Money9 Gujarati:
ઓગસ્ટ મહિના માટે સરકારે જાહેર કરેલા છૂટક મોંઘવારીના આંકડા પ્રમાણે, ઓગસ્ટમાં છૂટક ફુગાવાનો દર 6.83 ટકા રહ્યો છે. જુલાઈમાં છૂટક મોંઘવારીનો દર 7.4 ટકાની 15 મહિનાની ટોચે પહોંચી ગયો હતો, પરંતુ ઓગસ્ટમાં તે 7 ટકાની નીચે ઉતર્યો છે. છૂટક મોંઘવારીનો દર હજુ પણ RBIના 6 ટકાના અપર બેન્ડ કરતાં વધારે છે. રિઝર્વ બેન્કે રિટેલ ફુગાવા માટે 2થી 6 ટકાની સહનીય રેન્જ નક્કી કરી છે. સરકારે ગયા મહિને LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કરેલા ઘટાડાની અસર સપ્ટેમ્બરમાં જોવા મળશે અને ફુગાવો હળવો થવાની શક્યતા છે, પરંતુ દાળ અને અનાજની કિંમત વધવાથી સપ્ટેમ્બરમાં ફુગાવાનો દર ઊંચા સ્તરે જળવાઈ રહેશે, એમ અર્થશાસ્ત્રીઓ જણાવે છે.
ખાદ્ય મોંઘવારી
ખાદ્ય મોંઘવારીનો દર 9.94 ટકા થયો છે, જે જુલાઈમાં 11.51 ટકા હતો. ખાસ તો, ટામેટાંના ભાવ ઘટવાથી શાકભાજીની છૂટક મોંઘવારી ઓગસ્ટમાં ઘટીને 26.14 ટકા નોંધાઈ છે, જે જુલાઈમાં 37.34 ટકાના ઊંચા સ્તરે હતી. અનાજની મોંઘવારીનો દર ઓગસ્ટમાં 11.85 ટકા રહ્યો છે, જે જુલાઈમાં 13.04 ટકા હતો. ફૂડ એન્ડ બેવરિજ કેટેગરીનો ફુગાવાનો દર જુલાઈના 10.57 ટકાથી ઘટીને 9.19 ટકા થયો છે. જુલાઈમાં દૂધની મોંઘવારીનો દર 7.73 ટકા થયો છે, જે જુલાઈમાં 8.34 ટકા હતો. મસાલાની મોંઘવારીનો દર ઓગસ્ટમાં વધીને 23.19 ટકા થયો છે, જે જુલાઈમાં 21.63 ટકા હતો. કઠોળની મોંઘવારીનો દર 13.04 ટકા થયો છે.
ગામડાં અને શહેરની સ્થિતિ
સરકારે 12 સપ્ટેમ્બરે જાહેર કરેલાં આંકડા પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં ગામડાંમાં રિટેલ મોંઘવારીનો દર 7.02 ટકા હતો જ્યારે શહેરમાં આ દર 6.59 ટકા હતો. ગામડાંમાં ખાદ્ય ફુગાવો 9.67 ટકા જ્યારે શહેરોમાં 10.42 ટકા હતો.
આગામી મહિનામાં શું થશે
જુલાઈમાં છૂટક મોંઘવારીનો દર 8 ટકાની નજીક પહોંચ્યા બાદ RBIએ ઓગસ્ટમાં તેમાં નજીવો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, ફુગાવો સપ્ટેમ્બર બાદ ફુગાવાનો દર 6 ટકાની નીચે પહોંચી શકે છે. RBIએ 10 ઓગસ્ટે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રિટેલ ફુગાવાના દરનો અંદાજ 1 ટકા વધારીને 6.2 ટકા રહેવાની આગાહી કરી હતી જ્યારે સમગ્ર 2023-24 વર્ષ માટે રિટેલ ફુગાવાનો દર 0.3 ટકા વધીને 5.4 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. RBI ગવર્નરે જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં સરેરાશ મોંઘવારીનો દર 5.4 ટકા રહી શકે છે, જેના માટે અગાઉ 5.1 ટકા દરનો અંદાજ આપવામાં આવ્યો હતો. RBIએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે મોંઘવારીનો અંદાજ પણ 1 ટકા વધારી દીધો હતો. RBIએ જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં છૂટક ફુગાવો સરેરાશ 6.2 ટકા રહી શકે છે. અગાઉ RBIએ જૂન ક્વાર્ટરમાં ફુગાવા માટે સરેરાશ 5.2 ટકાનો અંદાજ આપ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફુગાવાનો અંદાજ 1 ટકા વધવાથી સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે પણ ફુગાવાનો અંદાજ 0.30 ટકા વધારવામાં આવ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો