Money9 Gujarati:
ભારતનાં મોટા ભાગના પરિવારોને લાગે છે કે, આવતા ત્રણ મહિના સુધી અને આવતા એક વર્ષ સુધી મોંઘવારીનો દર ઊંચો રહેશે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા ફુગાવાની અપેક્ષાઓ અંગે જાહેર થતા દ્વિમાસિક સર્વેમાં (bi-monthly survey on inflation expectations) લોકોએ મોંઘવારી ટકી રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. RBIએ 11 ડિસેમ્બરે આ સર્વે જાહેર કર્યો હતો.
અમદાવાદ સહિતનાં 19 મોટા શહેરોમાં વસતા પરિવારોને સાંકળીને કરવામાં આવેલા સર્વેમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે અને ફુગાવાનું દબાણ જોવા મળશે. આ સર્વે 2 નવેમ્બરથી 11 નવેમ્બરની વચ્ચે થયો હતો, જેમાં 6,036 શહેરી પરિવારોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં 50.1 ટકા હિસ્સો મહિલાઓનો હતો.
લોકોને આગામી ત્રણ મહિના સુધી ખાવા પીવાની ચીજો અને સર્વિસિસના ભાવ વધવાની અપેક્ષા છે જ્યારે આગામી 1 વર્ષ દરમિયાન હાઉસિંગ સેગમેન્ટ્સ તેમજ ફૂડ પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો થવાની ધારણા છે, એમ સર્વેમાં નોંધવામાં આવ્યું છે.
અગાઉ નવેમ્બરમાં થયેલા સર્વેમાં પરિવારોએ ફુગાવાનો દર 8.4 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી, જ્યારે આ વખતે પરિવારોએ વર્તમાન ફુગાવાનો દર 8.2 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. સર્વેમાં ભાગ લેનારા પરિવારોએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, આગામી 3 મહિના માટે ફુગાવો 9.1 ટકા રહેશે જ્યારે એક વર્ષ માટે ફુગાવો 10.1 ટકા રહેશે.
અમદાવાદના પરિવારોની અપેક્ષા
અમદાવાદના પરિવારોએ ફુગાવાનો દર 6.5 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. 3 મહિના માટે ફુગાવાનો દર 7.2 ટકા અને એક વર્ષ માટે 7.4 ટકા રહેવાની અપેક્ષા અમદાવાદના પરિવારોએ વ્યક્ત કરી છે.
RBIએ 8 ડિસેમ્બરે તેની મોનેટરી પોલિસી બેઠકમાં નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જુલાઈ 2023માં ફુગાવનો દર 7.44 ટકાની ઊંચાઈએ પહોંચ્યા બાદ ઓક્ટોબર 2023માં ઘટીને 4.87 ટકાએ પહોંચી ગયો હતો. જોકે, નવેમ્બરમાં તે 5 ટકાની ઉપર જવાની શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો