7 દિવસમાં ડુંગળી 37% મોંઘી થઈ
ડુંગળીના ભાવ ઘણા સમયથી સ્થિર હતા, પરંતુ હવે ઉછાળવા લાગ્યા છે. છેલ્લાં એક સપ્તાહમાં ડુંગળીની કિંમત 37 ટકા વધી છે. ડુંગળીના કારોબાર માટે મહારાષ્ટ્રની લાસલગાંવ મંડી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને આ મંડીમાં 10 ઓક્ટોબરે એક મણ ડુંગળીનો ભાવ 482 રૂપિયા હતો, જે 17 ઓક્ટોબરે વધીને 660 રૂપિયા થયો છે. ગોંડલના કૃષિ બજારમાં લાલ ડુંગળીના મણે 641 રૂપિયા જ્યારે રાજકોટમાં 605 અને મહુવામાં 643 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. સફેદ ડુંગળીમાં મહત્તમ 601 રૂપિયામાં સોદા પડ્યા છે. જથ્થાબંધ બજારમાં ડુંગળી મોંઘા ભાવે વેચાઈ રહી છે, એટલે છૂટક બજારમાં પણ ડુંગળીનો ભાવ વધશે. ડુંગળીની નિકાસ કરનારા કહે છે કે, ખરીફ ડુંગળીનો માલ બજારમાં ઉતરવામાં એકાદ મહિનાનો વિલંબ થવાની શક્યતા હોવાથી લાલ ડુંગળીમાં તેજી આવી છે.
મોટર વ્હિકલ પર લાગશે નવો ટેક્સ…!
હવે કાર કે બાઈક ખરીદશો તો વધારે ટેક્સ ચૂકવવો પડશે. 1 ઓક્ટોબરથી લાગુ થયેલા નિયમ પ્રમાણે, 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના મોટર વ્હિકલ્સ પર TCS લાગશે. આવક વેરાના કાયદા પ્રમાણે, અમુક માલસામાન અને સેવાઓનું વેચાણ કરનારને ચોક્કસ મર્યાદા કરતાં વધારે પૈસા મળે તો, તેના પર વેરાની વસૂલાત કરવી જરૂરી છે, જેને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે, TCS કહે છે. મોટર વ્હિકલ ખરીદવા માટે TCSનો દર 1 ટકા છે. એટલે કે, જો તમે 10 લાખથી વધુ કિંમતનું વાહન ખરીદો તો તમારે 1 ટકા TCS આપવો પડશે. જો તમે પાન કાર્ડ નહીં આપો તો, 20 ટકા TCS ભરવો પડશે. અને જો તમે છેલ્લાં બે નાણાકીય વર્ષના રિટર્ન નહીં ભર્યાં હોય તો 5 ટકા TCS ચૂકવવો પડશે.
વાયદા બજારમાં રમવા કરતાં જુગાર સારો..!
શેરબજારમાં ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કરનારાની સંખ્યા સતત વધી રહી છે. 100માંથી 90 લોકોએ ઓપ્શન ટ્રેડિંગમાં ખોટ ખાવી પડે છે, આમ છતાં રોકાણકારોની અને રિટેલ ટ્રેડર્સની સંખ્યા સતત વધી રહી છે. ઓપ્શન ટ્રેડિંગના જોખમ અંગે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર આશિષ ગુપ્તાએ જણાવ્યું છે કે, ઓપ્શન ટ્રેડિંગ કરતાં જુગારમાં દાવ લગાવવો સારો કહેવાય. તેઓ કહે છે કે, ફેન્ટસી સ્પોર્ટ્સમાં તમે લગાવેલા 100 રૂપિયામાંથી 15 રૂપિયા જ ગુમાવવાનું જોખમ છે પરંતુ ડેરિવેટિવ્સમાં તો 85 રૂપિયા ગુમાવવા પડે છે. 2019માં ડેરિવેટિવ્સમાં માત્ર 5 લાખ એક્ટિવ ટ્રેડર્સ હતા, પરંતુ હવે આ સંખ્યા 8 ગણી વધીને 40 લાખે પહોંચી છે.
Google ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરશે
એપલ બાદ હવે ગૂગલે પણ મેન્યુફેક્ચરિંગ માટે ભારત પર પસંદગી ઉતારી છે. ગૂગલ ભારતમાં સ્માર્ટફોન બનાવશે. મેન્યુફેક્ચરિંગ માટે ભારતની અને આંતરરાષ્ટ્રીય કંપની સાથે ભાગીકારી કરવામાં આવશે, ગગૂલ શરૂઆતમાં Pixel 8 મોડેલનું ઉત્પાદન કરશે. ગૂગલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, કંપની 2024માં મેઈડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન વેચવાનું શરૂ કરશે. ભારતમાં ગૂગલના ફોન ખરીદનારા ઘણા ઓછા છે. તેના Pixel 8 ફોનની કિંમત 75,000 રૂપિયાથી શરૂ થાય છે, કારણ કે, કંપની આ ફોન બહારથી મંગાવતી હોવાથી ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. પરંતુ ભારતમાં ઉત્પાદન થશે, તો ગૂગલને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. ગૂગલે ગુજરાતમાં 10 વર્ષના ભાડા પર ઓફિસ પણ લઈ લીધી છે.
સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોનની માંગ વધી
નવા સ્માર્ટફોન માર્કેટમાં તેજી થાક ખાઈ રહી છે પરંતુ સેકન્ડ હેન્ડ માર્કેટમાં તેજી છે. આ વર્ષે સાડા ત્રણથી સાડા ચાર કરોડ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન વેચાવાનો અંદાજ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે જૂના ફોનનું વેચાણ 15 ટકા વધવાનો અંદાજ છે. તેની સામે નવા સ્માર્ટફોનનું વેચાણ 5 ટકા ઘટવાની શક્યતા છે. ગયા વર્ષે સમગ્ર દેશમાં 15.1 કરોડ નવા સ્માર્ટફોન વેચાયા હતા, પરંતુ આ વખતે 14 કરોડ 25 લાખ ફોન વેચાવાનો અંદાજ છે. 2023ના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નવા ફોનનું વેચાણ વાર્ષિક ધોરણે 3 ટકા ઘટીને 4.3 કરોડ યુનિટ થયું છે. અત્યારે દેશમાં 80 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ છે, જેમાંથી 20 કરોડ પાસે ફીચર ફોન છે. આ લોકો 10 હજારથી 15 હજારના સેકન્ડ હેન્ડ ફોન ખરીદી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો