Money9 Gujarati:
અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 1 નવેમ્બરે 9 પૈસા ઘટીને 83.33 (પ્રોવિઝનલ)ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે બંધ રહ્યો હતો. ડૉલર વિશ્વભરનાં ચલણ સામે સતત મજબૂત થઈ રહ્યો છે જેના લીધે ભારતીય રૂપિયા સહિતના ચલણ પર દબાણ સર્જાયું છે. ઓછામાં પૂરું ભારતમાંથી ફોરેન ફંડ્સની વેચવાલી વધવાને કારણે રૂપિયા પર દબાણ વધ્યું છે. FII સતત 3 મહિનાથી માલ વેચી રહ્યાં છે અને ભારતને નિકાસ દ્વારા મળતા ડૉલર પણ ઘટી રહ્યાં છે. આમ રૂપિયા પર અલગ-અલગ મોરચે દબાણ વધી રહ્યું છે.
ફોરેન એક્સચેન્જમાં સક્રિય ટ્રેડર્સ જણાવે છે કે, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ સતત સેલિંગ જાળવી રાખ્યું છે તેમજ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાથી અનિશ્ચિતતા વધી છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમત 90 ડૉલરને પાર થઈ ગઈ છે અને તેના લીધે પણ ઈન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું છે.
ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બરે ડૉલર ઈન્ડેક્સ (વિશ્વના 6 મુખ્ય ચલણ સામે ડૉલરની મજબૂતી દર્શાવતો સૂચકાંક) 0.20 ટકા પ્લસમાં રહીને 106.87ના સ્તરે પહોંચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 2 ટકા પ્લસમાં રહીને 87 ડૉલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી છે. રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) સતત ડૉલર વેચી રહી છે, જેના લીધે ભારતનું ફોરેક્સ રિઝર્વ પણ ઘટીને 583 અબજ ડૉલરના પાંચ મહિનાના તળિયે પહોંચી છે. ફોરેક્સ રિઝર્વ સતત 4 સપ્તાહથી ઘટી છે.
ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જમાં 1 નવેમ્બરે રૂપિયો 83.26ના લેવલે ખુલ્યો અને ટ્રેડિંગ દરમિયાન 83.26ના ઊંચા સ્તરે તથા 83.35ના નીચલા સ્તરે પણ પહોંચી ગયો હતો. છેલ્લે રૂપિયો ડૉલર સામે 9 પૈસા ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર 83.33 (પ્રોવિઝનલ)એ બંધ રહ્યો હતો. અગાઉ 31 ઓક્ટોબરે રૂપિયો 83.24 પ્રતિ ડૉલરના ભાવે બંધ રહ્યો હતો.
Sharekhan by BNP Paribasના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરી કહે છે કે, પશ્ચિમ એશિયામાં જિઓ-પોલિટિકલ અનિશ્ચિતતા વધવાની સાથે ડૉલરની મજબૂતીને કારણે રૂપિયા પર હજુ પણ દબાણ જળવાઈ રહેશે.
ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII) ભારતીય શેરબજારમાં માલ વેચી રહ્યાં છે. તેમણે 1 નવેમ્બરે 696.02 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ઓક્ટોબરમાં FII દ્વારા 28,360.59 કરોડ રૂપિયાનો માલ વેચવામાં આવ્યો હતો. FIIએ સપ્ટેમ્બરમાં 26,692.16 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 26,620.65 કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો