Money9 Gujarati:
LIC Q2 results: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (LIC)નો ચોખ્ખો નફો 50 ટકા ઘટ્યો છે. સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીએ 7,925 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે, જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 15,952 કરોડ રૂપિયા હતો. LICએ 10 નવેમ્બર, ધનતેરના દિવસે મોડી સાંજે ત્રિમાસિક પરિણામની જાહેરાત કરી હતી અને તેની પહેલાં LICનો શેર 0.81 ટકા ઘટીને 609.80 રૂપિયાએ બંધ રહ્યો હતો.
LICના નફામાં ગાબડું પડવા પાછળ તેની પ્રીમિયમ ઈનકમમાં અને Other Incomeમાં થયેલો ઘટાડો જવાબદાર છે. સપ્ટેમ્બર-2023 ક્વાર્ટરમાં કંપનીની નેટ પ્રીમિયમ ઈનકમ (NPI) 19 ટકા ઘટીને 1.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 1.32 લાખ કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત, LICને થતી અન્ય આવક પણ તીવ્રપણે ઘટીને માત્ર 248 કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જે વર્ષ પહેલાં 6,795 કરોડ રૂપિયા હતી. આ ઈનકમ ઘટવાથી કંપનીના નફામાં ધરખમ ઘટાડો થયો છે. LICએ એપ્રિલથી સપ્ટેમ્બર 2023 સુધીના 6 મહિનામાં 80.60 લાખ પૉલિસીનું વેચાણ કર્યું છે, જેનો આંકડો 2022ના એપ્રિલથી સપ્ટેમ્બરમાં 83.59 લાખ પૉલિસીનો હતો.
LICના પ્લાનને સમજવા જટિલ હોય છે. નવી પેઢીને સરળ ભાષામાં પ્લાન સમજાવવામાં હરીફ વીમા કંપનીઓ આગળ નીકળી ગઈ છે અને માત્ર એક ક્લિક કરીને પૉલિસી વેચી શકે છે. તેની તુલનાએ LICની ડિજિટલ સર્વિસ કથળેલી છે અને ડિજિટલ મોરચે તે ઘણી પાછળ રહી છે. આથી, નવો બિઝનેસ મેળવવામાં તકલીફનો સામનો કરી રહી છે.
અન્ય કંપનીઓની નેટ પ્રીમિયમ ઈનકમ વધી
સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પરિણામો જાહેર કરનારી અન્ય વીમા કંપનીઓએ નેટ પ્રીમિયમ ઈનકમમાં વૃદ્ધિ નોંધાવી છે. – SBI લાઈફની નેટ પ્રીમિયમ ઈનકમ 22 ટકા વધીને 20,050 કરોડ રૂપિયા થઈ છે. – HDFC લાઈફની નેટ પ્રીમિયમ ઈનકમ 13 ટકા વધીને 14,797 કરોડ રૂપિયા થઈ છે. – ICICI Pru Lifeની નેટ પ્રીમિયમ ઈનકમ 5 ટકા વધીને 10,022 કરોડ રૂપિયા થઈ છે.
ડિજિટલ સર્વિસ
LIC તેનો બિઝનેસ કરવા માટે એજન્ટનું વિશાળ નેટવર્ક ધરાવે છે. અત્યાર સુધી એજન્ટોના જોરે જ LICએ તેનું મહાકાય સામ્રાજ્ય ઊભું કર્યું છે. પરંતુ હવે ડિજિટલની બોલબાલા છે અને ઓનલાઈન શોપિંગનો ક્રેઝ છે. નવી પેઢી એક ક્લિક કરીને ખરીદી કરવામાં કે સર્વિસ મેળવવામાં માને છે. હરીફ કંપનીઓ ડિજિટલ મોરચે વધારે આક્રમક છે અને માત્ર અમુક મિનિટમાં વીમો આપી દે છે. તેની સરખામણીએ LICની ડિજિટલ સર્વિસિસ અત્યંત ખરાબ છે અને પૉલિસીને સમજાવવાની પ્રક્રિયા પણ જટિલ છે.
LICની નવી એપ આવશે
સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામની જાહેરાત બાદ, LICએ નવી એપ્લીકેશન પર કામ ચાલી રહ્યું હોવાની જાહેરાત કરી હતી. LICના ચેરપર્સન સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું છે કે, કંપની તેની ડિજિટલ સર્વિસિસ માટે નવી મોબાઈલ એપ્લીકેશન પર કામ કરી રહી છે. આ એપ્લીકેશન વિકાસાવવા માટે કન્સલ્ટન્ટની જવાબદારી બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG)ને સોંપવામાં આવી છે. કંપની તેની ડિજિટલ સર્વિસિસમાં ધરમૂળથી પરિવર્તન લાવવા પર કામ કરી રહી છે. “એપ્લીકેશન દ્વારા ગ્રાહકોને ઓનબોર્ડિંગની સુવિધા ચાલુ વર્ષથી અમલી બનાવવામાં આવશે. LICના ડિજિટલ સર્વિસિસમાં વ્યાપક પરિવર્તન જોવા મળશે”, એમ મોહંતીએ જણાવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો