અમદાવાદમાં ઘરનું વેચાણ 6% વધ્યું
અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ તેજીમાં છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં અમદાવાદમાં 4,108 ઘર વેચાઈ ગયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3,887 ઘર વેચાયા હતા, એટલે કે વેચાણમાં વાર્ષિક ધોરણે 6 ટકા વૃદ્ધિ થઈ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના રિપોર્ટ પ્રમાણે, 2023ના પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદમાં 4,225 જ્યારે બીજા ક્વાર્ટરમાં 3,757 ઘરનું વેચાણ થયું હતું…ત્રીજા ક્વાર્ટરના 4,108 ઘરનો આંકડો ઉમેરીએ તો, 9 મહિનામાં કુલ 12 હજારથી પણ વધારે ઘર વેચાયા છે. 2023માં સપ્ટેમ્બર સુધીમાં 16,500 ઘર લૉન્ચ થયા હતા. છેલ્લાં ક્વાર્ટરમાં અમદાવાદમાં પાંચેક હજાર ઘર વેચાવાની આશા છે કારણ કે, નવરાત્રિ અને દિવાળી સહિતનાં તહેવારોમાં ઘણા લોકો ડિસ્કાઉન્ટનો લાભ લેવા ઘરનું બૂકિંગ કરાવશે.
70 કંપનીઓ IPO લાવવાની લાઈનમાં
IPO ભરવા માટે રોકાણકારો પડાપડી કરી રહ્યાં છે અને કંપનીઓ પણ IPO લાવવા થનગની રહી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 34 IPO આવ્યા છે. કંપનીઓએ માર્કેટમાંથી 26,900 કરોડ ભેગા કરી લીધા છે. માર્કેટમાં મેઈન બોર્ડની સાથે સાથે SMEના IPOની પણ ભરમાર છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 70થી પણ વધુ કંપનીઓ IPO લાવીને 1 લાખ કરોડનું ફંડ મેળવવા માંગે છે. આમાંથી, 28 કંપનીને 38 હજાર કરોડ રૂપિયાના IPO લાવવાની મંજૂરી પણ મળી ગઈ છે. બાકીના 44 હજાર કરોડના 41 IPO મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. મારુતિની ડીલરશિપ ધરાવતી અમદાવાદની પોપ્યુલર વ્હિકલ્સ અને જ્યોતિ CNC કંપનીએ પણ DRHP જમા કરાવી દીધા છે.
IndusInd Bankએ FDના વ્યાજ દર વધાર્યાં
ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. બેન્કના જણાવ્યા પ્રમાણે, 1 વર્ષ 7 મહિનાથી ઓછી મુદત માટે ડિપોઝિટ કરનાર ગ્રાહકને 7.85 ટકા વ્યાજ દર ચૂકવવામાં આવશે. સીનિયર સીટિઝનને 0.40 ટકા વધારે વ્યાજ દર મળશે, એટલે કે, સીનિયર સીટિઝનને FD પર 8.25 ટકા વ્યાજ મળશે. કેનેરા બેન્કે પણ તેની FDના રેટમાં ફેરફાર કર્યાં છે. કેનેરા બેન્કે 7 દિવસથી 10 વર્ષની FD પર 4 ટકાથી 7.25 ટકા વ્યાજ દર આપવાનું નક્કી કર્યું છે. કેનેરા બેન્કના નવા રેટ 5 ઓક્ટોબરથી લાગુ થયા છે.
BMWએ લૉન્ચ કરી Rs 33 લાખની બાઈક
સુપરબાઈક બનાવતી BMW Motorrad કંપનીએ ભારતમાં નવી બાઈક લૉન્ચ કરી છે. એક મોડલનું નામ છે – M વન થાઉસન્ડ R. આ બાઈકની કિંમત 33 લાખ રૂપિયા છે જ્યારે M વન થાઉસન્ડ R કમ્પીટિશનની કિંમત 38 લાખ રૂપિયા છે. આ બાઈકનું એન્જિન 999 CCનું છે. આ બાઈક 280 કિલોમીટર પર અવરની ટોપ સ્પીડ હાંસલ કરી શકે છે અને તેને 100ની સ્પીડ સુધી પહોંચતા માત્ર 3 સેકન્ડ લાગે છે. કંપની બાઈકની ડિલિવરી જાન્યુઆરી 2024થી શરૂ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો