15 દિવસમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા…!
ડુંગળીના ભાવ સતત વધી રહ્યાં છે. છેલ્લાં 15 દિવસમાં ડુંગળીની કિંમત ડબલ થઈ ગઈ છે. મહારાષ્ટ્રની મુખ્ય બજાર લાસલગાંવ APMCમાં એક ક્વિન્ટલ ડુંગળીનો ભાવ 4,400 રૂપિયા બોલાયો છે, જે 9 ઓક્ટોબરે 2,400 રૂપિયાની અંદર હતો. છેલ્લાં ત્રણેક દિવસમાં ભાવ આઠસોથી હજાર રૂપિયા વધ્યા છે. ગુજરાતમાં ગોંડલ માર્કેટમાં એક મણ ડુંગળીનો મહત્તમ ભાવ 861 રૂપિયા જ્યારે રાજકોટમાં સારી ક્વૉલિટીમાં 900 રૂપિયા ભાવ બોલાયો છે. મહુવા માર્કેટયાર્ડમાં તો, લાલ ડુંગળીના 944 રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના 785 રૂપિયા બોલાયા છે. ડિસેમ્બર સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે, કારણ કે નવી ડુંગળીની સીઝન પંદરેક દિવસ લેટ થઈ શકે છે. અત્યારે સ્ટોકમાં જે માલ પડ્યો છે તે ખરાબ ક્વૉલિટીનો છે એટલે સારી ક્વૉલિટીની ડુંગળી મોંઘી થઈ રહી છે.
સેન્સેક્સમાં 901 પોઈન્ટ્સનો કડાકો
શેરબજારમાં મંદીવાળા છવાઈ ગયા છે. સતત છઠ્ઠા કારોબારી સત્રમાં મંદીવાળાએ બજારમાં ગાબડાં પાડ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને અમેરિકામાં વધતી યીલ્ડને કારણે દુનિયાભરનાં બજારો ઘટ્યા છે. એશિયામાં જાપાનનું માર્કેટ સવા બે ટકા, કોરિયાનું માર્કેટ પોણા ત્રણ ટકા અને ભારતના બજારો દોઢેક કયા સુધી તૂટ્યા છે. યુરોપમાં જર્મનીનું બજાર 1.37 ટકા જ્યારે ફ્રાન્સ, સ્પેન અને બ્રિટનના બજાર 1 ટકા સુધી ઘટ્યા છે. ફોરેન ઈન્વેસ્ટર્સે ભારતીય શેરબજારમાં ઓક્ટોબરમાં સત્તર હજાર કરોડનો માલ વેચ્યો હોવાથી ઓક્ટોબરમાં સેન્સેક્સ છવીસ્સો પોઈન્ટ્સ ઘટી ગયો છે. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતાને કારણે બજારોમાં મંદીવાળા જોરમાં રહેવાની ધારણા છે.
Zomatoના મહિલા ડિલિવરી પાર્ટનર્સને મળશે વીમા કવચ
Zomatoએ મહિલા ડિલિવરી સ્ટાફ માટે મહત્ત્વની જાહેરાત કરી છે. ઝોમેટો હવે તેના મહિલા ડિલિવરી પાર્ટનર્સને મેટરનીટિ ઈન્સ્યૉરન્સનો લાભ આપશે. જે મહિલા ડિલિવરી પાર્ટનર ઝોમેટો સાથે બે મહિના કરતાં વધારે સમયથી જોડાયેલી હશે તેમને આ વીમાનો લાભ મળશે. જેમણે 1,000થી વધારે ડિલિવરી કરી હશે તેમને પણ આ સ્કીમનો લાભ મળશે. જો મહિલા ડિલિવરી પાર્ટનર નોર્મલ ડિલિવરી કરાવે તો 25 હજાર રૂપિયા, સીઝેરિયન થાય તો 45 હજાર રૂપિયા સુધીનું વીમા કવચ મળશે. અબોર્શન અને મિસકેરેજ જેવા કિસ્સામાં 40 હજાર રૂપિયા સુધીનું ઈન્સ્યૉરન્સ કવર મળશે.
સોનું મોંઘું છતાં ઘરેણાનું વેચાણ 30% વધ્યું
સોનું સતત મોંઘું થઈ રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં સોનું 9 ટકા વધ્યું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારથી સોનું સતત વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઔંશ ગોલ્ડનો ભાવ 2,000 ડૉલરને પાર થઈ ગયો છે. ઓક્ટોબરમાં ગોલ્ડ 150 ડૉલર વધ્યું છે. ભારતમાં પણ 10 ગ્રામ સોનું 62,000 રૂપિયાને પાર થઈ ગયું છે. અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 ગ્રામ શુદ્ધતા ધરાવતું સોનું 62,300 રૂપિયા થઈ ગયું છે. આમ છતાં, નવરાત્રિ દરમિયાન ભારતમાં સોનાના ઘરેણાંનું વેચાણ 30 ટકા વધ્યું છે. જ્વેલર્સ દ્વારા વિવિધ સ્કીમ અને ઘડામણમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેના કારણે નવરાત્રિમાં સોનાની જ્વેલરીનું વેચાણ વધ્યું છે. ભારતમાં સોનાની માંગ હોવાથી એપ્રિલથી સપ્ટેમ્બરમાં 22.25 અબજ ડૉલર ગોલ્ડની આયાત પણ થઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો