MONEY9 GUJARATI:
ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધને પગલે ક્રૂડ ઓઈલના ભાવ વધીને પ્રતિ બેરલ 93 ડૉલરને પાર થઈ ગયા છે અને હવે 100 ડૉલરની વાતો થઈ રહી છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલું ટેન્શન મધ્ય-પૂર્વના અન્ય દેશોમાં ફેલાઈ શકે છે, જેના લીધે વિશ્વનાં મુખ્ય ઓઈલ ઉત્પાદક દેશમાંથી ઓઈલનો સપ્લાય ખોરવાઈ શકે છે, તેવી બીક વધવાને કારણે ઓઈલના ભાવ બીજા સપ્તાહે પણ વધીને બંધ રહેવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
ઓઈલના ભાવ
20 ઓક્ટોબરે બ્રેન્ટ ક્રૂડનો વાયદો 78 સેન્ટ્સ વધીને 93.16 ડૉલર પ્રતિ બેરલ થયો છે જ્યારે અમેરિકાનું WTI ક્રૂડ 89 સેન્ટ્સ વધીને 90.26 ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. ઈઝરાયેલના સંરક્ષણ દળો ગાઝામાં પ્રવેશવાના હોવાથી ટેન્શન વધી રહ્યું છે અને આથી ઓઈલના સપ્લાયને લઈને ચિંતા વધી રહી છે. પેલેસ્ટાઈનની હોસ્પિટલ પર થયેલો હુમલો ઈઝરાયેલે કર્યો હોવાનો હમાસનો આરોપ છે પરંતુ અમેરિકાએ જણાવ્યું છે કે, આ મિસાઈલ યમન દ્વારા છોડવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. આમ, અન્ય દેશો પણ ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં જોડાઈ શકે છે, તેવી શક્યતાને કારણે યુદ્ધ લાંબું ચાલવાની સંભાવના પ્રબળ બની રહી છે, જેથી ઓઈલ માર્કેટમાં તેજીવાળા સક્રિય થઈ ગયા છે. હાજર બજારમાં 20 ઓક્ટોબરે ક્રૂડ ઓઈલનો ભાવ 1.02 ટકા પ્લસમાં રહીને 93.32 ડૉલરે ચાલી રહ્યો છે.
ઉત્પાદન કાપ
ઓઈલના ભાવ વધવા પાછળ અન્ય એક પરિબળ પણ કામ કરી રહ્યું છે અને તે છે ઉત્પાદન કાપ. સાઉદી અરેબિયા અને રશિયાએ ઉત્પાદનમાં સ્વૈચ્છિક કાપ મૂક્યો છે અને છેક 2023ના અંત સુધી ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રાખવાની જાહેરાત કરી છે, જેના લીધે ઓઈલનો સપ્લાય ઘટવાની શક્યતા છે. એટલું જ નહીં, અમેરિકા પાસે જે અનામત પુરવઠો છે તે પણ સતત ઘટવાથી ઓઈલના ભાવને ટેકો મળ્યો છે. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં ડિલિવરી માટે અમેરિકન સરકાર 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદવા માંગે છે.
અમેરિકાની જાહેરાત
બજારમાં ઓઈલની ઘટ ના પડે તે માટે, અમેરિકાએ વેનેઝુએલા પર લગાવેલા આર્થિક પ્રતિબંધોમાં રાહત આપવાની જાહેરાત કરી છે. ક્રૂડ ઓઈલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાં સામેલ વેનેઝુએલા પણ ક્રૂડ ઓઈલનું વ્યાપક માત્રામાં ઉત્પાદન કરે છે, આથી અમેરિકાની રાહતને પગલે ગ્લોબલ માર્કેટમાં ઓઈલનો સપ્લાય વધવાની સંભાવના છે. જોકે, આ જાહેરાત બાદ ઓપેક પ્લસ સંગઠનની પૉલિસીમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. વેનેઝુએલા પરથી અમેરિકાએ કામચલાઉ ધોરણે દૂર કરેલા આર્થિક પ્રતિબંધો બાદ ઓઈલનું ઉત્પાદન ધીમે ધીમે રિકવર થશે. એટલે કે, ગ્લોબલ લેવલે ઓઈલના સપ્લાયનું બગડેલું બેલેન્સ વેનેઝુએલાને કારણે સરભર થવાની શક્યતા લાગતી નથી.
વેનેઝુએલાનું ઓઈલ પ્રોડક્શન
2010 સુધીના આંકડા પ્રમાણે, વેનેઝુએલા દૈનિક 31 લાખ બેરલ ઓઈલનું ઉત્પાદન કરતું હતું, પરંતુ આર્થિક પ્રતિબંધને પગલે ત્યાંથી વૈશ્વિક માર્કેટમાં પહોંચતો ઓઈલનો પુરવઠો બંધ થઈ ગયો હતો. ગયા વર્ષે વેનેઝુએલાનું દૈનિક ઓઈલ ઉત્પાદન માત્ર 73,000 બેરલ નોંધાયું હતું. પરંતુ હવે વેનેઝુએલાનું ઓઈલ ઉત્પાદન વધવાની શક્યતા છે.
યુદ્ધ અને ઓઈલના ભાવ
અમેરિકાએ પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કર્યા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી ઓઈલના ભાવ વધવા લાગ્યા છે, કારણ કે, ઈઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધારે ઘેરું બની રહ્યું છે અને ઈરાન, ઈજિપ્ત, લેબેનોન, સીરિયા તેમજ અન્ય દેશો તરફથી થઈ રહેલી હિલચાલ અને સરકારી પ્રતિનિધિઓના નિવેદનો આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે. પરિણામે, વૈશ્વિક સ્તરે ઓઈલનો પુરવઠો ઘટવાની બીક વધી રહી છે અને ઓઈલના ભાવ વધી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો