Money9 Gujarati:
ભારતમાં વધતી ગરમીની સાથે સાથે AC, ફ્રીજ સહિતના કૂલિંગ ઉપકરણોની માંગ વધી રહી છે. કૂલિંગ ઉપકરણોને તેમની ઊર્જા ખપત કરવાની ક્ષમતા અનુસાર સ્ટાર રેટિંગ આપવામાં આવે છે. જેટલા વધારે સ્ટાર તેટલી વધારે કિંમત. આથી, સરકાર સસ્તી કિંમતના પણ ઊંચી કાર્યક્ષમતા ધરાવતા ઉપકરણો લાવવા માટે કામ કરી રહી છે. ઊંચી કાર્યક્ષમતા ધરાવતા AC અને કૂલિંગ ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે વર્લ્ડ બેન્ક સાથે હાથ મિલાવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, વર્લ્ડ બેન્ક સાથે મળીને સરકાર “કમ્પ્રેહેન્સિવ” પ્રોજેક્ટ પર કામ કરશે, જેમાં નોંધપાત્ર રોકાણ થવાની અપેક્ષા છે. આ સૂચિત પ્રોજેક્ટનો હેતુ કૂલિંગ ઉપકરણોની ડિમાન્ડ અને સપ્લાય વધારવાનો છે.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સેક્રેટરી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ દ્વારા સસ્તા કૂલિંગ ઈક્વિપમેન્ટ સેક્ટરની માંગ અને પુરવઠા બંને બાજુઓ પર ધ્યાન આપવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ, મેન્યુફેક્ચરિંગ વધારવા પર તેમજ શ્રેષ્ઠ તકનીકથી સજ્જ ઉચ્ચ કાર્યક્ષમ એર કંડિશનર્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દેશમાં ઉનાળા દરમિયાન એર કંડિશનરની માંગ સતત વધી રહી છે અને ઉનાળાની વધતી તીવ્રતા સાથે, ભવિષ્યમાં આ ઉપકરણોની માંગમાં વધુ વધારો થવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને સરકાર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે.
સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, સરકાર ટૂંક સમયમાં આ સૂચિત પ્રોજેક્ટનો વિગતવાર રિપોર્ટ અપલોડ કરશે, જેમાં વર્લ્ડ બેંક દ્વારા રાહત દરે લોન આપવામાં આવશે અને ભારત સરકાર પણ તેટલી જ રકમનું રોકાણ કરશે. સરકારે એર કંડિશનર અંગેની માંગ અને પુરવઠા સંબંધિત તમામ મહત્વના પાસાઓ પર પ્રતિભાવ આપવા માટે હિતધારકોને અનુરોધ કર્યો છે.
DPIITના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘અમે આ ક્ષેત્રમાં નક્કર રોકાણ લાવવા સંબંધિત પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે માત્ર ખાનગી ઉત્પાદન માટે જ નહીં, પરંતુ સંશોધન અને વિકાસ અને ક્ષમતા નિર્માણ માટે પણ છે.’ તેમણે કહ્યું કે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા એર કંડિશનર વિકસાવવામાં આવશે. ઊંચી કાર્યક્ષમતા ધરાવતા એર કન્ડિશનર (super-efficient AC) બજારમાં ઉપલબ્ધ 5-સ્ટાર AC કરતાં 30-40 ટકા સારા હશે.
સિંઘે કહ્યું કે પ્રારંભિક તબક્કામાં આ અત્યંત કાર્યક્ષમ એર કંડિશનરની કિંમત વધુ હોઈ શકે છે, તેથી મોટા પાયે તેનું ઉત્પાદન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતમાં માત્ર પાંચ ટકા ઘરોમાં જ એર કંડિશનર છે અને જો તે 30 ટકાના વૈશ્વિક રેશિયો સુધી પહોંચે તો કૂલિંગ સાધનોની માંગ વિસ્ફોટક રીતે વધી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો