MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
વધતી ગરમીથી દેશનો આર્થિક વિકાસ દર રૂંધાશે વધતી ગરમી પારાવાર મુશ્કેલી લઈને આવી છે. દેશનો 90 ટકા હિસ્સો હીટવેવની ગંભીર અસરનો સામનો કરી રહ્યો છે. વધતી ગરમીથી અર્થતંત્ર પર ગંભીર નુકસાનનો ખતરો તોળાઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે, તાપમાનનો પારો ઊંચકાવાથી ફળ અને શાકભાજીના પાકને 10 ટકાથી 30 ટકા નુકસાન પહોંચી શકે છે. ફળ અને શાકભાજીની અછત ઊભી થઈ શકે છે, જેથી ખાદ્ય મોંઘવારી વકરશે. ગરમી વધશે, એટલે લેબર પ્રોડક્ટિવિટી પર અસર પડશે. પ્રોડક્ટિવિટી ઘટશે, એટલે દેશનો વિકાસ દર ઘટશે. મેક્કિન્સીના અંદાજ પ્રમાણે, 2030 સુધીમાં ભારતે દર વર્ષે અઢી ટકાથી સાડા ચાર ટકા જીડીપીનું નુકસાન વેઠવું પડશે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે, 2030 સુધીમાં વિશ્વનાં સરેરાશ વર્કિંગ અવરમાં 2.2 ટકા ઘટાડો થશે, જેની સામે ભારતમાં આ ઘટાડો સૌથી વધુ 6 ટકા હશે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને કામના કલાક ઘટાડવાની સૂચના આપી છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, ગરમીને કારણે 2030 સુધીમાં દુનિયના 8 કરોડ લોકોએ નોકરી ગુમાવવી પડશે, જેમાંથી 3.4 કરોડ લોકો ભારતનાં હશે. અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા કેટલાક રાજ્યોમાં અત્યારે રેડ અને ઓરેન્જ એલર્ટ છે. બંગાળ, ઓડિશા, બિહારમાં સ્કૂલો બંધ છે. બસોના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાર રસ્તા પર સિગ્નલનો ટાઈમ પણ ઘટાડવામાં આવ્યો છે.
શું એપલ માટે ભારત ‘નેક્સ્ટ ચાઈના’ બનશે? એપલે ભારતમાં સ્ટોર ખોલીને મેઈનસ્ટ્રીમ મીડિયાથી લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. એપલ ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે તેવી વાતો થઈ રહી છે. એપલ માટે ભારત “નેક્સ્ટ ચાઈના” બનવાની પણ વાતો થઈ રહી છે. સરકારે અગાઉ દાવો કર્યો હતો કે, એપલ તેના કુલ આઈફોનના 25 ટકા આઈફોન ભારતમાં બનાવશે, પણ નિષ્ણાતોને લાગે છે કે, એપલ 10થી 15 ટકા આઈફોન ભારતમાં બનાવી શકે છે, પરંતુ 25 ટકાનો ટાર્ગેટ ઘણો અવાસ્વિક લાગે છે. ચીનમાંથી ઉત્પાદન ભારતમાં ખસેડવામાં હજુ વર્ષો લાગી જશે, કારણ કે ચીનમાં સપ્લાયરના મોટા-મોટા ક્લસ્ટર્સ છે, સેમિકન્ડક્ટરની ઈકોસિસ્ટમ છે, બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ટેસ્ટિંગના સેન્ટર્સ છે. આ તમામ મોરચે ભારત પાછળ છે. નિષ્ણાતો કહે છે કે, એપલે ચીનની નિર્ભરતા ઘટાડવા માટે વિએતનામમાં મેકબૂકનું ઉત્પાદન શરૂ કર્યું છે અને ભારત મેકબૂકના ઉત્પાદનમાં વિએતનામ પછી સ્થાન મેળવી શકે છે. આ ઉપરાંત, એપલ ભારતમાં આઈપેડ, એરપોડ, હોમપોડ, સ્માર્ટવોચ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન વધારી શકે છે.
કામ કરવા માટે શ્રેષ્ઠ છે ટાટા ગ્રૂપની ટીસીએસ નોકરી કરવા માટે સૌથી શ્રેષ્ઠ કંપનીઓની યાદી બહાર પડી છે. આ યાદીમાં પણ ટાટા ગ્રૂપની કંપની TCS મોખરે છે. બીજા ક્રમે એમેઝોન જ્યારે ત્રીજા ક્રમે મોર્ગન સ્ટેન્લી છે. કર્મચારીઓને કામ કરવા માટે બેસ્ટ સુવિધા આપતી હોય તેવી ટોપ-ટ્વેન્ટી ફાઈવ કંપનીની યાદી લિન્ક્ડઈન દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં ચોથા ક્રમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને પાંચમા ક્રમે મેક્વાયર ગ્રૂપ છે. આ કંપનીઓ કામ કરવા માટે શ્રેષ્ઠ માહોલ પૂરો પાડે છે. લિન્ક્ડઈને યાદી તૈયાર કરવા માટે 8 પરિબળોને ધ્યાનમાં લીધા છે. કર્મચારીને આગળ વધવા માટે કેવી તક મળે છે, તેની સ્કિલમાં કેટલો વધારો થાય છે, કેટલા કર્મચારીઓ નોકરી છોડે છે, સ્ત્રી અને પુરુષ કર્મચારીઓની સંખ્યા કેટલી છે વગેરે બાબતો ધ્યાનમાં લઈને યાદી તૈયાર થઈ છે.
પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડની ઈન્ક્વાયરીમાં થયો વધારો દેશમાં ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનની માંગ વધી છે જ્યારે હોમ લોનની માંગ ઘટી છે. ટ્રાન્સયુનિયન સિબિલ દ્વારા જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર ક્વાર્ટરમાં પર્સનલ લોનના ઈન્ક્વાયરી વોલ્યૂમમાં 50 ટકા જ્યારે ક્રેડિટ કાર્ડના ઈન્ક્વાયરી વોલ્યૂમમાં 77 ટકા વધારો થયો છે. લોન અગેઈન્સ્ટ પ્રોપર્ટી એટલે કે, LAPની ઈન્ક્વાયરી વાર્ષિક ધોરણે 29 ટકા વધી છે જ્યારે હોમ લોનની ઈન્ક્વાયરી ઘટી છે. હોમ લોનની ઈન્ક્વાયરી વેલ્યૂની રીતે 2 ટકા જ્યારે વોલ્યૂમની રીતે 6 ટકા ઘટી છે. જોકે, હોમ લોનનો એપ્રૂવલ રેટ 41 ટકાના મજબૂત લેવલે યથાવત્ રહ્યો છે. ઉંમરના આધારે જોઈએ તો, 18 વર્ષથી 30 વર્ષના લોકો દ્વારા થતી તમામ પ્રકારની લોનની ઈન્ક્વાયરી 43 ટકા વધી છે. માંગ-આધારિત ક્રેડિટની માંગ વધી છે. રિઝર્વ બેન્કે લોનના રેટ વધાર્યાં તેની અસર ધીમે ધીમે જોવા મળી છે. લોકોમાં માંગ-આધારિત ક્રેડિટની ડિમાન્ડ વધી છે, એટલે કે, લોકોને તાત્કાલિક લિક્વિડિટી જોઈએ છે, જેથી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની માંગ વધી છે.
અખા ત્રીજે સોનાના ઘરેણાં હપ્તામાં ખરીદવાની તક 22 એપ્રિલે અખા ત્રીજ છે અને આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. સોનાના ભાવ નવી ઊંચાઈ સર કરી રહ્યાં છે, આથી આ વખતે સોનાની ખરીદી પર અસર પડવાની શક્યતા છે. જોકે, કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ્સ શરૂ કરી છે. મુથૂટ ફિનકૉર્પે ‘સ્વર્ણવર્ષમ્ ગોલ્ડ જ્વેલરી’ સ્કીમ લોન્ચ કરી છે, જેમાં નજીવી રકમ ભરીને સોનાના ઘરેણાં ખરીદી શકો છો. બાકીની રકમ 3, 6 કે 9 મહિનાના હપ્તામાં ભરવાની હોય છે. ટાટા ગ્રૂપની જ્વેલરી ચેઈન તનિશ્કે એડવાન્સ બૂકિંગ સ્કીમ ચાલુ કરી છે. આ સ્કીમ હેઠળ, તમે એડવાન્સમાં જ્વેલરીનું બૂકિંગ કરાવી શકો છો અને જ્યારે ખરીદી કરવા જાવ તે દિવસે ભાવ વધારે હોય તોપણ, બૂક કરાવેલા ભાવે ખરીદી કરી શકો છો. આ ઉપરાંત, તનિશ્કની ગોલ્ડ હાર્વેસ્ટિંગ સ્કીમમાં તમને પહેલા હપ્તાના 75 ટકા રકમનું બોનસ પણ મળે છે. કંપનીઓએ અખા ત્રીજે ઘડામણ ખર્ચમાં 20 ટકા સુધીના ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે.
RBL બેન્કે શરૂ કરી Digital FD scheme RBL બેન્કે અનોખી ડિજિટલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ નવા ગ્રાહકો માટે છે, જેમાં બેન્ક તમને 7.80 ટકા વ્યાજ ચૂકવશે. તમારે 15 મહિનાથી 725 દિવસની મુદત માટે એફડી કરાવવી પડશે. RBL બેન્કની શરત છે કે, ગ્રાહકે આ ઓફરનો લાભ લેવા માટે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું પડશે, અને તેના માટે બ્રાન્ચની મુલાકાત લેવાની પણ જરૂર નથી. RBL બેન્ક તેના એકાઉન્ટ હોલ્ડર્સને રેગ્યુલર એફડી પર 15 મહિનાની મુદત માટે 7.80 ટકા રેટ ઓફર કરે છે. તમે 1 વર્ષ માટે એફડી કરાવો તો, બેન્ક 7 ટકા વ્યાજ ચૂકવશે. સીનિયર સીટિઝન હશો તો અડધો ટકો વધુ વ્યાજ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો