LICએ શરૂ કરી સ્પેશિયલ રિવાઈવલ સ્કીમ
LICએ એક્સપાયર થઈ ગયેલી પૉલિસી ફરીથી એક્ટિવ કરવા માટે સ્પેશિયલ સ્કીમ લૉન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ તમે LICની લેપ્સ થઈ ગયેલી પૉલિસી ફરીથી એક્ટિવ કરાવી શકો છો. આ કેમ્પેન 31 ઓક્ટોબર, 2023 સુધી ચાલુ રહેશે. LIC તમારી લેપ્સ્ડ થયેલી પૉલિસી માટે લેટ ફી પર 4,000 રૂપિયા સુધીનું કન્સેશન પણ ઑફર કરી રહી છે. પ્રીમિયમ ભરવાનું ચૂકી ગયા હોવ તો તેની છેલ્લી તારીખથી લઈને અત્યાર સુધીમાં જો 5 વર્ષ પૂરા ના થયા હોય તો તમે આ કેમ્પેન હેઠળ LICની પૉલિસી ફરી એક્ટિવ કરાવી શકશો. આ અંગે LICએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને નજીકની LIC બ્રાન્ચ અથવા એજન્ટનો સંપર્ક કરીને વધુ વિગત મેળવવા જણાવ્યું છે. તમે LICની વેબસાઈટ licindia.in પર જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો.
SME શેર્સના સટ્ટોડિયા પર ચાંપતી નજર
SME શેર્સમાં આટલી બધી તેજી કેમ છે? નાની-નાની કંપનીઓના શેર્સ માટે રોકાણકારો શા માટે પડાપડી કરી રહ્યાં છે? SME IPO દસ-બાર ગણા નહીં, પરંતુ ત્રણસોથી ચારસો ગણા કેમ ભરાઈ જાય છે? શું SMEમાં સટ્ટો રમાઈ રહ્યો છે? શું કંપનીઓનાં માલિકો અને બ્રોકર્સ ભેગા મળીને રોકાણકારોના ખિસ્સા ખાલી કરી રહ્યાં છે? આવી શંકાના આધારે સેબીએ SME શેર્સ માટે કડક નિયમો જાહેર કર્યાં છે. સેબીએ શેરબજારોને SME શેર્સ પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી છે. ખાસ તો, જે શેર્સમાં માત્ર અમુક ટ્રેડર્સ દ્વારા સોદા પડતા હોય તેવા શેર્સ પર સર્વેલન્સ વધારવાની સૂચના આપી છે. 3 ઓક્ટોબરથી SME શેર્સને ASM અને TFT માળખા હેઠળ આવરી લેવામાં આવશે. ASM એટલે એડિશનલ સર્વેલન્સ મેઝર અને TFT એટલે ટ્રેડ-ફોર-ટ્રેડ. કોઈ શેરને ASM હેઠળ મૂકવામાં આવે એટલે તેનું નિરીક્ષણ વધી જાય છે. તેમાં પડતા સોદાનું સતત મોનીટરિંગ થાય છે અને જો શેર માપદંડોમાં ખરો ઉતરે તો તેને TFT સેગમેન્ટમાં મૂકવામાં આવે છે. આ સેગમેન્ટમાં માત્ર ડિલિવરી ટ્રેડની મંજૂરી છે.
ડાયમંડની નિકાસ 22% ઘટવાની શક્યતા
હીરા ઉદ્યોગની ચિંતા વધી છે. એક બાજુ કાચા હીરા મોંઘા ભાવે ખરીદવા પડે છે અને બીજી બાજુ પોલિશ્ડ થયેલા હીરા ખરીદનારા ઘટી રહ્યાં છે. માંગ ઘટવાથી અને મોંઘવારી વધવાથી પોલિશ્ડ હીરાના ભાવ પણ વધારવાનું પણ પરવડે એમ નથી. રેટિંગ એજન્સી ઈકરાના અંદાજ પ્રમાણે, પશ્ચિમના દેશોમાં મોંઘવારીએ માજા મૂકી છે, વ્યાજના દર વધ્યા હોવાથી લોકો ડાયમંડની ખરીદી ટાળી રહ્યાં છે. ચીનમાં પણ માંગ જોઈએ તેવી વધી નથી. પરિણામે, ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. નાણાકીય વર્ષ 2023-24માં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 22 ટકા ઘટીને 17.2 અબજ ડૉલર થવાની અપેક્ષા ઈકરાએ વ્યક્ત કરી છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓગસ્ટમાં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 31 ટકા ઘટી છે. રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું મહત્તમ કામ સુરતમાં થાય છે ત્યારે નિકાસ ઘટવાથી સુરતનાં હીરા ઉદ્યોગ માટે દિવાળી પહેલાં ચિંતા વધી છે.
SBIએ કાર લોન માટે ફેસ્ટિવલ ઑફર
લોન પર કાર ખરીદવાનો ઈરાદો હોય તો, તમારા માટે સારા સમાચાર છે. જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા, SBIએ એક ફેસ્ટિવલ સ્કીમ શરૂ કરી છે. બેન્ક કાર લોન લેનાર ગ્રાહક પાસેથી એક પણ રૂપિયો પ્રોસેસિંગ ફી નહીં વસૂલે. SBIની ઑફર 31 જાન્યુઆરી, 2024 સુધી ચાલુ રહેશે. SBIના કાર લોનના વ્યાજ દર 8.80 ટકાથી 9.70 ટકાની વચ્ચે છે. ગ્રાહકના ક્રેડિટ સ્કોર પ્રમાણે વ્યાજ દર બદલાઈ શકે છે. બેન્ક તમને Flexi Paymentનો વિકલ્પ પણ આપશે. SBI સુપર બાઈક માટે પણ લોન આપે છે અને તેના વ્યાજ દર 12 ટકાથી 21 ટકાની વચ્ચે છે. કાર લોન માટે પગારદાર વ્યક્તિએ છેલ્લાં છ મહિનાની બેન્ક ખાતાની વિગત આપવી પડશે. આ ઉપરાંત, બે પાસપોર્ટ સાઈઝના ફોટા, રેસિડેન્સ પ્રૂફ, સેલેરી સ્લિપ અને ફૉર્મ 16 પણ આપવું પડશે. રહેણાકના પુરાવા તરીકે રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, ટેલિફોન બિલ, ઈલેક્ટ્રિસિટી બિલ, જીવન વીમા પૉલિસી જેવા ડૉક્યુમેન્ટ્સ માન્ય ગણાશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો