MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
Export 17% ઘટતાં વેપાર ખાધ વકરી વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલાં આંકડા દર્શાવે છે કે, ઓક્ટોબરમાં ભારતની નિકાસ વાર્ષિક ધોરણે 16 ટકા ઘટીને 29.78 અબજ ડોલર થઈ, જ્યારે આયાત વધીને 56 અબજ ડોલર થઈ… આમ, ટ્રેડ બેલેન્સમાં નિકાસ કરતાં આયાતનું પલડું ભારે રહેવાથી ભારતની વેપાર ખાધ 26.91 અબજ ડૉલરે પહોંચી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં 25.71 અબજ ડૉલર હતી. સરકારી ડેટા દર્શાવે છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસ 12 ટકા વધીને 263.35 અબજ ડોલર થઈ છે, જોકે, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન, આયાતનો આંકડો પણ વધીને 436 અબજ ડોલરની ઉપર પહોંચ્યો છે… આમ, ચાલુ નાણાકીય વર્ષમાં જેટલી નિકાસ થઈ, તેના કરતાં 66 ટકા વધુ આયાત થઈ છે. ડૉલરમાં ચૂકવવું પડતું આયાત બિલ ઊંચું રહેવાથી સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે અને દેશની રાજકોષીય ખાધ વધી રહી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે, ઊંચી વેપાર ખાધ ભારતીય રૂપિયાને વધુ નબળો પાડશે પાડશે અને દેશના અર્થતંત્રની પ્રગતિ પર અસર પડશે, પરિણામે જીડીપી ઘટશે. ઈમ્પોર્ટ બિલ વધવાથી આયાતી મોંઘવારી વકરશે અને રોજગારી પર નેગેટિવ અસર પડશે.
સોનું 55,000 થવાની શક્યતા દિવાળીના તહેવારો બાદ હવે લગ્નની સીઝન શરૂ થવાથી ઝવેરી બજારમાં ભારે ચહલપહલ છે… સોના અને ચાંદીનાં ઘરેણાંની ખરીદી વધી છે, તેની સાથે ભાવ પણ વધી રહ્યાં છે. ચાલુ મહિને જ સોનું બે હજાર રૂપિયા વધ્યું છે જ્યારે ચાંદીનો ભાવ પણ 4,200 રૂપિયા વધ્યો છે. ઈન્ડિયા ઈન્ફોલાઈન સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી ડિપાર્ટમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, આગામી સમયમાં સોનું 55,000 સુધી પહોંચી શકે છે, જેનું મુખ્ય કારણ છે મજબૂત ડૉલર. અમેરિકન ડૉલર ઈન્ડેક્સ 110ને પાર થઈ ગયો છે આથી, દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ હેજિંગ માટે સોનાની ખરીદી વધારી છે, પરિણામે સોનાની માંગ વધી હોવાથી પ્રાઈસને ટેકો મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, 15 નવેમ્બરે બુલિયન માર્કેટમાં 999 પ્યોરિટી ધરાવતા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 52,877 રૂપિયા છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 62,467 રૂપિયા છે.
એમેઝોન 10,000 કર્મચારીને છૂટા કરશે ટ્વિટર અને ફેસબૂકે હજારો કર્મચારીઓને છૂટા કર્યા બાદ, હવે એમેઝોને 10,000 કર્મચારીને છૂટા કરવાની તૈયારી હાથ ધરી છે. એમેઝોનના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે. ગયા વર્ષના 31 ડિસેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે, સમગ્ર દુનિયામાં એમેઝોનના 16 લાખથી પણ વધુ ફુલ-ટાઈમ અને પાર્ટ-ટાઈમ કર્મચારી છે. ખર્ચકાપનાં ભાગરૂપે એમેઝોને નવી ભરતી પણ અટકાવી દીધી છે. ગયા અઠવાડિયે, ફેસબૂકે 11,000 કર્મચારીને કાઢી મૂક્યા હતા જ્યારે નવા માલિકે ધૂરા સંભાળ્યા બાદ ટ્વિટરે પણ તેની સૌથી મોટી છટણી પ્રક્રિયા હાથ ધરી છે. ટેકનોલોજી જગતની દિગ્ગજ કંપનીઓ મોટા પાયે છટણી કરી રહી છે તેને જોતાં લાગે છે કે, આ સેક્ટરનાં કર્મચારીઓ માટે કપરો સમય જલદી સમાપ્ત નહીં થાય.
આઈનોક્સ ગ્રીન એનર્જીનો IPO દોઢ ગણો ભરાયો 15 નવેમ્બરે આઈનોક્સ ગ્રીન એનર્જીના IPOમાં સબ્સક્રિપ્શન કરવાનો છેલ્લો દિવસ હતો. પવન ઊર્જા સેક્ટરમાં સંકળાયેલી આ કંપનીનો IPO છેલ્લા દિવસે 1.54 ગણો ભરાયો હતો. રિટેલ ક્વોટા 4.63 ગણો છલકાયો હતો, જ્યારે સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 1.05 ગણો ભરાયો હતો… જે રોકાણકારોને ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સના શેર લાગ્યા હશે, તેમને નિરાશા સાંપડી છે, કારણ કે, આ માઈક્રો ફાઈનાન્સ કંપનીનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે… 368ના ઈશ્યૂ ભાવ સામે તેનું લિસ્ટિંગ 2.3 ટકા ડિસ્કાઉન્ટમાં થયું છે. દિવસના અંતે તેનો શેર 12 ટકા ઘટીને 325 રૂપિયાએ બંધ રહ્યો હતો.
SBIએ ફરી લેન્ડિંગ રેટમાં વધારો કર્યો SBIની પર્સનલ લોન, હોમ લોન અને ઓટો લોન સહિતની રિટેલ લોન વધુ મોંઘી થઈ જશે. રિઝર્વ બેન્કે રેપો રેટ વધાર્યો હોવાથી બેંકો ધિરાણ દરમાં વધારો કરી રહી છે ત્યારે સરકારી માલિકીની SBI એ માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડિંગ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે, MCLRમાં ફરી વધારો કર્યો છે. SBI એ એક વર્ષનો MCLR વધારીને 8.05 ટકા કર્યો છે. લગભગ તમામ બેંક કન્ઝ્યુમર લોન માટે 1-યર MCLRના આધારે વ્યાજ દર નક્કી કરે છે, એટલે જો MCLR વધે તો તેની સાથે જોડાયેલી કન્ઝ્યુમર લોન મોંઘી થઈ જાય છે.
બેન્ક ઑફ બરોડાએ સ્પેશિયલ ઑફર શરૂ કરી તમામ બેન્કો હોમ લોનના રેટ વધારી રહી છે ત્યારે બેન્ક ઑફ બરોડાએ ખાસ હોમ લોન ઑફર શરૂ કરી છે અને 0.25 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. 14 નવેમ્બરથી શરૂ થયેલી આ ઑફર હેઠળ, બેંક ઓફ બરોડાની હોમ લોનનો રેટ 8.25 ટકાથી શરૂ થશે. એટલું જ નહીં, બેન્કે પ્રોસેસિંગ ફી પણ નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે. આ ઓફરનો લાભ નવી હોમ લોન લેનારા ગ્રાહકોને મળશે તેમજ જે ગ્રાહકો તેમની હોમ લોન બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરશે તેમને પણ 0.25 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.
એક્સિસ બેન્કે FDના રેટ વધાર્યાં એક્સિસ બેન્કે મંગળવારે ફિક્સ્ડ ડિપોઝિટના રેટ વધાર્યાં છે. બેન્ક 18 મહિનાની FD પર 6.50 ટકા વ્યાજ ઑફર કરી રહી છે જ્યારે 1 વર્ષની ડિપોઝિટ પર 6.25 ટકા વ્યાજ દરની ઑફર છે. એક્સિસ બેન્કમાં વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષ અને તેથી વધુ સમયની FD માટે 0.75 ટકા વધુ વ્યાજ મળે છે, જ્યારે બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને 399 દિવસની FD પર 7.25 ટકા વ્યાજ આપી રહી છે. પરંતુ પાકતી મુદત પહેલાં FD તોડવાની મંજૂરી નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો