MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
હેલમેટ પર લાગતો GST દૂર કરોઃ IRF હેલમેટની કિંમત ઘટવાની શક્યતા છે. માર્ગ સલામતી માટે કામ કરતી વૈશ્વિક સંસ્થા ઈન્ટરનેશનલ રોડ ફેડરેશને હેલમેટ પર લાગતો જીએસટી દૂર કરવાની સરકારને વિનંતી કરી છે. અત્યારે હેલમેટ પર 18 ટકા જીએસટી લાગે છે. હેલમેટ મોંઘા હોવાથી મહત્તમ લોકો સસ્તા અને ખરાબ ક્વોલિટીના હેલમેટ ખરીદવાનું પસંદ કરે છે. સ્ટાન્ડર્ડ હેલમેટની કિંમત ઘણી વધારે હોવાથી ટુ-વ્હીલર ચલાવતા લોકો સસ્તા હેલમેટ ખરીદવા માટે પ્રેરાય છે. જો સરકાર હેલમેટ પર લાગતો જીએસટી દૂર કરશે તો, સ્ટાન્ડર્ડ હેલમેટ પણ વાજબી કિંમતે ઉપલબ્ધ થઈ શકશે. જો સારી ક્વોલિટીના હેલમેટ વાજબી ભાવે મળશે, તો લોકો આપોઆપ ખરાબ ક્વોલિટીના હેલમેટ ખરીદવાનું ટાળશે. વધુ લોકો હેલમેટ પહેરશે તો, માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે.
સેબીએ એક રિટેલ રોકાણકારને ફટકાર્યો 15 લાખનો દંડ વધુ એક હર્ષદ મહેતા સ્કેમ થતાં-થતાં અટકી ગયું છે. આ સ્કેમ થતાં અટકાવ્યું છે સેબીએ. વાત એમ છે કે, એક રિટેલ રોકાણકાર જલદ અગ્રવાલે પેનાફિક ઈન્ડસ્ટ્રીયલ્સ લિ.ના શેરના ભાવમાં કૃત્રિમ વધારો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિની વિરુદ્ધમાં સેબીને ફરિયાદ મળી હતી અને તેને 15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વ્યક્તિએ હજારો લોકોને SMS મોકલીને પેનાફિક ઈન્ડસ્ટ્રીયલ્સના શેર ખરીદવાની વિનંતી કરી હતી. પરિણામે, શેરની મૂવમેન્ટ પર અસર પડી હતી. ફરિયાદ મળ્યા બાદ, સેબીએ જાન્યુઆરીથી માર્ચ 2017ની વચ્ચે તપાસ કરી હતી અને તારણ કાઢ્યું હતું કે, શેરમાં પૈસા રોકવાની સલાહ આપે તેવા ખોટા અને ગેરમાર્ગે દોરનારા મેસેજ મોકલવા તે ગુનો છે. આવા મેસેજ વહેતા થવાથી શેરના સપ્લાય અને ડિમાન્ડ પર અસર પડી હતી, જે ખોટું કહેવાય. આવું કામ કરીને જલદ અગ્રવાલે પ્રોહિબિશન ઓફ ફ્રોડલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસિસના નિયમોનો ભંગ કર્યો છે, આથી તે દંડને પાત્ર છે.
લક્ઝરી પ્રોપર્ટીઝની કિંમત 7 વર્ષની ટોચે લક્ઝરી પ્રોપર્ટીઝના ભાવ આભ આંબી ગયા છે. 2022માં લક્ઝરી પ્રોપર્ટીઝીની કિંમત સાત વર્ષની ઊંચાઈએ પહોંચી ગઈ છે. છેલ્લાં 1 વર્ષમાં કિંમતોમાં 12 ટકા સુધીનો વધારો નોંધાયો છે. લક્ઝરી પ્રોપર્ટીઝ ખરીદવા માટે ધનિકોમાં દિલ્હી-NCR, મુંબઈ, ગોવા અને બેંગાલુરુ ફેવરિટ છે. આ ચાર શહેરોમાં લક્ઝરી પ્રોપર્ટીઝ ખરીદવાનું લોકોને પસંદ છે. એક રિયલ એસ્ટેટ બ્રોકરેજ કંપની દ્વારા થયેલા સરવે અનુસાર, લક્ઝરી પ્રોપર્ટીઝની ડિમાન્ડ જબરજસ્ત વધી રહી છે. આગામી સમયમાં પણ ધનિકોમાં લક્ઝરી પ્રોપર્ટીઝ વસાવવાનો ક્રેઝ યથાવત્ જોવા મળે તેવી શક્યતા છે.
GoMechanic કરશે 70% કર્મચારીને છૂટા ઓટોમોબાઈલ રિપેર સ્ટાર્ટઅપ ‘ગો-મીકેનિક’ની માઠી દશા બેઠી છે. આ કંપનીના સહ-સ્થાપક અમિત ભસિને 70 ટકા કર્મચારીને છૂટા કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આગામી ત્રણ મહિના તો, વગર પગારે કામ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. કંપનીના માલિકો સામે ખોટા આંકડા રજૂ કરવાનો આરોપ છે. મોટા પાયે ભંડોળ મેળવવા માટે કંપનીના માલિકોએ વધારે પડતી આવક દર્શાવી હોવાની વિગતો બહાર આવી છે. આથી, કંપનીના એકાઉન્ટ્સનું ફોરેન્સિક ઑડિટ પણ થવાનું છે.
AU SFBએ મેન્સ્ટ્રુઅલ લીવ પૉલિસી જાહેર કરી એયુ સ્મૉલ ફાયનાન્સ બેન્કે તેની મહિલા કર્મચારીઓને ખુશખબર આપી છે. ભારતની સૌથી મોટી સ્મૉલ ફાયનાન્સ બેન્ક, હવે દર મહિને મહિલા કર્મચારીઓને એક વધારાની પેઇડ લીવ આપશે. બેન્કે તાજેતરમાં જ શરૂ કરેલી મેન્સ્ટ્રુઅલ લીવ પૉલિસીના ભાગરૂપે મહિલા કર્મચારીને મહિનામાં એક એક્સ્ટ્રા પેઈડ લીવ આપવાનો નિર્ણય લીધો છે. થોડાંક મહિના અગાઉ, ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરે તેના કર્મચારીઓને 3 મહિનાની પેટરનિટી લીવ આપવાની પણ જાહેરાત કરી હતી.
ટાટા મોટર્સે Nexon EVની કિંમતમાં કર્યો ઘટાડો Tata Motors એ તેની લોકપ્રિય Nexon EVની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ કારના બેઝ મોડેલની કિંમતમાં રૂ.50,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી, તે રૂ. 14.49 લાખમાં મળશે. કંપનીએ Nexon EV Maxમાં એક નવું વેરિયન્ટ XM પણ ઉમેર્યું છે. તેની કિંમત 16.49 લાખ રૂપિયા છે. આ નવા વેરિયન્ટની રેન્જ પણ વધારવામાં આવી છે. તેમાં સિંગલ ચાર્જ પર 453 કિલોમીટરની રેન્જ મળશે. હરીફ કંપની મહિન્દ્રાએ નવી ઇલેક્ટ્રિક XUV400ની કિંમત જાહેર કરી છે. તેની બેઝ વેરિયન્ટની કિંમત 15.99 લાખ રૂપિયાથી 18.99 લાખ રૂપિયા છે. આ કિંમતનો લાભ પ્રથમ 5,000 ગ્રાહકોને જ મળશે. મહિન્દ્રાની SUV સિંગલ ચાર્જમાં 456 કિમી ચાલશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો