Money9 Gujarati:
ભારતનું ફોરેક્સ રિઝર્વ વિક્રમ સ્તરની નજીક પહોંચ્યું છે. RBIએ 22 માર્ચે જાહેર કરેલા આંકડા પ્રમાણે, 15 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ (foreign exchange reserves) 6.4 અબજ ડૉલર વધીને 642.49 અબજ ડૉલરે પહોંચી ગયું છે. વિદેશી હૂંડિયામણમાં સતત ચોથા સપ્તાહે વધારો થયો છે અને હવે તે રેકોર્ડ લેવલની નજીક છે. ઓક્ટોબર 2021માં વિદેશી હૂંડિયામણ 645 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ લેવલે હતું.
1 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ 6.55 અબજ ડૉલર વધીને 625.63 અબજ ડૉલર થયું હતું. ત્યારબાદ 8 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે વિદેશી હૂંડિયામણ 10.47 અબજ ડૉલર વધીને 636.1 અબજ ડૉલરે પહોંચી ગયું હતું. છેલ્લાં 3 સપ્તાહથી વિદેશી હૂંડિયામણમાં 20 અબજ ડૉલરથી પણ વધુ ઉમેરો થયો છે.
ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.6 ટકાના દરે વૃદ્ધિ કરે તેવી શક્યતા છે. દુનિયાભરના દેશો મંદીનો સામનો કરી રહ્યાં છે તેવા સમયે ભારતનું અર્થતંત્ર 7 ટકાથી પણ વધુ દરે વિકસી રહ્યું છે. આ કારણસર 2023માં ભારતમાં 20.7 અબજ ડૉલરનું ફોરેન ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હતું અને 2024માં પણ અત્યાર સુધીમાં 1.85 અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે. આ ઉપરાંત, ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સમાં ભારત સરકારના બોન્ડને સ્થાન મળ્યું હોવાથી સપ્ટેમ્બર 2023 સુધીમાં તેમાં 10 અબજ ડૉલરથી પણ વધારે રોકાણ આવ્યું છે. આ કારણોસર RBIની તિજોરીમાં ડૉલર જમા થવાનું પ્રમાણ વધ્યું છે અને આપણું ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.
એનાલિસ્ટ્સ જણાવે છે કે, રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ આટલા જંગી રોકાણથી રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ થવા દીધી હતી અને કોઈ દરમિયાનગીરી કરવાનું ટાળ્યું હતું કારણ કે, RBIનો ઈરાદો પોતાની તિજોરીમાં મહત્તમ ડૉલર જમા કરવાનો રહ્યો છે.
હવે જો બજારમાં ભારે ઊથલપાથલ મચશે તો રૂપિયાને ટેકો આપવા માટે RBI તેની તિજોરીમાંથી વિના સંકોચ ડૉલરની વેચવાલી કરી શકશે. હવે ભારતનું વિદેશી હૂંડિયામણ (જેમાં RBIનું ફોરવર્ડ હોલ્ડિંગ્સ પણ સામેલ છે) તે 11 મહિના કરતાં પણ વધુ સમય માટે આયાતનો ખર્ચ પૂરો કરી શકે એટલું સક્ષમ થઈ ગયું છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા 22 માર્ચે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 15 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 6.034 અબજ ડૉલર વધીને 568.386 અબજ ડૉલર થઈ છે. ડૉલરમાં દર્શાવવામાં આવતા FCAમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં રહેલા નોન-અમેરિકન ચલણ (યુરો, પાઉન્ડ અને યેન)માં થતા ઉતારચઢાવની અસર સામેલ હોય છે.
ભારતની ગોલ્ડ રિઝર્વ 42.5 કરોડ ડૉલર વધીને 51.14 અબજ ડૉલર થઈ છે જ્યારે SDR (Special Drawing Right) 6.5 કરોડ ડૉલર વધીને 18.276 અબજ ડૉલર થઈ છે.
IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)માં રિઝર્વ પોઝિશન 12.9 કરોડ ડૉલર ઘટીને 4.689 અબજ ડૉલર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021માં ભારતનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચી ગયું હતું. પરંતુ રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે RBIએ ડૉલર વેચવા કાઢ્યા હતા, જેના લીધે વિદેશી હૂંડિયામણ સતત ઘટીને 600 અબજ ડૉલરની નીચે પહોંચી ગયું હતું. જોકે, હવે ધીમે ધીમે વધીને ઓલ-ટાઈમ હાઈ સપાટીની નજીક પહોંચી રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો