MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
માત્ર 3 દિવસમાં મળી જશે NPSમાં જમા થયેલી રકમ હવે તમે NPSમાંથી માત્ર 3 દિવસમાં પૈસા ઉપાડી શકશો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નેશનલ પેન્શન સ્કીમના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે NPSમાં તમારા રિટાયરમેન્ટ માટે પૈસા જમા કરતા હશો અને તમારે અચાનક આ પૈસાની જરૂર હશે, તો અરજી કર્યાના 3 દિવસમાં જ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. NPSના સબ્સક્રાઈબરે પૈસા માટે રાહ ન જોવી પડે તે માટે સંપૂર્ણ સિસ્ટમને ઝડપી બનાવવામાં આવી છે. અગાઉ પૈસા ઉપાડવા માટે અરજી કર્યાના 4 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, અને જો વચ્ચે રજાનો દિવસ આવી જાય તો ઘણો વિલંબ થતો હતો, પરંતુ હવે આ પ્રક્રિયા ત્રીજા દિવસે સમાપ્ત થઈ જશે અને ખાતામાં પૈસા જમા થઈ જશે. NPSમાં કરેલા રોકાણના 3 વર્ષ પૂરા થયા પછી કુલ જમા રકમમાંથી 25 ટકાનો ઉપાડ કરી શકો છો.
હવે ક્રેડિટ કાર્ડથી પણ થઈ શકશે UPI પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે UPIનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકો માટે એક ખુશખબર છે. હવે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિન્ક કરીને પેમેન્ટ કરી શકાશે. અત્યાર સુધી સેવિંગ કે કરન્ટ અકાઉન્ટના ડેબિટ કાર્ડથી જ UPIનું પેમેન્ટ થતું હતું, પરંતુ હવે ક્રેડિટ કાર્ડને પણ UPI સાથે લિંક કરી શકાશે, જેનાથી ટ્રાન્ઝેકશન વધુ સરળ બનશે. અત્યારે આ સુવિધા માત્ર રૂપે ક્રેડિટ કાર્ડ હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે રૂપે ક્રેડિટ કાર્ડને UPI નેટવર્ક સાથે કનેક્ટ કરતી સુવિધા લૉન્ચ કરી છે. અત્યારે પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક અને ઈન્ડિયન બેન્કના રૂપે કાર્ડધારકોને આ સુવિધાનો લાભ મળશે. UPI સાથે ક્રેડિટ કાર્ડ લિંક કર્યા બાદ UPIથી પેમેન્ટ માટે બેન્ક નજીવો ઇન્ટરચેન્જ ચાર્જ વસૂલશે, પરંતુ તે કેટલો હશે, તેની વિગતો જાહેર થઈ નથી.
ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ભરશો તો 1% ચાર્જ લાગશે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડું ભરનારાએ હવે ચૂકવવો પડશે ચાર્જ. મોટા ટ્રાન્ઝેક્શન માટે જ નહીં, પરંતુ નાના-નાના ટ્રાન્ઝેક્શન માટે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો છે. જેમકે, મકાનનું ભાડું ભરવા માટે ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડ, રેડ જિરાફ, માય ગેટ, પેટીએમ અને મેજિક બ્રિક્સ જેવા પ્લેટફોર્મ તરફથી વિવિધ પોઈન્ટ્સ મળતાં હોવાથી લોકો આવા ફિનટેકની એપ કે સાઈટ પર જઈને રેસિપન્ટ તરીકે મકાનમાલિકનું નામ એડ કરીને ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવી દે છે. આવા પ્લેટફોર્મ તેના માટે 0.46 ટકાથી 2.36 ટકા જેટલો ચાર્જ વસૂલે છે, પરંતુ હવે તમારે ક્રેડિટ કાર્ડ કંપનીને પણ ચાર્જ ચૂકવવાનો વારો આવશે. જેમકે, ICICI Bankના ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ભરશો તો તમારે 1 ટકો ચાર્જ ચૂકવવો પડશે. ICICI બેન્કે તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને SMS દ્વારા આ માહિતી આપી છે. અત્યાર સુધી કોઈ બેન્ક કે ક્રેડિટ કાર્ડ આવો ચાર્જ વસૂલતી નહોતી પરંતુ, ICICI બેન્કે શરૂઆત કરી છે, એટલે અન્ય બેન્કો પણ આવા ચાર્જ વસૂલવાનું શરૂ કરે તેવી શક્યતા છે.
5G ટેરિફ સસ્તા રહેવાની શક્યતા તમારે 5G સર્વિસનો એક્સપીરિયન્સ કરવા માટે ખિસ્સા ખાલી નહીં કરવા પડે. ટેલિકોમ ઉદ્યોગનાં એક્ઝિક્યુટિવ્સનું કહેવું છે કે, 5G સર્વિસિસ એટલી બધી મોંઘી નહીં હોય. જિયો અને એરટેલના 5G પ્લાનના ટેરિફ વર્તમાન 4G પ્લાન્સ જેટલા ઊંચાં નહીં હોય. એરટેલ અને રિલાયન્સ જિયો દેશનાં કેટલાક વિસ્તારોમાં આવતા મહિનાથી 5G સર્વિસિસ શરૂ કરવાની છે અને પ્રારંભિક તબક્કામાં સબ્સક્રાઈબર બેઝ નાનો હોવાથી કંપનીઓ તેમના 5G પ્લાન સસ્તા રાખશે. જોકે, ટેલિકોમ એક્સપર્ટનું કહેવું છે કે, એક વખત 5G સબ્સક્રાઈબર્સની સંખ્યા વધી જશે, એટલે ટેલિકોમ કંપનીઓ ટેરિફ વધારી દેશે.
દેશનાં પોશ વિસ્તારોમાં ભાડાંમાં થયો 18% વધારોઃ Anarock મોંઘવારીએ સામાન્ય નાગિરિકોને જ નહીં, પરંતુ ધનિકોને પણ અસર પહોંચાડી છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની એનારોકના રિપોર્ટ અનુસાર, દેશમાં માત્ર એફોર્ડેબલ હાઉસિંગ નહીં, પણ લક્ઝરી અને પોશ ગણાતા મકાનોમાં વસવાટ કરવાનું પણ મોંઘું થઈ ગયું છે. છેલ્લાં 2 વર્ષમાં પોશ વિસ્તારોમાં મકાનોનું ભાડું તીવ્રપણે વધ્યું છે. પ્રિ-કોવિડ લેવલની સરખામણીએ ભાડાં ઝડપથી વધ્યા છે. દેશનાં મુખ્ય સાત શહેરના પોશ રેસિડેન્શિયલ વિસ્તારોમાં છેલ્લાં 2 વર્ષમાં સરેરાશ માસિક ભાડું 18 ટકા સુધી વધ્યું છે જ્યારે પ્રોપર્ટીની કિંમત 9 ટકા સુધી વધી છે. મુંબઈના વરલી, બેંગાલુરુના રાજાજી નગર, ચેન્નાઈના અન્ના-નગર અને દિલ્હી-NCRના ગોલ્ફ કોર્સ રોડ જેવા પોશ એરિયાના ભાડાં મેક્સિમમ વધ્યા છે.
ખેતમજૂરો માટેનો CPI-આધારિત ફુગાવો 3 ગણો વધ્યો ખેતમજૂરો અને ગામડાંનાં મજૂરોને સતાવતી સમસ્યા નજીકના ભવિષ્યમાં દૂર થાય તેવી શક્યતા દેખાતી નથી. તેમના પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. ઓગસ્ટ માટે જાહેર થયેલા રિટેલ ફુગાવાના આંકડા દર્શાવે છે કે, ગ્રામ્ય મજૂરો અને ખેતમજૂરોને કનડતી મોંઘવારી છેલ્લાં 1 વર્ષમાં 3 ગણી વધી છે. ખેતમજૂરો માટેનો રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં 6.94 ટકાએ જ્યારે ગ્રામ્ય મજૂરો માટેનો ફુગાવો 7.26 ટકાએ પહોંચી ગયો છે. ખાસ તો ચોખા, ઘઉં, બાજરી, મકાઈ, કઠોળ, દૂધ અને શાકભાજી જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે રિટેલ ફુગાવો ઊંચકાયો છે.
દેશમાં ટૂંક સમયમાં શરૂ થશે Social Stock Exchange દેશમાં ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે, સોશિયલ સ્ટોક એક્સચેન્જ એટલે કે, SSE. મૂડીબજારના નિયમનકાર સેબીએ સોશિયલ સ્ટૉક એક્સચેન્જ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. તેણે એક ફ્રેમવર્ક તૈયાર કરી નાખ્યું છે. આ પ્લેટફોર્મ પર નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એટલે કે, NPOનું લિસ્ટિંગ થશે. જે NPO તેમનું લિસ્ટિંગ સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર કરાવવા ઈચ્છતા હશે, તેમણે સૌપ્રથમ નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન તરીકે નામ નોંધાવવું પડશે. ઈંગ્લેન્ડ, કેનેડા અને બ્રાઝિલ જેવા દેશોમાં ઘણા વર્ષોથી આવા એક્સચેન્જ કાર્યરત છે અને ભારતમાં પણ આવા એક્સચેન્જ માટે ઘણો અવકાશ છે, કારણ કે, ભારતમાં અત્યારે 31 લાખથી પણ વધારે NPO કાર્યરત છે. સેબીના નિયમો પ્રમાણે, NPOએ વિવિધ પ્રકારની 16 સામાજિક પ્રવૃત્તિ કરવાની રહેશે, જેમાં ભૂખમરો, ગરીબી, કુપોષણ, અસમાનતા દૂર કરવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આવા સામાજિક સંગઠનોને પ્રોત્સાહન મળશે એટલે રોજગારીનું સર્જન કરવામાં પણ મદદ મળશે.
Axis, ICICI બેન્કના ગ્રાહકોને Cleartripમાં મળશે 35% સુધીના લાભ 22 સપ્ટેમ્બરથી તમે 999 રૂપિયામાં ફ્લાઈટ ટિકિટ અને 199 રૂપિયામાં હોટેલ રૂમ બૂક કરાવી શકશો. ટ્રાવેલ બૂકિંગ પ્લેટફોર્મ ‘Cleartrip’ દ્વારા ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ખાસ ઑફર લૉન્ચ કરવામાં આવી છે. આટલું જ નહીં…! જો તમે ICICI Bank અને AXIS Bankના કસ્ટમર હશો, તો ડોમેસ્ટિક ફ્લાઈટ પર 35 ટકા સુધીના બેનિફિટ પણ મળશે. Cleartripએ ડોમેસ્ટિક હોટેલ્સના બૂકિંગ પર ‘બાય વન ગેટ વન’ ઑફર પણ લૉન્ચ કરી છે.
મોબાઈલ બેન્કિંગ વાયરસને લઈને બેન્કોએ જાહેર કરી એડવાઈઝરી HDFC Bank અને IDBI Bank સહિતની બેન્કોએ તેમના ગ્રાહકોને મોબાઈલ બેન્કિંગ વાયરસને લઈને સાવચેત કર્યાં છે. અમેરિકા, સ્પેન, બ્રાઝિલ સહિતના દેશો બાદ આ વાયરસે ભારતનાં મોબાઈલ યુઝર્સને ટાર્ગેટ કર્યા છે. ભારતની સર્વોચ્ચ સાયબર સિક્યોરિટી એજન્સીએ પણ થોડા દિવસ અગાઉ આ વાયરસને લઈને લોકોને સાવધ રહેવાની સૂચના આપી હતી. હેકર્સ આ વાયરસ દ્વારા લોકોની મોબાઈલ બેન્કિંગ એપ્લીકેશન હેક કરે છે. જો તમે બિનસત્તાવાર પ્લેટફોર્મ પરથી કોઈ એપ ડાઉનલોડ કરશો તો, આ વાયરસને તમારા સ્માર્ટફોનમાં ઘૂસવાનો મોકો મળશે. તમારા ફોનમાં ઘૂસ્યા પછી પર્સનલ ડેટા તેમજ મોબાઈલ બેન્કિંગ એપનો ડેટા હેક કરીને હેકર્સ તમારું બેન્ક ખાતુ ખાલી કરી નાખે છે. બેન્કોએ તેમના ગ્રાહકોને સૂચના આપી છે કે, તેઓ માત્ર સ્માર્ટફોન કંનીઓના સત્તાવાર સ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો