ભારતની ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) રિઝર્વ સતત બીજા સપ્તાહે ઘટીને 4 મહિનાના તળિયે પહોંચી છે. 15 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ 86.7 કરોડ ડૉલર ઘટીને 593.04 અબજ ડૉલર થયું છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ 22 સપ્ટેમ્બરે જાહેર કરેલા આંકડા પ્રમાણે, 8 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ 4.99 અબજ ડૉલર ઘટીને 593.90 અબજ ડૉલર રહ્યું હતું અને 22 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં વધુ ઘટાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતનું વિદેશી હૂંડિયામણ ઓક્ટોબર 2021માં 645 અબજ ડૉલરના સૌથી ઊંચા સ્તરે નોંધાયું હતું. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની વૈશ્વિક ઘટનાઓને પગલે ભારત પર દબાણ વધ્યું હતું તેમજ મજબૂત ડૉલર સામે રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે RBIને પોતાનો મૂડીભંડાર ખાલી કરવાની ફરજ પડી હતી. આથી, ભારતનું વિદેશી હૂંડિયામણ ઘટીને 600 અબજ ડૉલરની નીચે પહોંચી ગયું હતું.
રિઝર્વ બેન્કના સાપ્તાહિક આંકડા પ્રમાણે, 15 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં કુલ વિદેશી હૂંડિયામણમાં મહત્તમ હિસ્સો ધરાવતી ફોરેન કરન્સી એસેટ્સ 51.1 કરોડ ડૉલર ઘટીને 525.915 અબજ ડૉલર થયો છે.
સોનાના ભંડારનું મૂલ્ય 38.4 કરોડ ડૉલર ઘટીને 44 અબજ ડૉલર થયું છે. Special Drawing Rights (SDR) 3.2 કરોડ ડૉલર વધીને 18.092 અબજ ડૉલર થયા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં રાખેલું ભારતનું વિદેશી હૂંડિયામણ 40 લાખ ડૉલર ઘટીને 5.03 અબજ ડૉલર થયું છે.
Published - September 22, 2023, 08:01 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો