જુવાર, બાજરી, રાગી જેવા ધાન્યના ભાવ છેલ્લાં એક વર્ષમાં લગભગ બમણા થયા છે. ડિસેમ્બર 2019માં એક કિલો જુવારની જથ્થાબંધ કિંમત 35 રૂપિયા જ્યારે ગયા વર્ષના ડિસેમ્બરમાં 38 રૂપિયા હતી. અત્યારે ભાવ 60 રૂપિયા છે. 2019ના ડિસેમ્બરમાં એક કિલો બાજરીનો ભાવ 17 રૂપિયા હતો, જે અત્યારે 21 રૂપિયા છે. રાગીની કિંમત નવેમ્બર 2022માં 30 રૂપિયા હતી, જે અત્યારે 40 રૂપિયા થઈ ગઈ છે. મિલેટ્સ એટલે કે, જાડા ધાન્ય જેને આપણે પોષક અનાજ અને શ્રી ધાન્ય પણ કહીએ છીએ. મલ્ટિનેશનલ કંપનીઓએ આ ધાન્ય આધારિત પાસ્તા, નૂડલ્સ અને નાસ્તાના પેકેટ લૉન્ચ કર્યા છે. 2023નું વર્ષ ઈન્ટરનેશનલ મિલેટ્સ યર તરીકે ઉજવાઈ રહ્યું હોવાથી મિલેટ્સની માંગ વધી છે. સામે સપ્લાય ઓછો છે. આથી, ભાવમાં ઉછાળો આવ્યો છે અને છેલ્લાં એક મહિનામાં કિંમત 20 ટકા જેટલી વધી છે.
આખું સિંગાપોર સમાઈ જાય એવડો મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના રણમાં ઊભો થઈ રહ્યો છે. ઓછામાં ઓછા 18 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આ પ્રોજેક્ટ તૈયાર થશે એટલે છેક અંતરિક્ષમાંથી પણ તેને જોઈ શકાશે. આ પ્રોજેક્ટનું નામ છે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક. તેમાં સૌર ઊર્જા અને પવન ઊર્જાનું ઉત્પાદન થશે. પ્રોજેક્ટ પૂરો થશે એટલે વર્ષે 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો સપ્લાય થશે અને 1.8 કરોડ ઘરની વીજળીની જરૂરિયાત પૂરી થશે. આ પ્રોજેક્ટ અદાણી ગ્રીન દ્વારા તૈયાર થઈ રહ્યો છે અને કંપનીને તેના માટે 3 અબજ ડૉલરનું સૌથી મોટું પ્રોજેક્ટ ફાયનાન્સ પણ મળી ગયું છે.
સંગઠિત સેક્ટરમાં મહિલા કર્મચારીની સંખ્યા વધી રહી છે. સંગઠિત સેક્ટર એટલે જ્યાં કામ કરનાર વ્યક્તિને PF, ESIC, રજા, બોનસ, મેટરનિટી લીવ જેવા સોશિયલ સિક્યોરિટીના લાભ મળતા હોય તેવું સેક્ટર. વર્ષ 2018-19માં દેશનાં ફોર્મલ જોબ માર્કેટમાં મહિલાઓની કુલ સંખ્યામાં 13 લાખનો ઉમેરો થયો હતો. 2022-23માં આ સંખ્યા બમણી થઈને 28.69 લાખ થઈ ગઈ હતી. EPFOના પેરોલ ડેટા અનુસાર, 2019-20માં EPFOમાં ઉમેરાયેલી મહિલાઓની સંખ્યા 15,93,614 હતી જ્યારે 2020-21માં કોરોનાને લીધે 13.98 લાખ મહિલાઓનો ઉમેરો થયો હતો. જોકે, બાદમાં 2021-22માં તીવ્ર ઉછાળો આવ્યો હતો અને EPFOમાં 26.18 લાખથી પણ વધારે મહિલાઓ ઉમેરાઈ હતી. શ્રમ મંત્રાલયના ડેટા પ્રમાણે, અસંગઠિત કામદારો અને મજૂરો માટેના રાષ્ટ્રીય ડેટાબેઝમાં 52.92 ટકા મહિલા નોંધાઈ છે. 27 નવેમ્બર, 2023 સુધીની માહિતી પ્રમાણે, ઈશ્રમ પોર્ટલ પર 29.19 કરોડથી પણ વધારે અસંગઠિત કામદારોની નોંધણી થઈ છે, જેમાંથી લગભગ 15.45 કરોડ મહિલા છે.
છેલ્લાં 5 વર્ષમાં શિડ્યુઅલ્ડ કમર્શિયલ બેન્કોએ સાડા દસ લાખ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી છે. સરકારે લોકસભામાં માહિતી આપી છે કે, બેન્કોએ માંડવાળ કરેલા સાડા દસ લાખ કરોડ રૂપિયામાંથી અડધો અડધ લોન તો મોટા ઉદ્યોગપતિઓની છે. સરકારે જણાવ્યું છે કે, 5 કરોડ રૂપિયાથી વધુ લોન લેનારા ત્રેવીસ્સો લોકોએ જાણીજોઈને ન ચૂકવેલી રકમનો આંકડો 2 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. આમાંથી 369 ડિફોલ્ટર તો એવા છે જેમણે બેન્કોને 100 કરોડથી પણ વધારે રકમ ચૂકવવાની બાકી છે. આ 369 ડિફોલ્ટર પાસેથી બેન્કોએ કુલ 1.39 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ લેવાની નીકળે છે. 28 ડિફોલ્ટર તો એવા છે તેમણે સરકારી બેન્કોને 1,000 કરોડથી પણ વધારે પૈસા ચૂકવવાના છે.
ભારતમાંથી 9 લાખ ટન બ્રોકન રાઈસની નિકાસ થશે. એટલું જ નહીં, ભારત લગભગ 35 હજાર ટન ઘઉં અને ઘઉંના ઉત્પાદનોની પણ નિકાસ કરશે. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડને ભુતાનમાં 15,226 ટન મેંદો, 14,184 ટન ઘઉં, 5,326 ટન ઘઉંનો લોટ અને 48,804 ટન બ્રોકન રાઈસની નિકાસ કરવાની મંજૂરી મળી છે. સરકારી સહકારી કંપનીને છ મહિનામાં સેનેગલને 5 લાખ ટન તેમજ ગામ્બિયાને 50 હજાર ટન બ્રોકન રાઈસની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં ભાવ અંકુશમાં રહે તે માટે સરકારે ગયા વર્ષે ઘઉં અને બ્રોકન રાઈસની નિકાસ પર કેટલાક પ્રતિબંધ લાદ્યા હતા. પરંતુ કેટલાક દેશોની વિનંતી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ત્યાં નિકાસ કરવાની મંજૂરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો