Money9 Gujarati:
રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકન ડૉલર સામે રૂપિયાનો ઘસારો સતત ચાલુ રહ્યો છે. 6 સપ્ટેમ્બરે રૂપિયાના મૂલ્યમાં વધુ 9 પૈસાનો ઘટાડો થયો હતો અને 83.13નું ઓલ-ટાઈમ લો લેવલ બન્યું હતું. અમેરિકન ચલણ મજબૂત થવાથી તેમજ ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી રૂપિયા પર દબાણ સર્જાયું છે.
ફોરેન એક્સચેન્જ માર્કેટના ટ્રેડર્સના કહેવા પ્રમાણે, અમેરિકન ડૉલર છ મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હોવાથી રૂપિયો ઘટી રહ્યો છે. ઓછામાં પૂરું ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરની સપાટીને વટાવી ગયા હોવાથી પણ રૂપિયો દબાણમાં છે.
ભારતના ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 83.08ના સ્તરે ખુલ્યો હતો અને દિવસ દરમિયાન 83.02થી 83.18ની રેન્જમાં ટ્રેડ થયો હતો. આખરે રૂપિયો 5 સપ્ટેમ્બરના બંધ ભાવની સામે 9 પૈસા ઘટીને 83.13ના લેવલે બંધ રહ્યો હતો. અગાઉ રૂપિયાએ ચાલુ વર્ષની 21 ઓગસ્ટે 83.13નું સૌથી નીચું લેવલ બનાવ્યું હતું. ગઈ કાલે પણ રૂપિયો 33 પૈસા ઘસાયો હતો અને 83.04ના લેવલે બંધ રહ્યો હતો. દરમિયાનમાં, ડૉલર ઈન્ડેક્સ 0.13 ટકા વધીને 104.95ના લેવલે પહોંચ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ વિશ્વના 6 મુખ્ય ચલણ સામે ડૉલરની મજબૂતાઈ દર્શાવે છે.
ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII) બુધવારે નેટ સેલર્સ રહ્યાં હતા અને તેમણે રૂ.3,245.86 કરોડનો માલ વેચ્યો હતો. આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ 0.67 ટકા ઘટીને 89.44 ડૉલરે પહોંચ્યો છે.
Sharekhan by BNP Paribasના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીનું કહેવું છે કે, “બ્રેન્ટ ક્રૂડના ભાવે પ્રતિ બેરલ 90 ડૉલરની સપાટી વટાવી છે. ચીનની આર્થિક હાલત નબળી પડી છે. ઓગસ્ટમાં ચીનનો સર્વિસિસ PMI 8 મહિનાના તળિયે પહોંચી ગયો હતો. અપેક્ષા હતી કે આ ઈન્ડેક્સ 53.6ના સ્તરે પહોંચશે પણ તે ઘટીને 51.8 રહ્યો હતો. યુરોપ પણ મંદીના વમળમાં ફસાયેલું હોવાથી, વૈશ્વિક સ્તરે ઈકોનોમિક સ્લોડાઉનની ચિંતા વધી છે આથી, સેફ-હેવન તરીકે અમેરિકન ડૉલરની ડિમાન્ડ વધી છે.” ચૌધરીનું કહેવું છે કે, “રૂપિયો નેગેટિવ ઝોનમાં ટ્રેડ થવાની અપેક્ષા છે કારણ કે, ગ્લોબલ માર્કેટ્સમાં જોખમ ઘટાડવાના પ્રયાસ થઈ રહ્યાં છે અને ડૉલર મજબૂત થઈ રહ્યો છે. FIIની વેચવાલી વધી છે અને ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરને ક્રોસ થઈ ગયા હોવાથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. જોકે, રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયાનો ઘસારો અટકાવવા માટે દરમિયાનગીરી કરવામાં આવે અને સપ્ટેમ્બરમાં યુએસ ફેડ દ્વારા વ્યાજ દર વધારવામાં ન આવે તો રૂપિયાને થોડો ટેકો મળી શકે છે. હવે અમેરિકામાં ISM સર્વિસિસ PMIના આંકડા પરથી આગામી ચાલ નક્કી કરવામાં મદદ મળશે.”
મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસિસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયા કહે છે કે, રૂપિયો સતત ત્રીજા દિવસે ઘટ્યો છે. મુખ્ય ચલણો સામે ડૉલર સતત મજબૂત થવાથી તેમજ ડોમેસ્ટિક ઈક્વિટીઝની વેચવાલી વધવાથી રૂપિયા પર સતત દબાણ વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “યુરો ઝોન અને બ્રિટનમાં અપેક્ષા કરતાં નબળા આર્થિક સંકેત મળી રહ્યાં હોવાથી મંદીની ચિંતા વધી છે અને તેમના ચલણ ધોવાઈ રહ્યાં છે. આ સ્થિતિનો ફાયદો અમેરિકન ડૉલરને મળી રહ્યો છે. અમેરિકામાં સર્વિસિસ PMI પર બધાની નજર છે અને અપેક્ષા છે કે, આ ઈન્ડેક્સ ઉપર જશે પરિણામે, ડૉલર વધુ મજબૂત બનશે.”
HDFC Securitiesના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમાર કહે છે કે, “વિકસિત દેશોમાં ગ્રોથ અને પોલિસી સંબંધિત નિર્ણયો પર ચાંપતી નજર રહેશે, કારણ કે ફોરેક્સ ટ્રેડર્સ જાપાન અને યુરોપના ચાલુ સપ્તાહના અંતે જાહેર થનારા GDPના આંકડાની રાહ જોઈ રહ્યાં છે.”
કોટક સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડન્ટ (કરન્સી ડેરિવેટિવ્સ & ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ) અનિંદ્ય બેનરજી કહે છે કે, “ચાલુ સપ્તાહના અંત સુધી રૂપિયો હાજરમાં 83.25થી 83.30ની વચ્ચે રહેશે કે નહીં તેના પર ફોકસ છે. અમને અપેક્ષા છે કે, રૂપિયો નવા તળિયે ના પહોંચે તે માટે રિઝર્વ બેન્ક આક્રમક પગલાં ભરશે. ધારો કે, ડૉલર સામે રૂપિયો 83.30નું લેવલ વટાવી દે તો પછી રૂપિયો વધુ ધોવાઈ શકે છે. હાજરમાં 82.70થી 83.30ની રેન્જ રહેવાની અમને અપેક્ષા છે.”
25 ઓગસ્ટ સુધીની માહિતી પ્રમાણે, ભારતની ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ (વિદેશી હૂંડિયામણ) 594.86 અબજ ડૉલર નોંધાઈ હતી. 25 ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં 3 કરોડ ડૉલરનો ઘટાડો થયો હતો, પરંતુ તેની અગાઉના સપ્તાહે તેમાં 7.27 અબજ ડૉલરનો બહુ મોટો ઘટાડો નોંધાયો હતો, કારણ કે તે સપ્તાહમાં રૂપિયાએ 83નું લેવલ ક્રોસ કર્યું હતું. હવે રિઝર્વ બેન્ક રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે દરમિયાનગીરી કરશે અને ડૉલર વેચશે, જેથી ભારતની ફોરેક્સ રિઝર્વમાં વધુ ઘટાડો જોવા મળશે.
એક બાજુ ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે અને ડૉલર પણ મોંઘો થઈ રહ્યો છે. ક્રૂડના ભાવ વધવાથી આપણે આયાત માટે વધારે ખર્ચ કરવો પડશે અને આ ખર્ચ ડૉલરમાં કરવો પડશે. બંને મોરચે ભારતને નુકસાન છે અને આ કારણસર રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. રૂપિયો નબળો પડવાથી વિદેશમાં ખરીદવામાં આવતી તમામ ચીજવસ્તુ તથા સેવા માટે વધારે ખર્ચ કરવો પડશે. વિદેશમાં ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટે ડૉલરમાં ખર્ચ કરવો પડે છે અને ચૂકવણી પણ ડૉલરમાં થાય છે. રૂપિયો નબળો હોવાથી એક ડૉલર માટે વધારે રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે, વિદેશથી આયાત થતાં સામાન માટે અગાઉ કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. આથી ભારતમાં આયાતી મોંઘવારી વધુ આકરી બનશે. રૂપિયો નબળો પડવાથી વિદેશમાં ભણી રહેલા અથવા અન્ય કોઈ સેવા માટે ફી ભરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના મા-બાપે હવે વધારે પૈસા ચૂકવવા પડશે. વિદેશમાં ફરવા જવાનું પણ મોંઘું થઈ જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો