MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
સુરત ટૂંક સમયમાં લાવશે મ્યુનિસિપલ બૉન્ડ સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં મ્યુનિસિપલ બૉન્ડ ઈશ્યૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકા ઉદ્યોગોને ટ્રીટમેન્ટ કરેલું પ્રદૂષિત પાણી વેચીને વર્ષે 144 કરોડ રૂપિયાની આવક મેળવે છે અને આ ક્ષમતા બમણી કરવાની યોજના છે, જેના માટે બૉન્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આવક વધારવા અને દેવું ચૂકવીને બેલેન્સ શીટ ચોખ્ખી કરવા માટે ગુજરાતના તમામ મહાનગરોએ ટેક્સ પણ વધાર્યા છે. સુરત મહાનગરપાલિકાએ પણ 12 વર્ષે વિવિધ વેરા વધાર્યા છે. સુરતે પ્રોપર્ટી ટેક્સ, વોટર ટેક્સ, સેનિટેશન અને ડ્રેનેજ ટેક્સ વધાર્યો હોવાથી તેને વર્ષે 301 કરોડ રૂપિયાની આવક થશે, જેથી બૉન્ડ માર્કેટમાં તેની શાખ વધશે. શહેરો મ્યુનિસિપલ બૉન્ડ ઈશ્યૂ કરી શકે અને રોકાણકારોને આકર્ષી શકે તે માટે તેમની શાખ વધારવા કેન્દ્ર સરકારે વિવિધ પ્રોત્સાહનો આપવાની જાહેરાત પણ બજેટમાં કરી હતી.
આધાર અને પાન લિન્ક કરાવવાની તારીખ લંબાવાઈ જે લોકોએ હજુ સુધી પાન અને આધાર લિન્ક કરાવ્યું નથી તેમના માટે રાહતના સમાચાર છે. આધાર પાન લિન્ક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી પરંતુ સરકારે હવે આ તારીખ લંબાવી છે. હવે તમે 30 જૂન સુધી આધાર-પાન લિન્ક કરાવી શકો છો. મોટી સંખ્યામાં લોકોને આધાર અને પાન લિન્ક કરવાના બાકી હોવાથી માગ ઉઠી હતી કે આધાર પાન લિન્કની આખર તારીખ લંબાવવામાં આવે. આખરે નાણા મંત્રાલયે આધાર પાન લિન્ક કરવાની આખર તારીખમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. 1 જુલાઇથી જો તમે આધાર અને પાન લિન્ક નહીં કરાવ્યું હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને જ્યાં સુધી આ પાન નિષ્ક્રિય રહેશે ત્યાં સુધી તમને કોઇ રિફંડ મળશે નહીં. જે લોકોએ આધાર પાન લિન્ક નહીં કરાવ્યું હોય તેમના પર tds અને tcsના દર ઉંચા રહેશે. જે લોકોના આધાર-પાન લિન્ક નથી તેમની પાસેથી સરકાર 30 જૂન સુધી 1,000 રૂપિયા દંડ વસૂલશે. અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ પાન કાર્ડ આધાર સાથે લિન્ક થઈ ગયા છે.
Demat ખાતામાં નોમિનેશન અપડેટ કરવાની તારીખ લંબાવાઈ નાના રોકાણકારો હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી તેમના ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશન અપડેટ કરી શકશે. અગાઉ આ કામ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, પરંતુ સેબીએ મંગળવારે આ ડેડલાઈન છ મહિના પાછી ઠેલી છે. ધારો કે, રિટેલ રોકાણકાર કોઈ નોમિની ઉમેરવા ના માંગતા હોય તોપણ, તેમણે ડેક્લેરેશન ફૉર્મમાં આવું લખીને આપવું જરૂરી છે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે આ ડેક્લેરેશન ફૉર્મ જમા કરાવી શકો છો. પરંતુ જો તમે નોમિનેશન ઉમેરવાની કે નહીં ઉમેરવાની માહિતી નહીં આપો તો, તમારું ડિમેટ ખાતુ ફ્રીઝ થઈ જશે અને તમે શેરનું ખરીદ કે વેચાણ નહીં કરી શકો.
PF ખાતામાં જમા થતી રકમ પર મળશે 8.15% વ્યાજ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે, EPFOના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝે ચાલુ નાણાકીય વર્ષ માટે 8.15 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે. એટલે કે, તમારા પીએફ ખાતામાં જમા થતી રકમ પર 8.15 ટકા વ્યાજ મળશે. આ નિર્ણયથી 6 કરોડ સભ્યોને ફાયદો થશે. નાણાકીય વર્ષ 2021-22 માટે સરકારે 8.10 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો, જે છેલ્લાં 43 વર્ષનો સૌથી નીચો દર છે. EPFOની બેઠકમાં આ નિર્ણય લેવાયા બાદ, નાણા મંત્રાલય દ્વારા નવા ઈન્ટરેસ્ટ રેટ નોટિફાય કરવા જરૂરી છે. એક વખત ઈન્ટરેસ્ટ રેટ નોટિફાય થઈ જશે ત્યારબાદ જ, EPFO દ્વારા પીએફ ખાતામાં નવા દર પ્રમાણે વ્યાજ જમા કરવામાં આવશે.
નેસલેના શેરહૉલ્ડર્સને થશે બેવડો લાભ, મળશે બે વખત ડિવિડન્ડ કિટકેટ, મેગી, મન્ચ, નેસકાફે જેવી જાણીતી બ્રાન્ડ્સની માલિક નેસલેના બોર્ડે વચગાળાનું ડિવિડન્ડ નક્કી કરવા માટે 12 એપ્રિલે બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. કંપનીએ અગાઉ ફેબ્રુઆરીમાં શેર દીઠ 75 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું હતું અને હવે વચગાળાનું ડિવિડન્ડ પણ આપશે. એટલે કે, વર્ષ 2023માં નેસલેના શેરહૉલ્ડર્સને બે વખત ડિવિડન્ડ મળશે. નેસલેનું બોર્ડ 12 એપ્રિલે મળશે અને વચગાળાનું ડિવિડન્ડ નક્કી કરશે. તેના માટે 21 એપ્રિલને રેકૉર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. નેસલે 8 મે, 2023 બાદ અંતિમ ડિવિડન્ડ અને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે. છેલ્લાં 12 મહિનામાં નેસલેએ શેર દીઠ 210 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. 28 માર્ચે નેસલે ઈન્ડિયાનો શેર 18,941 રૂપિયાએ બંધ રહ્યો હતો.
જિયોએ લૉન્ચ કર્યો સસ્તો ફિક્સ્ડ બ્રોડબેન્ડ પ્લાન રિલાયન્સ જિયોએ ટેલિકોમ માર્કેટમાં હરીફોને આકરી સ્પર્ધા આપવાનું શરૂ કર્યું છે. જિયોએ પહેલાં તો પોસ્ટપેઈડ અને પ્રિપેઈડ ટેરિફમાં ઘટાડો કર્યો હતો અને હવે ફિક્સ્ડ બ્રોડબેન્ડ માર્કેટમાં પણ સસ્તા પ્લાન લૉન્ચ કર્યાં છે. જિયોએ તેનો એન્ટ્રી-લેવલનો બ્રોડબેન્ડ પ્લાન 50 ટકા સસ્તો કર્યો છે. પહેલાં જિયો ફાઈબર કનેક્શન મેળવવા માટે માસિક રૂ.399 ચૂકવવા પડતા હતા, પરંતુ હવે રૂ.198માં આ કનેક્શન મળી જશે. કંપનીએ આ પ્લાનનું નામ બ્રોડબેન્ડ બેક-અપ પ્લાન રાખ્યું છે, જેમાં 10 મેગાબાઈટ પર સેકન્ડની ઈન્ટરનેટ સ્પીડ મળશે. તમે રૂ.21થી રૂ.152 વધુ ચૂકવીને ઈન્ટરનેટ સ્પીડ 30 mbps થી 100 mbps પણ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો