MONEY9: વૈશ્વિક સુસ્તી અને મોંઘવારીના મારનો સામનો કરી રહેલા ટેક્સટાઇલ સેક્ટરમાં આ વખતે દિવાળી પણ જોશ નથી ભરી શકી. કાચા માલની મોંઘવારી અને માંગમાં ઘટાડાના કારણે ટેક્સટાઇલ એકમોમાં કામ ગંભીર રીતે પ્રભાવિત થઇ રહ્યું છે અને સ્થિતિ એવી છે કે આ વખતે દિવાળીના પ્રસંગે ટેક્સટાઇલ એકમોએ પોતાના વર્કર્સને લાંબી રજા પર મોકલી દીધા છે.
દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ સૂરતમાં દૈનિક વેતન પર કામ કરતા મજૂરોને નવેમ્બરના બીજા પખવાડિયામાં કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે સૂરતના ટેક્સટાઇલ હબમાં દિવાળીના પ્રસંગે ફક્ત 3 થી 5 દિવસનું વેકેશન હોય છે. સૂરત ટેક્સટાઇલ માર્કેટ કમિટીના પ્રતિનિધિઓનું માનવું છે કે ગયા વર્ષના મુકાબલે આ વખતે બિઝનેસમાં 40 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે.
સૂરત ટેક્સટાઇલ માર્કેટે આ અગાઉ પણ ઘણાં ઝટકા વેઠ્યા છે. પરંતુ આટલા લાંબા ગાળા માટે ટેક્સટાઇલ એકમોને ક્યારેય બંધ કરવામાં નથી આવ્યા. પછી તે 2008ની મંદી હોય, નોટબંધી હોય કે GST ને લાગુ કરવામાં આવેલી અડચણો હોય. સૂરતના વણાટ એકમોની સ્થિતિ તો આનાથી પણ વધારે ખરાબ છે. દિવાળીને ગયે હવે એક સપ્તાહથી વધુનો સમય થઇ ચૂક્યો છે અને 10 લાખ વણાટ એકમોમાંથી અત્યાર સુધી ફક્ત 10 હજારમાં જ કામ શરૂ થઇ ચૂક્યું છે.
કપડાની મોંઘવારી સતત વધી રહી છે અને બે આંકડાની નજીક પહોંચી ચુકી છે. આ કારણે ટેક્સટાઇલ સેક્ટરની સામે માંગના પડકારો ઉભા થયા છે. ગત સપ્ટેમ્બર દરમિયાન કપડાની મોંઘવારી 9.9 ટકા નોંધાઇ છે. આ અગાઉ ઓગસ્ટ અને જુલાઇમાં આ આંકડો સાડા 9 ટકાની ઉપર હતો. મોંઘા કપાસના કારણે કપડાની મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે.
જો કે હવે કપાસનો નવો પાક માર્કેટ યાર્ડમાં આવવાનો શરૂ થઇ ગયો છે. જેના કારણે કપાસની કિંમતોમાં થોડોક ઘટાડો થયો છે. અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ પણ ઘટવા લાગ્યો છે. આશા છે કે નવા કપાસની આવક વધવાની સાથે સ્થિતિમાં સુધારો થશે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ મંદીના સમયમાંથી બહાર નીકળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો