ટાટા ટેકનોલોજિસનો IPO ખુલી ગયો છે. IPO ભરવા માટે રોકાણકારો પડાપડી કરી રહ્યાં છે કારણ કે, બધાને તેમાં કમાણીની તક દેખાઈ રહી છે. રોકાણકારો તો કદાચ કમાશે જ, પરંતુ ટાટા મોટર્સની કમાણી પાક્કી થઈ ગઈ છે. ટાટા મોટર્સ આ IPOમાં 4.63 કરોડ શેર્સ વેચી રહી છે. કંપનીએ 1996માં આ શેર માત્ર 7.4 રૂપિયાના ભાવે.., કુલ 34.24 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. IPOમાં ટાટા ટેકનોલોજિસના શેરનો અપર પ્રાઈસ બેન્ડ 500 રૂપિયા છે અને આ ભાવે ટાટા મોટર્સને 2,314 કરોડ રૂપિયા મળશે. એટલે કે, ટાટા મોટર્સને 34 કરોડના રોકાણ સામે 2,279.50 કરોડ રૂપિયાનો નફો થશે. ટાટા ટેકનોલોજિસના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 300 રૂપિયાથી વધારે બોલાઈ રહ્યું છે. એટલે કે, જેમને શેર લાગશે તેમને 70 ટકા ફાયદો થવાની શક્યતા છે.
આવકના ખોટા પુરાવા બતાવીને લોન લેનારા વધ્યા છે. તેમના પર સકંજો કસવા માટે બેન્કોએ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિ. એટલે કે, NSDLની મદદ લેવાની દરખાસ્ત કરી છે. લોન માટે અરજી કરનારે જે માહિતી આપી છે, તે સાચી છે કે નહીં તે ચકાસવા માટે બેન્કોએ NSDL મારફતે ઈનકમ ટેક્સ રિટર્નની ખરાઈ કરવાની માંગણી કરી છે. ઈનકમ ટેક્સ રિટર્નના ઓનલાઈન વેલિડેશન માટે અત્યારે કોઈ પદ્ધતિ નથી. રિટર્નમાં ડેક્લેર કરેલી ઈનકમનું ઓનલાઈન વેલિડેશન કરવા મળે તો બેન્કોને ઘણો ફાયદો થશે અને કૌભાંડમાં ઘટાડો થશે. બેન્કોએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને NSDL બંને મારફતે આ સુવિધા શરૂ કરવાની દરખાસ્ત કરી છે. ઘણા લોકો વધારે લોન લેવા માટે ખોટી આવક બતાવતા હોવાથી બેન્કોએ આ કવાયત હાથ ધરી છે.
ઈંડાંના ભાવમાં તીવ્ર વધારો થયો છે. છેલ્લાં અઢી મહિનામાં ઈંડાંનાં ભાવ 28 ટકાથી 37 ટકા સુધી વધ્યા છે. ઉત્પાદન ખર્ચ વધવાથી અને ઉત્પાદકોએ બચ્ચાંઓનાં સેવનમાં ઘટાડો કર્યો હોવાથી ઈંડાંની કિંમત વધી છે. સોયાબીન અને મકાઈની કિંમત વધી ગઈ છે, એટલે પોલ્ટ્રી ફાર્મવાળાનો ખર્ચ વધ્યો છે. 100 ઈંડાંની કિંમત સપ્ટેમ્બરના પ્રારંભે 400 રૂપિયા હતી, જે હવે 550 રૂપિયા થઈ ગઈ છે. નેશનલ એગ કો-ઓર્ડિનેશન કમિટીના ડેટા પ્રમાણે, ચેન્નાઈમાં ઈંડાની કિંમત 28 ટકા, તામિલનાડુના નમક્કલમાં 37 ટકા જ્યારે બેંગાલુરુમાં 35 ટકા વધી છે. અમુક સેન્ટરમાં તો 100 કિલો ઈંડાં 610 રૂપિયામાં વેચાઈ રહ્યાં છે. એક ઈંડાંની છૂટક કિંમત 5થી 6 રૂપિયા ચાલે છે, પરંતુ શિયાળામાં 7થી 8 રૂપિયા થવાની શક્યતા છે. . શિયાળાની પીક સીઝન પહેલાં જ ઈંડાં મોંઘા થઈ ગયા છે.
બ્રાન્ડેડ કંપનીઓના સાબુ, માથામાં નાખવાનું તેલ, કપડાં ધોવાનો પાઉડર, બિસ્કિટ, શેમ્પૂ જેવી FMCG ચીજવસ્તુઓની કિંમત ઘટવાની શક્યતા છે. કોમોડિટીની કિંમત ઘટવાથી FMCG કંપનીઓએ છેલ્લાં છએક મહિનામાં ભાવ 3થી 11 ટકા ઘટ્યા હતા. પરંતુ વેચાણમાં વધારો થયો ન હોવાથી અને નાની-નાની લોકલ કંપનીઓનું વેચાણ વધી રહ્યું હોવાથી રાષ્ટ્રીય કંપનીઓ ફરી ભાવમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જુલાઈથી સપ્ટેમ્બર 2023 દરમિયાન લોકલ બ્રાન્ડ્સનો વ્યાપ અલગ-અલગ કેટેગરીમાં 4 ટકાથી 31 ટકા વધ્યો છે જ્યારે રાષ્ટ્રીય કંપનીઓએ માત્ર 2 ટકાથી 10 ટકા વૃદ્ધિ કરી છે.
કોટક મ્યુચ્યુઅલ ફંડે નવી સ્કીમ લૉન્ચ કરી છે. આ સ્કીમનું નામ છે કોટક હેલ્થકેર ફંડ. તેમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. આ એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. તમે જે પૈસા રોકશો તેને ફાર્મા અને હેલ્થકેર કંપનીઓમાં રોકવામાં આવશે. મિનિમમ 5,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને ઓછામાં ઓછી 500 રૂપિયાની SIP પણ શરૂ કરી શકો છો. યાદ રાખજો, આ એક થીમેટિક ફંડ છે, એટલે તે માત્ર એક સેક્ટરમાં રોકાણ કરે છે…જો આ સેક્ટરમાં મંદી આવે કે કોઈ નેગેટિવ ન્યૂઝ આવે તો, તમારા સંપૂર્ણ રોકાણ પર અસર પડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલાં આર્થિક સલાહકારનો સંપર્ક સાધવો જરૂરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો