Money9 Gujarati:
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે બુલિયન અને ઓઈલ માર્કેટમાં તેજી શરૂ થઈ છે. યુદ્ધનો વ્યાપ વધવાની બીકે અને અમેરિકા દ્વારા રશિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં આવતા ક્રૂડના સપ્લાયને લઈને ચિંતા વધી છે, જેના લીધે ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધવાથી રોકાણકારોમાં ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે અને ગોલ્ડે પણ મોટો કૂદકો માર્યો છે. ક્રૂડના ભાવ 4 ટકાથી વધુ ઉછળ્યા છે જ્યારે ગોલ્ડ 3 ટકા ઉપર ગયું છે. ક્રૂડ અને ગોલ્ડ બંને માટે ચાલુ સપ્તાહ તેજીમય બની રહ્યું છે. ગોલ્ડ માટે આ સપ્તાહ છેલ્લાં 7 મહિનાનું જ્યારે ક્રૂડ માટે છેલ્લાં 1 મહિનાનું શ્રેષ્ઠ સપ્તાહ સાબિત થયું છે.
નાણામંત્રીએ પણ વ્યક્ત કરી ચિંતા
મધ્ય-પૂર્વમાં શરૂ થયેલા જિઓ-પોલિટિકલ ટેન્શનને કારણે ક્રૂડના ભાવ વધવા અંગે નાણામંત્રી નિર્મલા સીતારમને પણ ચિંતા વ્યક્ત કરી છે. મોરોક્કોમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા નાણામંત્રીએ કહ્યું છે કે, મિડલ-ઈસ્ટમાં ઊભી થયેલી કટોકટીને કારણે ક્રૂડને લઈને ફરી ચિંતા વધી છે અને ઘણા દેશો માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે. ઓઈલ મોંઘું થવાથી ખાદ્ય સલામતીને અસર પડે છે અને ફુગાવો વધી શકે છે. સપ્લાઈ ચેઈન ખોરવાઈ શકે છે અને સમગ્ર દુનિયા સામે ટૂંક સમયમાં આ પડકારોને લઈને ચિંતા ઊભી થશે.
ક્રૂડ ઓઈલ ફરી $90એ પહોંચ્યું
શુક્રવારે ક્રૂડ ઓઈલના ભાવ 4 ટકા વધીને 90 ડૉલરની નજીક પહોંચી ગયા હતા. અમેરિકાએ રશિયાના ક્રૂડ સપ્લાય પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ ઊભી થવાથી ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ક્રૂડના સપ્લાયને લઈને પહેલેથી જ ચિંતાનો માહોલ છે ત્યારે અમેરિકાના આ પગલાંથી સપ્લાય ખોરવાઈ જવાની શક્યતાએ જોર પકડ્યું છે. જો અમેરિકા ઈરાન પર વધુ આકરા પ્રતિબંધ લાદશે તો ક્રૂડના સપ્લાયમાં વધુ ગાબડું પડશે. રશિયા અને સાઉદી અરેબિયાએ તો છેક ડિસેમ્બરના અંત સુધી સ્વૈચ્છિક ઉત્પાદન કાપ જાહેર કરેલો છે અને ઓઈલ ઉત્પાદકોના સંગઠને પણ ઉત્પાદનમાં ઘટાડો જાહેર કરેલો છે, જેના લીધે ક્રૂડના સપ્લાયની ચિંતા પહેલેથી જ ચિંતાજનક છે.
વૈશ્વિક સ્તરે ગોલ્ડ અને સિલ્વર વધ્યા
સોનાના ભાવ ફરી વધવા લાગ્યા છે. ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈન્ટરનેશનલ લેવલે ગોલ્ડમાં તેજી શરૂ થઈ છે. વિશ્વનાં હાજર ગોલ્ડ માર્કેટ માટે 13 ઓક્ટોબરે પૂરું થયેલું સપ્તાહ છેલ્લા 7 મહિનાનું સર્વશ્રેષ્ઠ સપ્તાહ રહ્યું છે. સ્પોટ ગોલ્ડ 3 ટકા વધીને 1,938 ડૉલરે પહોંચી ગયું છે જ્યારે સ્પોટ ચાંદી વૈશ્વિક સ્તરે વધી 22.53 ડોલર પ્રતિ ઔંશ થઈ છે. 6 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા ત્યારથી પછીના સપ્તાહમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડના ભાવ 100 ડૉલર વધી ગયા છે.
ગોલ્ડ કેમ વધ્યું?
ગોલ્ડને સેફ હેવન માનવામાં આવે છે. દુનિયામાં જ્યારે પણ યુદ્ધ ફાટી નીકળે અથવા જિઓપોલિટિકલ ટેન્શન વધે કે પછી કોરોના જેવી મોટી આફત આવી પડે ત્યારે રોકાણકારો સલામત વિકલ્પ તરીકે ગોલ્ડ પર પસંદગીનો કળશ ઢોળે છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પણ સોનું વધ્યું હતું અને હવે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને પગલે ગોલ્ડમાં તેજી ચાલુ થઈ છે. રોકાણકારો હેજિંગ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યાં છે. આર્થિક કટોકટીમાં સોના-ચાંદીની ચમક વધે છે. ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધના પગલે સોનામાં હેજિંગ વધ્યું છે.
ભારતમાં સોનાના ભાવ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ ભારતમાં પણ સોનાનો ભાવ એક સપ્તાહમાં લગભગ 2,000 રૂપિયા વધી ગયો છે. 13 ઓક્ટોબરે અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 પ્યોરિટી ધરાવતા 24 કેરેટ ગોલ્ડના ભાવ પ્રતિ 10 ગ્રામ 60,300ને પાર થઈ ગયા હતા જ્યારે 99.5 પ્યોરિટીવાળું સોનું 60,130 રૂપિયા બોલાયું હતું ચાંદી પણ વધી છે અને એક કિલોનો ભાવ 73,300 રૂપિયા થઈ ગયો છે. ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયું તેની પહેલાં સોનાનો ભાવ 58,000 રૂપિયાની નીચે પહોંચી ગયો હતો, પરંતુ હવે 60,000 રૂપિયાને પાર થઈ ગયો છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે MCX પર સોનાનો ભાવ 1,500 રૂપિયા વધી 58,300ની નજીક પહોંચ્યો છે.
સોનાના ભાવમાં તેજી કે મંદીનો આધાર સામાન્ય રીતે ફુગાવાના દર, કરન્સીની મૂવમેન્ટ, ક્રૂડ ઓઈલ, બોન્ડ યીલ્ડ જેવા પરિબળો પર રહે છે, પરંતુ અત્યારે ચાલી રહેલી જિઓપોલિટિકલ કટોકટીને કારણે જ્યાં સુધી વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી ગોલ્ડમાં તેજી જળવાઈ રહેશે, તેવું લાગે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો