ગુજરાત સરકારે જાહેર કર્યો પગારવધારો
ગુજરાત સરકારે બોર્ડ અને નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચ પ્રમાણે ભથ્થાં આપવાનો નિર્ણય લીધો છે. સરકારે જણાવ્યું છે કે, અમુક શરતોનું પાલન થતું હશે તો જ બોર્ડ-નિગમના કર્મચારીઓને આ લાભ મળશે. સાતમા પગારપંચ પ્રમાણે ભથ્થાં આપવાનો નિર્ણય નાણા વિભાગ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ લેવાયો છે, જેના કારણે કર્મચારીઓના ઘરભાડાં, મોંઘવારી ભથ્થું, મેડિકલ અને પરિવહન ભથ્થાંની ગણતરી સાતમા પગારપંચ પ્રમાણે થશે. ગુજરાત સરકારે તાજેતરમાં કરાર-આધારિત કર્મચારીઓને પણ પગારમાં 30 ટકા સુધીનો વધારો કરી આપ્યો હતો. કેન્દ્ર સરકારે પણ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી આપ્યો છે.
લોનના વ્યાજ દર ઊંચા સ્તરે જ રહેશે
લોનના વ્યાજ દર ઘટશે તેવી આશા ના રાખતા.. કારણ કે, રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાતાં દાસે જણાવ્યું છે કે, રેટ ઘટાડવાની કોઈ વિચારણા હાલ ચાલી રહી નથી. ઈન્ટરેસ્ટ રેટ ઊંચા જ રહેશે. જ્યાં સુધી ફુગાવો અંકુશમાં નહીં આવે અને વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા નહીં ઘટે ત્યાં સુધી તો વ્યાજના દર ઊંચા સ્તરે જળવાઈ રહેશે, એમ શક્તિકાંતા દાસે એક કાર્યક્રમમાં જણાવ્યું છે. તમને જણાવી દઉં કે, રિઝર્વ બેન્કે મે-2022થી અત્યાર સુધીમાં રેપો રેટ અઢી ટકા વધારીને સાડા છ ટકાએ પહોંચાડ્યો છે, જેના લીધે હોમ લોન, કાર લોન સહિતની લોનના વ્યાજ દર વધી ગયા છે. જોકે, તેની સાથે સાથે બેન્કમાં ડિપોઝિટ પર મળતાં વ્યાજ દર પણ વધ્યા છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ ચેરમેને પણ જણાવ્યું છે કે, જ્યાં સુધી ફુગાવો અંકુશમાં નહીં આવે ત્યાં સુધી વ્યાજ દર ઊંચા લેવલે જળવાઈ રહેશે.
SUVની લોકપ્રિયતા કેમ વધી રહી છે?
એક સમયે ભારતમાં અલ્ટો, ઈયોન, i10 જેવી Small Cars અને વેગનઆર, ઈન્ડિગો, સેન્ટ્રો જેવી hatchbacksનો દબદબો હતો. હોન્ડા સિટી, હ્યુન્ડાઈ વર્ના અને મારુતિની સિઆઝ જેવી Sedanનું માર્કેટ પણ ધમધમતું હતું…. પરંતુ હવે SUVનો જમાનો છે. SUVનું માર્કેટ 5 વર્ષમાં ડબલ થઈ ગયું છે. ક્રેટા, સેલ્ટોસ, બ્રેઝા, ગ્રાન્ડ વિટારા, નેક્સોન જેવી SUV માટે પડાપડી થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વેચાયેલી 3.63 લાખ ગાડીમાંથી 52 ટકા તો SUV હતી. 2023ના પ્રથમ છ મહિનાના કુલ વેચાણમાં SUVનો હિસ્સો 48 ટકા રહ્યો છે. ફર્સ્ટ-ટાઈમ કાર ખરીદનારામાં SUVનો હિસ્સો 4 ગણો વધ્યો છે અને 33 ટકા ફર્સ્ટ-ટાઈમ બાયર્સની પહેલી પસંદ SUV બની ગઈ છે.
લક્ઝરી કાર માર્કેટમાં ધમધમાટ
લક્ઝરી કાર માર્કેટ પૂરઝડપે વિકસી રહ્યું છે. 50-60 લાખથી વધુ કિંમતની ગાડીઓ ચપોચપ વેચાઈ રહી છે. ભારતનાં લક્ઝરી કાર માર્કેટમાં છેલ્લાં 8 વર્ષથી નં.1 સ્થાન ધરાવતી મર્સીડિઝે પહેલીવાર 10 હજાર કરોડ રૂપિયાની આવક નોંધાવી છે અને બમણો નફો હાંસલ કર્યો છે. મર્સીડિઝની દોઢ કરોડ રૂપિયાથી વધુ કિંમતની કાર સૌથી વધુ વેચાઈ રહી છે. 2023ના પ્રથમ 9 મહિનામાં મર્સિડીઝે 12,768 કાર, જ્યારે BMWએ 9,580 કાર, ઓડીએ 5,530, જેગુઆર લેન્ડ રોવરે 3 હજાર કારનું વેચાણ કર્યું છે. આ નવ મહિનામાં દેશમાં 30 હજાર લક્ઝરી ગાડીઓ વેચાઈ ગઈ છે અને 2023 પૂરું થતાં-થતાં રેકોર્ડ-બ્રેક 45 હજારથી 47 હજાર લક્ઝરી કાર વેચાવાનો અંદાજ છે.
Google pay હવે લોન પણ આપશે
Google pay નાની-નાની લોન આપશે. ગૂગલ ઈન્ડિયાએ તેની Google pay એપ્લીકેશન દ્વારા લોન ઑફર કરી છે. કંપની નાના વેપારીઓને લોન આપશે. Googleએ દેશની ફાયનાન્સ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. ગૂગલ નાના વેપારીને 15 હજાર રૂપિયા સુધીની લોન આપશે. મહિને 111 રુપિયા જેટલો નજીવો હપ્તો ભરીને લોન ભરી શકાશે. ગૂગલે વેપારીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાતને પૂરી કરવા માટે આ લોન સુવિધા શરૂ કરી છે. ગૂગલે DMI ફાયનાન્સ, epaylater, ICICI Bank અને Axis Bank સાથે ભાગીદારી કરી છે. ગગૂલ પે ભારતની અગ્રણી પેમેન્ટ સર્વિસ કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો