા સપ્તાહે મારુતિએ જાહેરાત કરી હતી કે, તે 2023ની પહેલી જાન્યુઆરીથી તમામ મોડેલના ભાવમાં વધારો કરશે. હવે ટાટા મોટર્સે પણ આવતા મહિનાથી ભાવ વધારવાના સંકેત આપ્યા છે. ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ એન્ડ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ વિભાગના MD શૈલેષ ચંદ્રાએ જણાવ્યું છે કે, 2022માં કોમોડિટીના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહ્યાં છે, જેનાથી કંપનીનો કાર બનાવવાનો ખર્ચ વધી ગયો છે. 2023ના એપ્રિલ મહિનાથી પ્રદૂષણ સંબંધિત આકરા નિયમો લાગુ થવાના છે અને તેને અનુરૂપ કાર બનાવવા માટે અમારે વધુ ખર્ચ કરવો પડશે. આથી, અમે જાન્યુઆરી 2023થી તમામ પેસેન્જર વ્હિકલના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહ્યાં છીએ. ચંદ્રાનું કહેવું છે કે, બેટરીના ભાવ પણ વધી ગયા છે અને કંપનીએ અત્યાર સુધી આ બોજ જાતે વેઠી લીધો છે. મારુતિએ પણ ગયા સપ્તાહે કોમોડિટીની મોંઘવારી અને નવા નિયમોનું કારણ આપીને ભાવ વધારવાની જાહેરાત કરી હતી. મારુતિ અને ટાટા ભારતની મુખ્ય પેસેન્જર વ્હિકલ બનાવતી કંપની છે અને તેમની આ જાહેરાત બાદ અન્ય કંપનીઓ પણ ભાવમાં વધારો કરશે.
વર્લ્ડ બેન્કે GDPનો અંદાજ સુધાર્યો
વર્લ્ડ બેન્કે મંગળવારે આશા વ્યક્ત કરી છે કે, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.9 ટકાના દરે વૃદ્ધિ કરશે. વર્લ્ડ બેન્કે અગાઉ જીડીપી ગ્રોથ રેટ 6.5 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો, પરંતુ હવે તેને સુધારીને 6.9 ટકા કર્યો છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર વૈશ્વિક આંચકા સહન કરવા માટે સક્ષમ છે. ભારતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કરીને 6.3 ટકા ગ્રોથ રેટ હાંસલ કર્યો છે. વર્લ્ડ બેન્કને અપેક્ષા છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર રાજકોષીય ખાધનું લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કરી લેશે. સરકારે જીડીપીના 6.4 ટકા ખાધનો ટાર્ગેટ રાખ્યો છે. અમેરિકાની એજન્સી ફિચ રેટિંગ્સે પણ ભારતીય અર્થતંત્ર 7 ટકા જીડીપી ગ્રોથ રેટ હાંસલ કરશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. વિશ્વમાં ઝડપભેર વૃદ્ધિ કરી રહેલાં કેટલાક ઊભરતા અર્થતંત્રોમાં ભારત પણ સામેલ થશે એમ ફિચ રેટિંગ્સે જણાવ્યું છે. રિઝર્વ બેન્કે પણ અગાઉ અંદાજ આપ્યો હતો કે, ચાલુ નાણાકીય વર્ષમાં આપણે 7 ટકા જીડીપી ગ્રોથ રેટ હાંસલ કરીશું. જોકે, વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક મોંઘવારીનો દર સરેરાશ 7.1 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે, જે રિઝર્વ બેન્કની 6 ટકાની અપર લિમિટ કરતાં ઘણો વધારે છે.
હૈદરાબાદમાં લાગ્યા દેશનાં પ્રથમ ગોલ્ડ ATM!
ATMમાંથી પૈસા કાઢતા લોકોને તો આપણે બધાએ જોયા છે, પણ ATMમાંથી સોનું કાઢતા લોકોને જોયા છે? જો ના જોયા હોય, તો ટૂંક સમયમાં આવા દૃશ્યો પણ જોવા મળશે. વાત એમ છે કે, ATMમાંથી ગોલ્ડ ઉપાડી શકાય તેવા પ્રથમ ગોલ્ડ ATM હૈદરાબાદમાં લાગી ગયા છે. આ ATM ચોવીસે કલાક ખુલ્લાં રહેશે. તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ગોલ્ડ ATMમાંથી સોનાના સિક્કા ઉપાડી શકશો. હાલના તબક્કે માત્ર ગોલ્ડ કોઈન ઉપાડવા મળશે. હૈદરાબાદની ગોલ્ડસિક્કા પ્રાઈવેટ લિમિટેડ નામની સ્ટાર્ટઅપે આ ગોલ્ડ ATM ઈન્સ્લોટ કર્યાં છે. કંપની તેને દેશનાં પ્રથમ રિયલ-ટાઈમ ગોલ્ડ ડિસ્પેન્સિંગ મશીન કહે છે. તેની કેપેસિટી 5 કિલો ગોલ્ડ રાખવાની છે. તમે 0.5 ગ્રામ, 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ અને 100 ગ્રામના સિક્કા ખરીદી શકશો. એટલે કે, ગોલ્ડ કોઈન ખરીદવા માટે તમારે ઝવેરી પાસે જવાની જરૂર નહીં પડે, તમે આવા ATMમાંથી 24 કેરેટના સિક્કા લઈ શકશો.
મારુતિ ક્ષતિગ્રસ્ત પાર્ટ ફ્રીમાં બદલી આપશે
મારુતિને શંકા છે કે, તાજેતરમાં બનાવામાં આવેલી તેની અમુક ગાડીઓમાં ભૂલ રહી ગઈ છે. મારુતિએ જણાવ્યું છે કે, સિઆઝ, બ્રેઝા, અર્ટિગા, XL6 અને ગ્રાન્ડ વિટારાના 9,125 યુનિટના ફ્રન્ટ રો સીટ બેલ્ટમાં ખામી રહી ગઈ હોવાની શક્યતા છે. આથી, મારુતિએ ક્ષતિગ્રસ્ત પાર્ટ બદલી આપવાની જાહેરાત કરી છે. મારુતિએ જણાવ્યું છે કે, 2022ની બીજી નવેમ્બરથી 28 નવેમ્બરની વચ્ચે બનાવવામાં આવેલી કારમાં ખામી રહી ગઈ હોવાની સંભાવના છે. મારુતિને શંકા છે કે, ફ્રન્ટ રો સીટ બેલ્ટ્સના શોલ્ડર હાઈટ એડજસ્ટર એસેમ્બલીના ચાઈલ્ડ પાર્ટ્સમાં ક્ષતિ રહી ગઈ છે, જેના કારણે સીટ બેલ્ટ ડિસએસેમ્બલ થઈ શકે છે. આથી, કંપનીએ આવી કારનું ચેકિંગ કરીને ક્ષતિગ્રસ્ત પાર્ટનું રિપ્લેસમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના માટે ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ નહીં વસૂલે. મારુતિ કારના માલિકોનો સંપર્ક કરીને તેમને ઓથોરાઈઝ્ડ વર્કશોપ પર બોલાવશે અને ચકાસણી કરીને ક્ષતિ ધરાવતા પાર્ટ બદલી આપશે.
યસ બેન્ક FD પર આપી રહી છે 7% રિટર્ન
ખાનગી સેક્ટરની ધિરાણકર્તા, યસ બેન્કે તેના ખાતેધારકોને ખુશખબર આપી છે. યસ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર વધાર્યાં છે. બેન્ક હવેથી, 1 વર્ષની FD પર 7 ટકા વ્યાજ દર આપશે. યસ બેન્ક સીનિયર સીટિઝનને અડધો ટકા વધુ વ્યાજ આપી રહી છે. યસ બેન્કે FD પર ફ્લૉટિંગ રેટ ઑફ ઈન્ટરેસ્ટની સ્કીમ પણ શરૂ કરી છે. ફ્લોટિંગ રેટને રેપો રેટ સાથે લિન્ક્ડ કરવામાં આવ્યા છે. અત્યારે રેપો રેટ 5.90 ટકા છે અને યસ બેન્ક તેના પર 1.10 ટકા માર્ક-અપ રેટ ઉમેરીને 7 ટકા ઑફર કરી રહી છે. ધારો કે, ડિસેમ્બરમાં રિઝર્વ બેન્ક રેપો રેટ વધારે તો, તમારી ફ્લોટિંગ FDનો રેટ પણ તે મુજબ આપોઆપ વધી જશે. આમ, તમે જનરલ FDની તુલનાએ ફ્લોટિંગ FDમાં વધુ વ્યાજ કમાઈ શકો છો.
સરકાર પેન્શન વધારે અને મેટરનિટી બેનિફિટની મર્યાદા દૂર કરે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા વર્ષની પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં ‘બજેટ 2023-24’ રજૂ કરવાના છે. નાણામંત્રીને બજેટ તૈયાર કરવા માટે અર્થશાસ્ત્રીઓ તરફથી વિવિધ ભલામણો અને સૂચનો મોકલવામાં આવી રહ્યાં છે. કેટલાક ઈકોનોમીસ્ટે ભલામણ કરી છે કે, નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હેઠળ ચૂકવવામાં આવતી પેન્શનની રકમ વધારવાની જરૂર છે. અત્યારે આ સ્કીમ હેઠળ મહિને 200 રૂપિયા પેન્શન મળે છે, જે વધારીને 500 રૂપિયા કરવું જોઈએ. વિધવા પેન્શનરને પણ વધારે પેન્શન મળવું જોઈએ. નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હેઠળ અત્યારે 2.1 કરોડ પેન્શનરને દર મહિને નજીવી રકમ મળે છે, જે વધારવી જોઈએ. અર્થશાસ્ત્રીઓએ અન્ય એક ભલામણ મેટરનિટી બેનિફિટ અંગે પણ કરી છે. સરકારી નિયમ અનુસાર, મહિલાઓને માત્ર એક બાળક માટે મેટરનિટી બેનિફિટ મળે છે. જોકે, અર્થશાસ્ત્રીઓએ સૂચન આપ્યું છે કે, માત્ર એક બાળક પૂરતી આ મર્યાદા દૂર કરવી જોઈએ.
કેનેરા બેન્કે MCLRમાં વધારો કર્યો
કેનેરા બેન્કે લોનના માર્જિનલ-કૉસ્ટ ઑફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે, MCLRમાં વધારો કર્યો છે. કેનેરા બેન્કે જણાવ્યું છે કે, 7 ડિસેમ્બરથી નવા MCLR લાગુ કરવામાં આવશે. કેનેરા બેન્કે 1 વર્ષનો MCLR 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કર્યો છે. ઓવરનાઈટ MCLR અને વન-મન્થ MCLR 7.25 ટકાથી વધારીને 7.30 ટકા કરવામાં આવ્યા છે. તેનો થ્રી-મન્થ MCLR 7.55 ટકાથી વધીને 7.60 ટકા જ્યારે સિક્સ-મન્થ MCLR 8 ટકાથી વધીને 8.05 ટકા થયો છે. બેન્કો કન્ઝ્યુમર લોન આપવા માટે MCLRને આધાર બનાવે છે… અને MCLR વધવાથી આવી તમામ લોન પણ મોંઘી થઈ જશે. અગાઉ SBI, HDFC બેન્ક, કરૂર વૈસ્ય બેન્કે પણ MCLRમાં વધારો કર્યો હતો.
Published - December 7, 2022, 07:05 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો