દિવાળીમાં બાઈક કે સ્કૂટર ખરીદ્યું ના હોય તો, અત્યારે સસ્તામાં ખરીદવાની તક છે. ટુ-વ્હીલર પર પચ્ચીસોથી પચાસ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તહેવારો બાદ વેચાણ ઘટી ના જાય તે માટે ટુ-વ્હીલર કંપનીઓ 31 ડિસેમ્બર સુધી ડિસ્કાઉન્ટ સહિતની ઑફર લાવી છે. એથર એનર્જીએ 24 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. ઓલા ઈલેક્ટ્રિકે 20,000 રૂપિયાનું જ્યારે TVSએ 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. હોન્ડા તેની શાઈન, એક્ટિવા અને હોર્નેટ પર 5,000 રૂપિયાનું જ્યારે હીરો મોટોકોર્પ તેની સ્પ્લેન્ડર, ડેસ્ટિની અને પેશન પર 11,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કાવાસાકીએ તેની વલ્કન બાઈક પર સૌથી વધુ 50 હજારનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. સુઝુકી મોટરસાઈકલે 7 હજાર સુધીનું કેશબેક અને 15 હજાર સુધીની એક્સચેન્જ ઑફર લૉન્ચ કરી છે.
સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વની ટિપ્પણી બાદ ગોલ્ડમાં 50 ડૉલરનો વધારો થયો છે અને કિંમત 2.6 ટકા વધીને પ્રતિ ઔંશ 2,030 ડૉલરે પહોંચી ગઈ છે. ભારતમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે કિંમતમાં પંદરસો રૂપિયાનો વધારો થયો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનાનો વાયદો 1,500 રૂપિયા વધીને 62,646 રૂપિયા બોલાયો છે. સોનાની સાથે ચાંદી પણ ચમકી ગઈ છે. વૈશ્વિક સ્તરે ચાંદીની કિંમત 6 ટકા વધી છે જ્યારે ભારતમાં ચાંદીનો ભાવ 3,800 રૂપિયા વધીને પ્રતિ કિલો 75,319 રૂપિયાએ પહોંચ્યો છે. 2024માં સોનું વૈશ્વિક સ્તરે 2,100 ડૉલરથી 2,400 ડૉલરની રેન્જમાં રહેવાની શક્યતા છે જ્યારે ભારતમાં સોનાનો ભાવ 65 હજારથી 70 હજારની વચ્ચે રહી શકે છે.
દેશના પાટનગરમાં CNG મોંઘો થયો છે. દિલ્હી-NCRમાં 3 સપ્તાહમાં બીજી વખત CNGની કિંમત વધી છે. એક કિલો CNGના ભાવમાં 14 ડિસેમ્બરથી 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 1 કિલો CNGનો ભાવ 76.59 રૂપિયા થયો છે. નેશનલ કેપિટલ રિજન એટલે કે, NCRના શહેરોમાં નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદનો સમાવેશ થાય છે અને ત્યાં પણ CNG મોંઘો થયો છે. નોઈડામાં 1 કિલો CNGની કિંમત 82.20 રૂપિયા જ્યારે ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં 81.20 રૂપિયા થઈ છે. ગુરુગ્રામમાં CNGનો ભાવ 83.62 રૂપિયા છે. દિલ્હી-NCRમાં CNGનો સપ્લાય કરવાનું કામ ઈન્દ્રપ્રસ્થ ગેસ નામની કંપની કરે છે. કંપનીએ ચાલુ વર્ષે ચોથી વખત ભાવ વધાર્યાં છે. અમદાવાદની વાત કરીએ તો, ગુજરાત ગેસ કંપનીના એક કિલો CNGનો ભાવ 74.26 રૂપિયા જ્યારે અદાણી ગેસનો ભાવ 77.59 રૂપિયા છે.
2023નું વર્ષ મિલેટ્સ યર તરીકે ઉજવાઈ રહ્યું હોવાથી મિલેટ્સની માંગ વધી છે. જાડા ધાન્ય કે હલકા ધાન્યને મિલેટ્સ કહે છે… તેમાં જવાર, બાજરો, રાગી, રાજગરો, કોદરી, કાંગ, વરી, ચેનો, સામો વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2022-23માં પૂરા થયેલા પાંચ વર્ષમાં મિલેટ્સની માંગ વધવાથી નિકાસમાં 37 ટકા ઉછાળો આવ્યો છે. મિલેટ્સની નિકાસ છેલ્લાં 5 વર્ષમાં વધીને 5.71 કરોડ ડૉલરે પહોંચી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2023 દરમિયાન લગભગ 3 કરોડ ડૉલરના મિલેટ્સની નિકાસ થઈ ચૂકી છે. મિલેટ્સની માંગ વધવાની સાથે તેની કિંમતમાં પણ વધારો થયો છે. મિલેટ્સ આધારિત નાસ્તા અને પેકેટ ફૂડ લૉન્ચ થવાથી ભાવ 100 ટકા સુધી વધી ગયા છે. મિલેટ્સમાંથી બનેલા પાસ્તા અને નૂડલ્સ બજારમાં આવી ગઈ છે. સરકાર પણ પ્રચાર-પ્રસાર કરી રહી હોવાથી સુખી-સંપન્ન લોકોમાં મિલેટ્સ આધારિત બ્રેકફાસ્ટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
પ્રોપર્ટી માર્કેટમાં તેજી છે. મોટા મોટા શહેરોમાં ઘર ચપોચપ વેચાઈ રહ્યાં છે. 2023ના પ્રથમ 9 મહિનામાં દેશનાં ટોપ-સેવન સિટીઝમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાના ઘર વેચાઈ ગયા છે. 2023ના બાકીના 3 મહિનામાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાના ઘર વેચાઈ જવાનો અંદાજ છે. આમ, સમગ્ર વર્ષમાં જેટલા ઘર વેચાશે તેનું મૂલ્ય સાડા ચાર લાખ કરોડ રૂપિયા હશે. વર્ષ 2022માં ટોચનાં 7 શહેરમાં વેચાયેલા ઘરનું મૂલ્ય લગભગ 3.27 લાખ કરોડ રૂપિયા હતું અને તેના કરતાં વધુ વેચાણ તો 2023ના પ્રથમ 9 મહિનામાં જ થઈ ચૂક્યું છે. સૌથી વધુ વેચાણ મુંબઈ મેટ્રોપોલિટનમાં થયું છે. મુંબઈમાં 1.64 લાખ કરોડ રૂપિયાના ઘર વેચાયા છે જ્યારે નેશનલ કેપિટલ રિજન એટલે કે, NCRમાં 50 હજાર કરોડ રૂપિયાના ઘર વેચાયા છે. હૈદરાબાદ, પૂણે, કોલકાતા, ચેન્નાઈ, બેંગાલુરુમાં પણ ઘરનું વેચાણ વધ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો