કપાસનું ઉત્પાદન 15 વર્ષના તળિયે પહોંચશે?
ખેડૂતો દરરોજ ખેતરમાં આંટા મારે તોપણ કેટલો પાક ઉતરશે તેનો તાગ નથી મેળવી શકતા, પરંતુ સરકાર ઊંચા અંદાજ જાહેર કરી દે છે અને પછી ખોટા પડે છે.. જુઓ ને, ઓક્ટોબરથી શરૂ થયેલા વર્ષ માટે સરકારે 316 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ આપ્યો છે, પણ કપાસ ઉદ્યોગના સંગઠને 295 લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ આપ્યો છે. સરકાર અને ઉદ્યોગ બંનેના અંદાજ વચ્ચે ચાર-પાંચ લાખ નહીં, પણ વીસેક લાખ ગાંસડીનો ફરક છે. નવાઈની વાત એ છે કે, આ વખતે કપાસની નિકાસ કરતાં આયાત વધી શકે છે અને ભારત કપાસનો નેટ ઈમ્પોર્ટર બની જશે કારણ કે, કપાસની નિકાસ 14 લાખ ગાંસડી થશે જ્યારે આયાત 22 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. કપાસ ઉદ્યોગના સંગઠનના મતે, અલ નીનોની કારણે પ્રતિકૂળ હવામાન હોવાથી વાવેતર અને ઉત્પાદન પર અસર પડી શકે છે.
લસણના ભાવમાં મણે 80 રૂપિયાનો વધારો
ગુજરાતના ખેતીવાડી બજારમાં લસણના ભાવ વધી રહ્યાં છે. મુખ્ય APMCમાં મણે 80 રૂપિયા સુધીનો વધારો થયો છે. રાજકોટ મંડીમાં મુંડા લસણના હજાર રૂપિયા જ્યારે મીડિયમ ક્વૉલિટીના સોળસો રૂપિયા અને સુપર ક્વોલિટીમાં બે હજાર રૂપિયા ભાવ બોલાયા છે. એક્સ્ટ્રા સુપર લસણ માટે તો ખરીદદારો છવીસ્સો રૂપિયા આપવા તૈયાર છે. જામનગરમાં ત્રેવીસ્સો રૂપિયાની આસપાસ ભાવ બોલાયો છે. ગોંડલમાં પચીસ્સો પચાસ રૂપિયા સુધી ભાવ બોલાયા છે અને સારી ક્વૉલિટીમાં 100 રૂપિયા સુધીનો વધારો થયો છે. લસણના વાવેતરમાં કેવો ટ્રેન્ડ રહે છે તેના પર વેપારીઓની નજર છે. બજારમાં કેટલો માલ આવે છે તેની પણ લસણના ભાવ પર અસર પડશે, કારણ કે અત્યારે તો બજારમાં ઓછો માલ આવી રહ્યો છે.
દિવાળીમાં બોનસ મળ્યું? કેટલું મળ્યું?
જો તમે FMCG અને મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતા હશો તો તમને સારું બોનસ મળી શકે છે. HR અને સ્ટાફિંગ કંપનીઓએ કરેલા સરવે પરથી જાણવા મળ્યું છે કે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ એટલે કે, FMCG સેક્ટરની કંપનીઓ કર્મચારીને માસિક પગારના 20 ટકા બોનસ આપશે. જોકે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મહત્તમ 10 હજાર રૂપિયા બોનસ ફિક્સ કર્યું છે. ઓટોમોબાઈલ કંપનીઓ અને હોસ્પિટાલિટી સેક્ટરની કંપનીઓ પણ કર્મચારીઓને 25 ટકા સુધી બોનસ આપીને ખુશ કરે તેવી અપેક્ષા છે. પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં આ વખતે મંદી હોવાથી બોનસની આશા પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.
દિવાળી બોનસ મળે તો શું કરશો..?
દિવાળી બોનસ મળે તો, પૂરેપૂરું વાપરી ના જતા… બોનસનો સદુપયોગ કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. પર્સનલ ફાયનાન્સ એક્સપર્ટ કહે છે કે, શોપિંગ માટે અથવા હરવાફરવા માટે બોનસનો અમુક હિસ્સો વાપરો તો વાંધો નથી, પરંતુ મહત્તમ ઉપયોગ મોંઘું દેવું ચૂકવવા માટે કરવો જોઈએ. ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનના ઈન્ટરેસ્ટ રેટ સૌથી ઊંચા હોય છે, એટલે આ દેવું ઘટાડવા માટે બોનસનો ઉપયોગ થવો જોઈએ. તમે ઈમર્જન્સીમાં કામ આવે તે માટે પણ બોનસનો ઉપયોગ કરી શકો છો. બોનસનો ઉપયોગ ઈમર્જન્સી ફંડમાં વધારો કરવા માટે કરવો જોઈએ, કારણ કે, અચાનક પૈસાની જરૂર પડે ત્યારે આ ઈમર્જન્સી ફંડ જ તમારી વહારે આવશે. તમે બોનસનો ઉપયોગ ક્યાં કરવાના છો, કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો..
નવેમ્બર પણ ગરમ રહેશે, ખેતી પર અસર પડશે
નવેમ્બર મહિનો શરૂ થયો પણ ગુજરાતમાં હજુ ગરમીનું પ્રમાણ વધારે છે. દિવાળી નજીક હોવા છતાં ગામડાંમાં ઠંડીનો ચમકારો ગાયબ છે. ખેડૂતો પણ વાવેતર માટે ઠંડીની રાહ જોઈને બેઠાં છે. ઠંડીનું જોર કેવું રહેશે, તેના આધારે ખેડૂતો રવિ પાકની પસંદગી કરે છે. આ વખતે જીરું, વરિયાળી, ઘઉં, ચણા, લસણ વગેરે રવિ પાકનું વાવેતર વધવાની ધારણા છે, પરંતુ હજુ સુધી વાવેતરે જોર પકડ્યું નથી. ઓછામાં પૂરું હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવેમ્બર મહિનો પણ ગરમ રહેવાનો છે, ઠંડી ઓછી પડવાની છે અને તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. અલ નીનોની અસર હોવાથી ગરમી રહેશે. જો નવેમ્બર પણ ગરમ રહેશે તો ખેતીવાડીના ઉત્પાદન પર અસર પડવાની સંભાવના છે. અલ નીનોને કારણે સમગ્ર દુનિયા પરેશાન છે.
અંબાણીએ દિવાળી પહેલાં લૉન્ચ કર્યાં ક્રેડિટ કાર્ડ
મુકેશ અંબાણીએ હવે ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. ભારતનું ક્રેડિટ કાર્ડ માર્કેટ 1,33,000 કરોડ રૂપિયાથી પણ વધારે કદ ધરાવે છે અને અંબાણીએ તેમાં એન્ટ્રી મારી છે. અંબાણીએ SBI કાર્ડ્સ સાથે ભાગીદારી કરીને કો-બ્રાન્ડેડ કાર્ડ લૉન્ચ કર્યા છે. આ કાર્ડનું નામ છે રિલાયન્સ SBI કાર્ડ અને રિલાયન્સ SBI કાર્ડ પ્રાઈમ. Reliance SBI Cardની વાર્ષિક રિન્યુઅલ ફી 499 રૂપિયા છે જ્યારે Reliance SBI Card Primeની વાર્ષિક રિન્યુઅલ ફી 2,999 રૂપિયા છે. બંને કાર્ડને રિસાઈકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યા છે અને સ્વદેશી રૂપે નેટવર્ક પર લૉન્ચ કરવામાં આવ્યા છે. ભારતનું ક્રેડિટ કાર્ડ માર્કેટ સતત વધી રહ્યું છે અને તેનો લાભ ઉઠાવવા માટે રિલાયન્સ રિટેલ તથા SBI કાર્ડ્સે ભાગીદારી કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો