MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
રેલવે કર્મચારીઓને દિવાળી ગિફ્ટ રેલવેના લાખો કર્મચારીઓને દિવાળી સુધરી ગઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી છે. આમ, દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને મોટી ગિફ્ટ મળી છે. રેલવે કર્મચારીને 30 દિવસ માટે મહિને 7 હજાર રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવે છે અને 78 દિવસના હિસાબે તેમને કુલ 17,951 રૂપિયાનું બોનસ મળશે. આ નિર્ણયથી રેલવેના 11 લાખ 27 હજાર કર્મચારીને ફાયદો થશે. લાખો કર્મચારીઓના ખિસ્સામાં દિવાળી પહેલાં બોનસ આવશે, એટલે તેમની ખરીદશક્તિ વધશે.
હવાઈભાડાં 40% વધ્યા હરવાફરવા માટે હવાઈપ્રવાસનું આકર્ષણ વધ્યું હોવાથી ઈન્ટરનેટ પર ફ્લાઈટનું સર્ચિંગ વધી ગયું છે અને પરિણામે, હવાઈભાડાં વધ્યા છે. દિવાળી વેકેશનમાં પોતાના મનગમતા ડેસ્ટિનેશન્સ સુધી પહોંચવા માટે અનેક લોકો ઈન્ટરનેટ પર ફ્લાઈટ સર્ચ કરી રહ્યાં હોવાથી હવાઈભાડાંમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. ટ્રાવેલ એગ્રીગેટર્સને મળતી બૂકિંગ ઈન્ક્વાયરીમાં 60 ટકા સુધીનો વધારો થયો છે. ખાસ તો, 19 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે સર્ચિંગમાં 124 ટકા જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે 133 ટકા વધારો થયો છે. એરલાઈન ઈન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સ જણાવે છે કે, 19 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીની ફ્લાઈટ્સ મોંઘી રહેવાની શક્યતા છે અને આ સમય દરમિયાન ભારતનાં એરપોર્ટ્સ પર સૌથી વધુ ટ્રાફિક રહેશે.
બજાજ ફિનસર્વે નો-કૉસ્ટ EMI ઓફર્સ જાહેર કરી જો તમે બજાજ ફિનસર્વના EMI નેટવર્ક કાર્ડનું સબ્સક્રિપ્શન લીધું હશે, તો એમેઝોન પરથી શોપિંગ કરવામાં તમને એક્સચેન્જ ઑફરની સાથે સાથે નો-કૉસ્ટ EMI ઓપ્શન દ્વારા પેમેન્ટનો લાભ મળશે. તમે એમેઝોનના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલનો લાભ લઈને જૂનો સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ, ટીવી, એસી, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર્સ એક્સચેન્જ કરાવી શકશો. કંપનીનો માણસ તમારા એડ્રેસ પર આવીને જૂની વસ્તુ લઈ જશે, જેના માટે તમારે પેમેન્ટ કરતી વખતે “with Exchange” ઓફર સિલેક્ટ કરવાનો રહેશે. નો-કૉસ્ટ EMI ઑફર હેઠળ, તમે મનગમતા એપ્લાયન્સની ખરીદી કરી શકશો અને તેનું પેમેન્ટ પણ હપ્તામાં કરી શકશો.
ટાટાની ઈલેક્ટ્રિક ટિયાગો ખરીદવા માટે પડાપડી ટાટા મોટર્સે તાજેતરમાં જ લૉન્ચ કરેલી ઈલેક્ટ્રિક ટિયાગોને ખરીદવા માટે લોકોએ પડાપડી કરી છે. ટાટાએ આ કારનું બૂકિંગ લેવાનું શરૂ કર્યું તેના માત્ર 24 કલાકમાં જ તમામ કાર બૂક થઈ ગઈ છે. ટાટાએ અત્યારે આ કારની કિંમત સાડા આઠ લાખ રૂપિયા કરતાં ઓછી રાખી છે, એટલે લોકોએ તમામ 10 હજાર યુનિટ બૂક કરાવી લીધા છે. લોકોએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હોવાથી ટાટા મોટર્સે વધુ 10 હજાર યુનિટ પણ આ કિંમતે વેચવાની ઑફર કરી છે. જે લોકોને કન્ફર્મ બૂકિંગ મળી ગયું છે, તેમને જાન્યુઆરી 2023થી ડિલિવરી મળવાનું શરૂ થશે. અત્યારે માર્કેટમાં જેટલી પણ ઈલેક્ટ્રિક કાર મળી રહી છે, તેમાં ટાટા ટિયાગો ઈવી સૌથી સસ્તી છે.
HDFC બેન્કે FDના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં ખાનગી સેક્ટરની અગ્રણી ધિરાણકર્તા HDFC બેન્કે બે મહિના બાદ ફિક્સ્ડ ડિપોઝિટના રેટમાં વધારો જાહેર કર્યો છે. HDFC બેન્કે FDના વ્યાજ દરમાં 0.75 ટકા સુધીનો વધારો કર્યો છે અને નવા રેટ 11 ઓક્ટોબર, 2022થી અમલમાં મૂક્યા છે. જો તમે બે કરોડ રૂપિયાથી ઓછી રકમની FD કરશો તો, આ રેટ પ્રમાણે વ્યાજ મળશે. બેન્કે 7 દિવસથી 29 દિવસની FDના રેટ 2.75 ટકાથી વધારીને 3 ટકા કર્યા છે. 30થી 60 દિવસની FDના રેટ 3.25 ટકાથી વધારીને 3.50 ટકા જ્યારે 61 દિવસથી 89 દિવસની FDના રેટ 3.25 ટકાથી વધારીને 4 ટકા કર્યાં છે. 90 દિવસથી 6 મહિનાની FD માટે બેન્ક 3.7 ટકાની જગ્યાએ 4.25 ટકા વ્યાજ ચૂકવશે જ્યારે 1 વર્ષથી 2 વર્ષની FD પર 5.35 ટકાની જગ્યાએ 5.50 ટકા વ્યાજ આપશે. 3 વર્ષથી 5 વર્ષની FDના વ્યાજ દર 5.70 ટકાથી વધારીને 6.10 ટકા કરવામાં આવ્યા છે.
AU સ્મૉલ ફાયનાન્સ બેન્કે FDના રેટ 0.60% વધાર્યાં AU સ્મૉલ ફાયનાન્સ બેન્કે ફિક્સ્ડ ડિપૉઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં છે. બેન્કે FDના રેટમાં 0.60 ટકાનો વધારો કર્યો છે.એટલે, બેન્ક હવે 6.9 ટકાની જગ્યાએ 7.5 ટકા ઈન્ટરેસ્ટ રેટના આધારે વ્યાજની ચૂકવણી કરશે. જો તમે સીનિયર સીટિઝન હશો, તો બેન્ક તમને અડધો ટકો વધુ એટલે કે, 8 ટકા લેખે વ્યાજ ચૂકવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો