Rupee at All-Time Low: રૂપિયો સતત તૂટી રહ્યો છે. ઈન્ટરબેન્ક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં અમેરિકન ડૉલરની સામે ભારતીય રૂપિયો સતત ચોથા કારોબારી સત્રમાં ઘટ્યો છે. 18 સપ્ટેમ્બર, સોમવારના રોજ રૂપિયો વધુ 13 પૈસા ઘટીને 83.29 (અસ્થાયી)ના સ્તરે બંધ રહ્યો હતો, જે 1 ડૉલર સામે તેનું અત્યાર સુધીનું સૌથી નીચું લેવલ છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી અને આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય ચલણની સામે ડૉલર વધુ મજબૂત થવાથી રૂપિયામાં મંદીનો ટ્રેન્ડ પ્રસર્યો છે. રૂપિયો સતત ઘસાઈ રહ્યો હોવાથી આયાતી ચીજવસ્તુઓની મોંઘવારી માથાનો દુખાવો બની શકે છે.
વૈશ્વિક અને સ્થાનિક પરિબળ
ફોરેન કરન્સીના ટ્રેડર્સ જણાવે છે કે, વૈશ્વિક પરિબળોની સાથે સાથે સ્થાનિકમાં શેરબજારમાં નેગેટિવ મૂવમેન્ટ જોવા મળતાં રૂપિયા પર અસર પડી હતી. સોમવારે રૂપિયો 83.09ના લેવલે ખુલ્યો હતો અને કારોબાર દરમિયાન 83.09થી લઈને 83.30ની રેન્જમાં ટ્રેડ થયો હતો. દિવસના અંતે 1 ડૉલર સામે રૂપિયો 83.29 (અસ્થાયી)ના લેવલે બંધ રહ્યો હતો. છેલ્લે શુક્રવારે રૂપિયો 13 પૈસા ઘટીને 83.16ના લેવલે બંધ રહ્યો હતો.
ડૉલર ઈન્ડેક્સ
ડૉલર ઈન્ડેક્સ (વિશ્વના 6 મુખ્ય ચલણની સામે ડૉલરની મજબૂતી દર્શાવે છે) 0.11 ટકા ઘટીને 105.20ના લેવલે નોંધાયો હતો. ડૉલર ઈન્ડેક્સ 105.34ના લેવલે બંધ રહ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ ઘણા સમયથી વધી રહ્યો છે અને 100થી 105ની રેન્જમાં રહે છે.
ક્રૂડ ઓઈલની મોંઘવારી
ડૉલરની મજબૂતીની સાથે સાથે ક્રૂડ ઓઈલ પણ મોંઘું થઈ રહ્યું છે. ઈન્ટરનેશનલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.42 ટકા વધીને 94.32 ડૉલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યો છે. હાજર બજારમાં બ્રેન્ટ ક્રૂડ 0.82 ટકા પ્લસમાં છે અને પ્રતિ બેરલ 94 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. અમેરિકન બેન્ચમાર્ક WTI ક્રૂડ પણ 91 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડ મોંઘું હોવાથી તેની આયાત માટે ભારતે વધારે ડૉલર ખર્ચવા પડશે અને પરિણામે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.
આયાતી મોંઘવારી
રૂપિયો ઘટવાને લીધે વિદેશથી મંગાવવામાં આવતી કોઈ પણ ચીજવસ્તુ કે સેવા મોંઘી થઈ ગઈ છે. વિદેશથી મંગાવવામાં આવતી ચીજવસ્તુ કે સેવા માટે ડૉલરમાં ચૂકવણી કરવી પડે છે અને રૂપિયો નબળો હોવાથી ડૉલર ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે. એટલે કે, રૂપિયો નબળો પડવાથી આયાતી સામાન માટે હવે અગાઉ કરતાં વધારે કિંમત ચૂકવવી પડશે. એટલે, ભારતમાં આયાતી ચીજવસ્તુની મોંઘવારી વધશે. એટલું જ નહીં, વિદેશમાં ભણવાનો ખર્ચ વધી જશે તેમજ અન્ય કોઈ ફીની ચૂકવણી વધુ મોંઘી થઈ જશે. વિદેશમાં ફરવા માટે પણ હવે વધારે ખર્ચ કરવો પડશે.
Published September 18, 2023, 19:51 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો