Money9 Gujarati:
દેશનાં ફૉર્મલ જોબ સેક્ટર (formal job market)માંથી નકારાત્મક સંકેત મળી રહ્યાં છે. EPF, ESIC અને NPS આ ત્રણ સરકારી સામાજિક સુરક્ષા યોજનાઓ છે. કોઈ કર્મચારી સંગઠિત સેક્ટરમાં નોકરીએ લાગે એટલે તેને આ યોજના હેઠળ લાભ મળે છે. સરકારે જાહેર કરેલા ઓક્ટોબર મહિનાના તાજા આંકડા દર્શાવે છે કે, આ ત્રણેય સ્કીમમાં નવા સભ્યો ઘટ્યા છે.
સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન મંત્રાલય (MoSPI) દ્વારા 22 ડિસેમ્બર, શુક્રવારના રોજ જાહેર થયેલા ઓક્ટોબર મહિનાના આંકડા પ્રમાણે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) યોજનામાં નવા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા સતત ત્રીજા મહિને ઘટીને 7,72,084 થઈ છે, જે સપ્ટેમ્બર 2023માં 9,26,934 હતી. EPF નવા સબ્સ્ક્રાઇબર્સમાં 16.7 ટકા ઘટાડો થયો હતો. એટલું જ નહીં, નાણાકીય વર્ષ 2023-24માં ઓછા સભ્યો પણ ઓક્ટોબરમાં જ ઉમેરાયા છે.
એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC)માં ઓક્ટોબરમાં માત્ર 12,78,659 સભ્યો ઉમેરાયા હતા. આ આંકડો 8 મહિનાના સૌથી નીચા સ્તરે છે. ઓછા પગારવાળી નોકરી કરનાર કર્મચારીને ESICનો લાભ આપવામાં આવે છે. આ સ્કીમ કર્મચારીને આરોગ્ય સંબંધિત સુરક્ષા પૂરી પાડે છે. જે સંસ્થામાં 10 કરતાં વધારે કર્મચારી હોય તેણે આ સ્કીમનો લાભ કર્મચારીને આપવો જરૂરી છે. ESICમાં નવા સભ્યોની સંખ્યામાં સતત પાંચમા મહિને ઘટાડો થયો છે. સપ્ટેમ્બર 2023માં ESICમાં 14,05,794 સભ્યો ઉમેરાયા હતા અને તેની સરખામણીએ ઓક્ટોબરમાં 9 ટકા ઓછા સભ્યો ઉમેરાયા છે.
નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં પણ ઓક્ટોબરમાં નવા સભ્યોમાં 3.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં આ સ્કીમમાં 73,318 સભ્યો ઉમેરાયા હતા, જેની સામે ઓક્ટોબરમાં 70,947 સભ્યો ઉમેરાયા હતા. છેલ્લાં 4 મહિનામાં ઓક્ટોબરમાં સૌથી ઓછા સભ્યોનો ઉમેરો થયો હતો.
સામાજિક સુરક્ષા યોજનાઓમાં મહિલા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા કુલ સબ્સ્ક્રિપ્શનના ચોથા ભાગની આસપાસ રહેતી હોય છે. જોકે, અગાઉના વર્ષની સરખામણીમાં તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં, EPF સબસ્ક્રિપ્શનમાં મહિલાઓનો હિસ્સો 26.2 ટકા હતો જે FY23માં 26 ટકા હતો. ESICમાં મહિલાઓને ઘણો સારો ફાયદો થયો છે. આ સ્કીમમાં મહિલાઓનો હિસ્સો અગાઉના વર્ષમાં 19.6 ટકાથી વધીને 20.8 ટકા થઈ ગયો છે. જોકે, NPSમાં એપ્રિલ-ઓક્ટોબર 2023માં મહિલાઓનો હિસ્સો ઘટીને 29.1 ટકા થયો હતો, જે FY23માં 31.6 ટકા હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો