Money9 Gujarati:
ગ્લોબલ રેટિંગ એજન્સીએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ દર્શાવ્યો છે. Moody’s Investors Serviceએ ભારતનું BAA3 રેટિંગ યથાવત્ રાખ્યું છે અને સ્થિર પરિદ્રશ્ય (stable outlook)નો અંદાજ બાંધ્યો છે. BAA3 રેટિંગને રોકાણના મોરચે સૌથી નબળું રેટિંગ માનવામાં આવે છે. એજન્સીએ નોંધ્યું છે કે, ભારતે છેલ્લાં 7થી 10 વર્ષમાં તેની ક્ષમતા મુજબ આર્થિક વૃદ્ધિ નથી હાંસલ કરી. ભારતના માથે જંગી દેવું છે અને સસ્તામાં ઋણ લેવાના મોરચે ભારતની સ્થિતિ નબળી છે, જેને લઈને મૂડીઝે ચિંતા પણ વ્યક્ત કરી છે.
મૂડીઝે શું કહ્યું?
18 ઓગસ્ટ, શુક્રવારે મૂડીઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ,ઊંચા આર્થિક વૃદ્ધિ દરને કારણે આવકના સ્તરમાં ઉત્તરોત્તર વધારો થશે, જેનાથી અર્થતંત્રને ટેકો મળશે અને આર્થિક વ્યવસ્થા મજબૂત બનશે. મૂડીઝે અંદાજ લગાવ્યો છે કે, સ્થાનિક માંગના જોરે ભારતનું અર્થતંત્ર ઓછામાં ઓછા આગામી બે વર્ષ સુધી ઊંચો વૃદ્ધિદર જાળવી રાખશે અને G20 દેશોના અર્થતંત્રો કરતાં વધારે ગ્રોથ હાંસલ કરી શકશે.
મણીપુરને લઈને ચિંતા
જોકે, મૂડીઝે દેશનાં રાજકારણને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે અને મણીપુરમાં થયેલી હિંસક ઘટનાઓનું ઉદાહરણ ટાંકીને ચેતવણી પણ ઉચ્ચારી છે. મૂડીઝે નિવેદનમાં જણાવ્યું છે કે, “…નાગરિક સમાજ અને રાજકીય અસંમતિમાં ઘટાડો, વધતા સાંપ્રદાયિક તણાવને કારણે રાજકીય જોખમ વધી જાય છે અને સંસ્થાઓની ગુણવત્તા કથળે છે.”
સૌથી નીચું રેટિંગ
ફિચ, S&P અને હવે મૂડીઝ એમ ત્રણેય વૈશ્વિક રેટિંગ એજન્સીએ સ્ટેબલ આઉટલૂક સાથે ભારતને રોકાણ માટે યોગ્ય હોય તેવું સૌથી નીચલું રેટિંગ આપ્યું છે. રોકાણકારો કોઈ પણ દેશમાં રોકાણ કરતાં પહેલાં તેના ક્રેડિટ રેટિંગને ચકાસે છે કારણ કે દેશની શાખ આ રેટિંગના આધારે નક્કી થાય છે. રેટિંગ જેટલું સારું હશે તેટલું એ દેશને સસ્તું ઋણ મળશે અને રેટિંગ જેટલું ખરાબ હશે તેટલું મોંઘું ઋણ મળશે.
ક્ષમતા કરતાં ઓછો વૃદ્ધિદર
જોકે, મૂડીઝે જણાવ્યું છે કે, છેલ્લાં 7થી 10 વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર તેની ક્ષમતાને અનુરૂપ નથી રહ્યો, પરંતુ ભારતીય અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તેજીથી વધવાની સંભાવના ધરાવે છે. જીડીપીમાં ઊંચો વૃદ્ધિદર રહેશે તો લોકોની આવક ધીમે ધીમે વધશે અને પરિણામે દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ મળશે. તેનાથી રાજકોષીય મજબૂતી પણ વધશે અને સરકારને દેવું સ્થિર રાખવામાં મદદ મળશે. ઋણ ઘટાડવા માટે સરકાર જે જોખમનો સામનો કરી રહી છે તે પણ ઓછું થશે, એમ મૂડીઝે જણાવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો