Money9 Gujarati:
ભારતનાં બોન્ડ માર્કેટમાં અબજો ડૉલરનું રોકાણ આવવાનો માર્ગ મોકળો થયો છે. અમેરિકાની મહાકાય મલ્ટિનેશનલ બેન્ક અને ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની JPMorgan Chase & Co.એ તેના ગવર્મેન્ટ બોન્ડ ઈન્ડેક્સ ‘ઈમર્જિંગ-માર્કેટ્સ બોન્ડ ઈન્ડેક્સ’ (GBI-EM)માં ભારત સરકારના બોન્ડને સામેલ કરવાની જાહેરાત કરી છે. JPMorganએ 22 સપ્ટેમ્બરે જણાવ્યું છે કે, ભારતના 23 સરકારી બોન્ડને ઈન્ડેક્સમાં સમાવવાની પ્રક્રિયા જૂન 2024થી શરૂ થશે અને 31 માર્ચ, 2025 સુધીના 10 મહિના દરમિયાન તબક્કાવાર રીતે બોન્ડને સામેલ કરવામાં આવશે. JPMorganનાં આ પગલાંથી ભારતનાં બોન્ડ માર્કેટમાં 20થી 25 અબજ ડૉલરનું મૂડીરોકાણ થવાની શક્યતા છે.
JPMorganની જાહેરાત
JPMorganએ જણાવ્યું છે કે, 28 જૂન, 2024થી ભારતનાં બોન્ડ્સને ઈન્ડેક્સમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા 10 માસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, ભારતના ઇન્ડેક્સ વેઇટેજમાં વધારાનો 1 ટકા ગ્રોથ થશે. જે અંતે મહત્તમ 10 ટકા સુધી પહોંચશે.
પહેલેથી હતી અપેક્ષા
જેપી મોર્ગનના બેન્ચમાર્ક ઇમર્જિંગ-માર્કેટ ઇન્ડેક્સમાં ભારતીય સરકારના બોન્ડ ઉમેરવાનો નિર્ણય એ ખૂબ જ અપેક્ષિત ઘટના છે જેનાથી દેશના ડેટ માર્કેટ પર નોંધપાત્ર અસરો પડશે. ઈન્ડેક્સમાં ભારતની 240 અબજ ડૉલરની ફાળવણી અર્થાત્ 10 ટકા ફાળવણી એક નોંધનીય સ્થાન છે. વાસ્તવમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ને પહેલેથી જ અપેક્ષા હતી કે, ભારતનાં બોન્ડને ગ્લોબલ ઈન્ડેક્સમાં સ્થાન મળશે, આથી જ તેઓ ભારતના ફિક્સ્ડ ઇન્કમ માર્કેટમાં પ્રવેશી રહ્યા છે.
આ નિર્ણય દર્શાવે છે કે, ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સમાં ભારતનું આકર્ષણ વધી રહ્યું છે કારણ કે, ભારતે આર્થિક વૃદ્ધિના મોરચે અન્ય દેશોને પાછળ છોડી દીધા છે. અનેક કંપનીઓ ચીનના વિકલ્પ તરીકે અન્ય દેશો તરફ વળી રહી છે અને તેમાં ભારત પણ સામેલ છે. ભારતનાં બોન્ડ માર્કેટમાં ફોરેન રોકાણકારોનો હિસ્સો જાજો નથી, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી તેમાં ફોરેન રોકાણ વધ્યું છે.
મુખ્ય આર્થિક સલાહકારે શું કહ્યું?
નાણા મંત્રાલયનાં મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંતા નાગેસ્વરને જણાવ્યું છે કે, આ પહલાંથી રૂપિયાને મજબૂત થવામાં મદદ મળશે અને સરકારને સસ્તામાં લોન મળી શકશે. ખાનગી સેક્ટરનાં અંદાજ પ્રમાણે ભારતનાં સરકારી બોન્ડમાં 20થી 25 અબજ ડૉલરનું રોકાણ આવશે, પરંતુ તેના સત્તાવાર આંકડા ઉપલબ્ધ થયા નથી. તેમણે કહ્યું હતું કે, ડૉલરમાં રોકાણ વધશે અને ઉધારી મેળવવાનો ખર્ચ ઘટશે તો સરકારને ચાલુ ખાતાની ખાધ નીચે લઈ જવામાં મદદ મળશે. જેવી રીતે 2003 અને 2008માં ભારતમાં મૂડીરોકાણ વધવાથી ચલણ મજબૂત થયું હતું તેવી સ્થિતિ સર્જાશે અને ભારતીય રૂપિયો મજબૂત થશે. “ભારતીય રૂપિયામાં વેચાતા સરકારી બોન્ડ ખરીદવાની માંગ વધશે એટલે સ્વાભાવિક છે કે, રૂપિયાની ડિમાન્ડ વધશે અને ધારો કે બાકી બધી સ્થિતિ થાળે પડેલી હશે તો રૂપિયાનું નોમિનલ મૂલ્યવર્ધન થવાની શક્યતા વધી જશે. રૂપિયા માટે એક પોઝિટિવ હિલચાલ થશે પરંતુ સાથે સાથે રૂપિયાને સ્પર્ધાત્મક રાખવાનો પડકાર પણ ઊભો થશે,” એમ નાગેસ્વરને કહ્યું હતું.
ભારતને ફાયદો થશે
ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારતનાં બોન્ડ સામેલ થવાથી ભારતનાં અર્થતંત્રને ફાયદો થશે અને ભારતમાં રોકાણ કરનારા ગ્લોબલ ઈન્વેસ્ટર્સની સંખ્યા વધશે. ભારતે કરવો પડતો ફંડિંગ ખર્ચ ઘટશે. આ ખર્ચ ઘટશે એટલે ભારતનાં બોન્ડમાં રોકાણ કરવા માટે વધુ ગ્લોબલ ઈન્વેસ્ટર્સને પ્રોત્સાહન મળશે અને વિદેશી રોકાણ વધશે. ભારતને સસ્તામાં લોન મેળવવામાં મદદ મળશે અને લગભગ 2.50 લાખ કરોડ રૂપિયાનું રોકાણ મેળવવાની તક મળશે.
બોરોઈંગ કોસ્ટ ઘટશે
ભારત માટે બેઝ રેટ રીસેટ કરતાં યીલ્ડમાં તીવ્ર ઘટાડો થશે. જેની મદદથી દેશની બોરોઈંગ કોસ્ટ ઘટશે. કોવિડ-19 પછી ભારતનો બોરોઇંગ ખર્ચ સતત વધ્યો છે, જેના લીધે રાજકોષીય ખાધ પણ વધી છે. પરંતુ JPMorganના પગલાંથી આપણને બોરોઈંગ કૉસ્ટ નીચે લઈ જવામાં મદદ મળશે.
રૂપિયો મજબૂત થશે
બેન્ક ટ્રેઝરી માર્ક-ટુ-માર્કેટ ગેઈન સાથે રૂપિયો મજબૂત બનશે. કારણ કે ભારત સરકારની સિક્યૉરિટીઝ (G-Sec)ની ખરીદી વધવાથી ડોલરમાં થતું રોકાણ વધશે. પરિણામે, બેન્કો, NBFC, લીવરેજ્ડ કંપનીઓ વગેરે પર સકારાત્મક અસર પડશે. આમ પણ ડૉલર સામે ભારતીય રૂપિયો સતત ધોવાઈ રહ્યો છે અને 83ને પાર થઈને રેકોર્ડ બ્રેક તળિયે પહોંચ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો