Money9 Gujarati:
મોંઘવારીમાં અપેક્ષા મુજબ વધારો નોંધાયો છે. નવેમ્બર 2023માં છૂટક મોંઘવારીનો દર વધીને 5.55 ટકા થયો છે. ઓક્ટોબરમાં છૂટક ફુગાવો 4.87 ટકા હતો, પરંતુ નવેમ્બરમાં તે વધીને 5 ટકાને પાર થઈ ગયો છે. સરકારે 12 ડિસેમ્બરે સાંજે જાહેર કરેલા આંકડા પ્રમાણે, નવેમ્બરમાં ખાદ્ય ફુગાવો 8.70 ટકા રહેવાથી ફુગાવાનો દર વધ્યો હતો. ગ્રામ્ય ફુગાવો 5.85 ટકા જ્યારે શહેરી ફુગાવો 5.26 ટકા રહ્યો છે. ઓક્ટોબરમાં ગ્રામ્ય ફુગાવાનો દર 5.12 ટકા જ્યારે શહેરી ફુગાવાનો દર 4.62 ટકા હતો.
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાની બાસ્કેટમાં ખાદ્ય ફુગાવાનો હિસ્સો લગભગ 50 ટકા છે. ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવો 6.6 ટકા હતો, પરંતુ નવેમ્બરમાં તે વધીને 8.7 ટકા રહ્યો છે. નવેમ્બરમાં શાકભાજીનો ફુગાવાનો દર 17.7 ટકા રહ્યો હતો. લસણ અને ડુંગળીના ભાવ વધવાથી નવેમ્બરમાં શાકભાજીની મોંઘવારી વધી હતી. દાળ અને કઠોળનો ફુગાવાનો દર પણ 20.23 ટકા જેટલા ઊંચા સ્તરે નોંધાયો છે. તુવેર, અડદ, મગ, ચણા સહિતના કઠોળના ભાવ અત્યારે ઊંચા છે. મસાલા પણ મોંઘાદાટ છે અને તેનો છૂટક મોંઘવારીનો દર 21.55 ટકા નોંધાયો છે. અનાજનો ફુગાવાનો દર 10.27 ટકા રહ્યો છે.
RBIએ રિટેલ ફુગાવો 2 ટકાથી 6 ટકાની વચ્ચે રાખવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. નવેમ્બરમાં ફુગાવાનો દર 6 ટકાની ટોચ મર્યાદાની નજીક પહોંચ્યો છે. RBIનો મૂળ ટાર્ગેટ તો ફુગાવાને 4 ટકાએ પહોંચાડવાનો છે, પરંતુ સતત 50 મહિનાથી ફુગાવાનો આ ટાર્ગેટ હાંસલ કરવામાં RBI નિષ્ફળ રહી છે.
8 ડિસેમ્બરની બેઠકમાં RBIએ ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. અગાઉ ઓગસ્ટની બેઠકમાં RBIની મોનેટરી પૉલિસી કમિટીએ નાણાકીય વર્ષ 2023-24 માટે ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી વધારીને 5.4 ટકા કર્યો હતો અને ડિસેમ્બરની બેઠકમાં પણ આ અંદાજ જાળવી રાખ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો