વીમા એજન્ટની ચાલાકી હવે નહીં ચાલે…!
હવે વીમા એજન્ટ તમને ઉલ્લુ નહીં બનાવી શકે. હવે ગ્રાહકને વીમા પૉલિસીની તમામ જરૂરી માહિતી સરળ શબ્દોમાં મળી જશે. પૉલિસીનું નામ, તેનો પ્રકાર, કેટલો વીમો મળવાપાત્ર છે, કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કેટલો છે, કયા ખર્ચા સામેલ છે વગેરે બાબતોની માહિતી સરળ શબ્દોમાં મળી જશે. વીમા ઉદ્યોગના નિયમનકાર ઈરડાના આદેશ બાદ, કંપનીઓએ 2024ની પહેલી જાન્યુઆરીથી સુધારેલી કસ્ટમર ઈન્ફર્મેશન શીટ એટલે કે, CIS બહાર પાડવી પડશે. ગ્રાહકોને સરળતાથી સમજાઈ જાય તેવી વિગતો આપવી પડશે. વીમા પૉલિસીની શરતો અને નિયમો સામાન્ય માણસની સમજની બહાર હોય છે અને આથી વીમો ખરીદતી વખતે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી.
IPOની લાલચમાં ફસાવે તો ચેતી જજો
શેરબજારમાં રોકાણ ભલે કરો, પરંતુ ખોટા વાયદા કરતી કંપનીઓ અને લેભાગુ લોકોથી ચેતીને રહેજો. અમદાવાદની એક કંપનીનો કિસ્સો બહાર આવ્યો છે. શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સ નામની કંપની ગ્રાહકો પાસેથી ફી લઈને IPOમાં શેર લાગવાની ગેરન્ટી આપતી હતી. કંપનીના માલિક રૂપાબેન ભટ્ટ અને પતિ કેવિન ભટ્ટ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી સર્વિસ આપતા હતા અને તગડી ફી વસૂલતા હતા. આથી, સેબીએ તેમના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે અને 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપનીને 1.92 કરોડ રૂપિયા રિફન્ડ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
સોનાની માંગ 10% વધી
સોનું મોંઘું થવા છતાં માંગ વધી છે. 2023ના જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ 10 ટકા વધીને 210.2 ટન થઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, તહેવારોને કારણે સોનાની માંગ વધી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો, જેના કારણે માંગને ટેકો મળ્યો હતો. સોનાના ઘરેણાંની માંગ 7 ટકા વધીને 155.7 ટન જ્યારે સોનાના બિસ્કિટ અને સિક્કાની માંગ 20 ટકા વધીને 54.5 ટન થઈ છે. ઓક્ટોબરમાં સોનું મોંઘું થયું છે, પરંતુ ધનતેરસ અને દિવાળી જેવા તહેવારને કારણે સોનાની માંગ ઊંચી રહેવાની ધારણા છે.
સેન્સેક્સ 1 લાખને પાર થઈ જશેઃ માર્ક મોબિયસ
31 ઓક્ટોબરે સેન્સેક્સ 63,875ના લેવલે બંધ રહ્યો હતો. સેન્સેક્સ આવતા પાંચ વર્ષમાં 1 લાખને પાર થઈ જવાની દિશામાં આગળ વધી રહ્યો છે…. આ વાત કોઈ આલતુફાલતુ એક્સપર્ટ નહીં, પણ જાણીતા ઈન્વેસ્ટમેન્ટ ગુરુ માર્ક મોબિયસે કહી છે. તેઓ ભારતનાં શેરબજાર માટે તેજીમય આશાવાદ ધરાવે છે. તેમના મતે, ભારત લાંબા ગાળા સુધી વૃદ્ધિ કરશે. ધારો કે, શેરબજારમાં વધુ ઘટાડો થાય તો, માર્ક મોબિયસ ભારતમાં રોકાણ વધારવા પણ તૈયાર છે. ઈઝરાયેલ-હમાસ વોરને કારણે છેલ્લાં બે સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી સાડા ત્રણ ટકા તૂટ્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો