Money9 Gujarati:
Israel Hamas War Impact: ભારતીય રૂપિયો ઘટીને એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ડૉલર સતત મજબૂત થઈ રહ્યો છે. મધ્ય-પૂર્વ દેશોમાં શરૂ થયેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ પણ ભડકે બળવા લાગ્યું છે અને રૂપિયો પણ ઘસાઈ રહ્યો છે, જેના કારણે ભારતની ચિંતા વધી છે. રૂપિયામાં વધતી વોલેટાલિટીને કાબૂમાં રાખવા અને મૂલ્યમાં વધુ ઘટાડો અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ડોલર વેચવા પડે છે, જેના લીધે ભારતનું વિદેશી હૂંડિયામણ (Forex reserves) પણ ઘટીને 584 અબજ ડૉલરે પહોંચી ગઈ છે.
16 ઑક્ટોબરે અમેરિકન ડૉલર સામે રૂપિયો 2 પૈસા ઘટીને 83.28ના સ્તરે પહોંચી ગયો હતો, જે શુક્રવારે 83.26એ બંધ રહ્યો હતો. ડૉલર સામે રૂપિયાએ ઓક્ટોબર 2022માં 83.29ની અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી બનાવી હતી.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે ફોરેક્સ માર્કેટમાં અસ્થિરતા વધી છે. બંને દેશ વચ્ચેના વિવાદમાં અન્ય દેશો પણ જોડાશે તો સ્થિતિ વણસી શકે છે, તેવી બીકના કારણે કરન્સી માર્કેટમાં ભારે ઊથલપાથલ છે અને ક્રૂડ તથા ગોલ્ડ-સિલ્વરમાં તેજીનો તબક્કો શરૂ થયો છે. ગયા સપ્તાહે ક્રૂડ 7.5 ટકા વધી ગયું હતું અને 90 ડૉલરને પાર થઈ ગયું હતું. મોંઘું ક્રૂડ અને ઘટતો રૂપિયો ભારત માટે બેવડી મુસીબત લઈને આવે છે, કારણ કે આપણે ઓઈલની 80 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરીએ છીએ અને તેની ચૂકવણી ડૉલરમાં કરવી પડે છે. એટલે ભારતનું ક્રૂડ ઓઈલની આયાતનું બિલ સતત વધી રહ્યું છે અને જો ક્રૂડના ભાવ 100 ડૉલર તરફ આગળ વધશે, તો ભારતની ચિંતામાં અનેક ગણો વધારો થશે.
કરન્સી માર્કેટના એક્સપર્ટ કહે છે કે, ડૉલર ઈન્ડેક્સ 106ના સ્તરને વટાવી ગયો છે અને 106.20થી 106.40ની વચ્ચે મૂવમેન્ટ જોવા મળી રહી છે. ડૉલરની સામે ભારતીય રૂપિયો 83.23થી 83.27ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. આ રેન્જ છેલ્લાં એક મહિનાથી બનેલી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો