MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
ગુજરાત સરકારની કંપનીઓ માટે નવી પૉલિસી જાહેર ગુજરાત સરકારે પોતાની માલિકીની કંપનીઓનું વેલ્યુએશન વધારવા માટે નવી પૉલિસી જાહેર કરી છે. આ પૉલિસી હેઠળ, રાજ્ય સરકારની જાહેર ક્ષેત્રની કંપનીઓએ ડિવિડન્ડની વહેંચણી કરવી પડશે, સ્ટોક સ્પ્લિટ કરવા પડશે, બોનસ શેર આપવા પડશે અને શેર બાયબેક પણ કરવા પડશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી શેરહોલ્ડર્સને ફાયદો થશે. આ હિલચાલને પગલે ગુજરાત સરકારની સાત લિસ્ટેડ કંપનીના શેરમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. 26 એપ્રિલ-2023ના રોજ, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ કોર્પોરેશન અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટના શેરમાં 20 ટકાની અપર સર્કિટ વાગી હતી જ્યારે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટનો શેર સાડા સાત ટકા, ગુજરાત આલ્કલીઝ સાડા તેર ટકા જ્યારે જીએનએફસી 10 ટકા અને ગુજરાત સ્ટેટ ફાયનાન્શિયલ કોર્પનો શેર સાડા ત્રણ ટકા વધ્યો હતો.
સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ મોંઘા થવાની શક્યતા સાબુ, કપડાં ધોવાનો પાવડર અને શેમ્પૂના ભાવ વધી શકે છે. આ ત્રણેય ચીજવસ્તુ બનાવવા માટે મુખ્ય કાચા માલ તરીકે સેચ્યુરેટેડ ફેટી આલ્કોહોલનો ઉપયોગ થાય છે અને સરકાર તેના પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદે તેવી શક્યતા છે. આ કાચા માલની આયાત ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મલેશિયામાંથી કરવામાં આવે છે અને સરકાર તેમાં ઘટાડો કરવા માટે ડ્યુટી વધારવા અંગે વિચારી રહી છે. જોકે, ઈન્ડિયન સર્ફક્ટન્ટ ગ્રૂપ તેના વિરુદ્ધમાં છે. ગ્રૂપની દલીલ છે કે, ભારતના સર્ફક્ટન્ટ ઉદ્યોગ દ્વારા 9,000 લોકોને રોજગારી આપવામાં આવે છે અને છેલ્લાં ઘણા મહિનાથી મોંઘી આયાત તથા મોંઘા કાચા માલને કારણે કંપનીઓનો ખર્ચ વધી ગયો છે. હવે જો સરકાર ડ્યૂટી વધારશે તો કંપનીઓને નાછૂટકે ભાવ વધારવાની ફરજ પડશે.
સ્ટોક બ્રોકર્સ ગ્રાહકોના ફંડનો ઉપયોગ નહીં કરી શકે પહેલી મેથી નવો નિયમ લાગુ થવાનો છે. મે મહિનાથી સ્ટોક બ્રોકર્સ તમારા ભંડોળમાંથી કોઈ નવી બેંક ગેરંટી નહીં બનાવી શકે. સેબી બ્રોકર્સ પર આ પ્રતિબંધ લાગુ કરશે. અત્યારે સ્ટોક બ્રોકર્સ અને ક્લીયરિંગ કામકાજ સાથે સંકળાયેલા સભ્યો ગ્રાહકોના ભંડોળને બેંકો પાસે ગીરવે મૂકે છે અને બદલામાં વધુ રકમ માટે ક્લિયરિંગ કોર્પોરેશનોને બેંક ગેરંટી આપે છે. તેમની આવી પ્રેક્ટિસથી બજાર અને ખાસ તો ગ્રાહકોના ફંડ સામે જોખમ ઊભું થાય છે. આથી, સેબીએ એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, સ્ટોક બ્રોકરો 1 મેથી ગ્રાહકોના ભંડોળમાંથી કોઈ નવી બેંક ગેરંટી નહીં બનાવી શકે. તેમણે ગ્રાહકોના ભંડોળમાંથી મેળવેલી તમામ વર્તમાન બેંક ગેરંટી 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં બંધ કરવી પડશે. આ નિર્ણયથી નાના બ્રોકર્સની મુશ્કેલી વધી શકે છે, પરંતુ ગ્રાહકો અને બજારને ફાયદો થશે.
તમામ NFO ઓછામાં ઓછા 3 દિવસ ખુલ્લા રહેશે હવે કોઈ નવો NFO આવશે તો તે ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ખુલ્લો રહેશે… સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને તેમનો NFO ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રાખવાની સૂચના આપી છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ તેની સ્કીમના તમામ ફાઈનલ ઓફર ડૉક્યુમેન્ટ્સ યુનિટહોલ્ડર્સને ડિજિટલી મોકલવા પડશે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ફાઈનલ ઓફર ડૉક્યુમેન્ટ્સમાં સ્કીમ ઈન્ફર્મેશન ડોક્યુમેન્ટ એટલે કે, SID અને કી ઈન્ફર્મેન્શન મેમોરેન્ડમ એટલે કે, KIMનો સમાવેશ થાય છે. હવેથી, કંપનીઓ રોકાણકારોને આ બંને ડૉક્યુમેન્ટ્સની ફિઝિકલ કોપી નહીં મોકલી શકે, કારણ કે કંપનીઓ ડિજિટલ રૂટ મારફતે જ મોકલી શકશે. આ ડૉક્યુમેન્ટ્સ NFO ઓપન થવાનો હોય તેના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં મોકલી દેવા પડશે. સેબીએ આપેલી આ સૂચનાઓ અને નિયમો પહેલી મેથી લાગુ થશે.
મારુતિ આપશે ડિવિડન્ડ મારુતિએ તેના શેરહોલ્ડર્સને 90 રૂપિયા ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. ડિવિડન્ડની પેમેન્ટ તારીખ 6 સપ્ટેમ્બર-2023 નક્કી કરવામાં આવી છે. મારુતિના બોર્ડે ભારતનાં ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે તેજીમય આશાવાદ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, મારુતિ દરરોજ 10 લાખ વધુ વાહનોનું ઉત્પાદન કરશે. કંપની અત્યારે માનેસર પ્લાન્ટમાં દૈનિક 13 લાખ વાહનોનું ઉત્પાદન કરે છે. અન્ય એક કંપની, L&T ટેક સર્વિસિસે પણ શેરહોલ્ડર્સને 30 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
Amazon Primeની સબ્સક્રિપ્શન ફી વધી OTT સબ્સક્રાઈબર્સને આ ખબર નહીં ગમે. એમેઝોને તેના OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમની સબ્સક્રિપ્શન ફી વધારી છે. કંપનીએ તેનો માસિક સબ્સક્રિપ્શન પ્લાન 120 રૂપિયા મોંઘો કરી દીધો છે જ્યારે ક્વાર્ટર્લી સબ્સક્રિપ્શન પ્લાન 140 રૂપિયા મોંઘો થયો છે. ભારતમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો માસિક પ્લાન રૂ.299થી શરૂ થશે. 3 મહિનાનો પ્લાન ખરીદવા માટે તમારે 599 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, એમેઝોને તેના વાર્ષિક પ્લાનની ફી વધારી નથી. તેનો વાર્ષિક પ્લાન રૂ.1,499માં મળે છે.
બજાજ આલિયાન્ઝ લાઈફ આપશે બમ્પર બોનસ બજાજ આલિયાન્ઝ લાઈફે તેના પોલિસીધારકો માટે બમ્પર બોનસની જાહેરાત કરી છે. વર્ષ 2022માં પણ બજાજ આલિયાન્ઝે 11 લાખ પોલિસીધારકોને બોનસ આપ્યું હતું. કંપનીએ કરેલી જાહેરાત અનુસાર, પૉલિસીધારકને તેની પોલિસીની મુદત પૂરી થાય ત્યારે અથવા તેના મૃત્યુ વખતે બોનસ ચૂકવવામાં આવશે. આ બોનસ 31 માર્ચ, 2023 પહેલાં ખરીદવામાં આવેલી પૉલિસી પર મળશે.
MG મોટર્સે લૉન્ચ કરી Rs 7.98 લાખની ઈલેક્ટ્રિક કાર MG મોટર્સે નવી ફોર-સીટર ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરી છે. આ કારનું નામ છે MG Comet અને તેની કિંમત 7.98 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ જણાવ્યું છે કે, આ કારને એક કિલોમીટર ચલાવવા માટે થતો ખર્ચ માત્ર 51 પૈસા છે. આ કાર 7 કલાકમાં ફુલ્લી ચાર્જ થઈ શકશે. જો તમને આ કાર ખરીદવામાં રસ હોય તો, 15 મેથી બૂકિંગ કરાવી શકશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો