Money9 Gujarati:
ગુજરાતમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે છતાં, ગયા વર્ષમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ રહી ગયું છે. ફૉરેન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ (FDI) એટલે કે, સીધું વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાત ચોથા ક્રમે છે. નાણાકીય વર્ષ 2022-23ના FDI આંકડા દર્શાવે છે કે, અગ્રણી કંપનીઓ ગુજરાતમાં જંગી રોકાણ કરી રહી છે છતાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી કરતાં ગુજરાત પાછળ છે.
સરકારે જાહેર કરેલા આંકડા સપ્ટેમ્બર 2022માં વેદાંતાએ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે 1.54 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી, આમ છતાં FDI આકર્ષવામાં ગુજરાત પાછળ રહી ગયું છે. ગુજરાતમાં એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન કુલ રૂ.37,059 કરોડનું FDI આવ્યું હતું. તેની તુલનાએ મહારાષ્ટ્રમાં સૌથી વધારે રૂ.1.14 લાખ કરોડનું FDI આવ્યું હતું. ત્યારબાદ બીજા ક્રમે કર્ણાટકમાં રૂ.83,628 કરોડનું FDI નોંધાયું હતું જ્યારે ત્રીજા ક્રમે રહેલા દિલ્હીમાં રૂ.60,119 કરોડનું FDI આવ્યું હતું. ગુજરાતમાં 2022-23માં FDIમાં 83 ટકાનો વધારો થવા છતાં ગુજરાત ચોથા ક્રમે છે.
ભારતમાં FDI 16% ઘટ્યું વર્ષ 2022-23માં ભારતમાં થયેલા આવેલા કુલ FDIમાં મહારાષ્ટ્રનો હિસ્સો સૌથી વધુ 29 ટકા હતો જ્યારે કર્ણાટકનો હિસ્સો 24 ટકા હતો. કુલ FDIમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા જ્યારે દિલ્હીનો હિસ્સો 13 ટકા અને તામિલ નાડુનો હિસ્સો 5 ટકા રહ્યો હતો. વર્ષ 2021-22માં ભારતમાં કુલ 4,37,188 કરોડ રૂપિયનું FDI આવ્યું હતું, જેની સામે 2022-23માં તે 16 ટકા ઘટીને 3,67,435 કરોડ રૂપિયા થયું હતું.
ગુજરાતમાં વિદેશી રોકાણ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, FDI આકર્ષવાના મોરચે 2021-22માં ગુજરાત છઠ્ઠા ક્રમે હતું, પરંતુ 2022-23માં ગુજરાતની સ્થિતિ સુધરી હતી અને તે ચોથા ક્રમે પહોંચ્યું હતું. વર્ષ 2020-21માં ગુજરાતે રૂ.1.62 લાખ કરોડનું સૌથી વધુ FDI મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, ત્યારપછીના વર્ષમાં 2021-22માં ગુજરાતમાં માત્ર રૂ.20,169 કરોડનું FDI આવ્યું હતું અને ગુજરાત છઠ્ઠા ક્રમે પહોંચી ગયું હતું. 2022-23માં ગુજરાતનાં 33 જિલ્લામાંથી માત્ર 15 જિલ્લામાં FDI આવ્યું હતું અને તેમાંથી પણ મોટા ભાગનું વિદેશી રોકાણ અમદાવાદમાં અને ત્યારબાદ ગાંધીનગર, વલસાડ તથા સુરતમાં થયું હતું.
વેદાંતા-ફોક્સકોનનું જંગી રોકાણ ગયા વર્ષે વેદાંતાએ જાહેર કરેલો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ હજુ શરૂ થયો નથી અને ફોક્સકોને અન્ય પાર્ટનર શોધવાની તૈયારી શરૂ કરી છે. ગુજરાત સરકારે તો આ પ્રોજેક્ટ માટે અમદાવાદની નજીક ધોલેરા સ્પેસિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR)માં જમીનની ફાળવણી પણ કરી દીધી છે. જોકે, આ પ્રોજેક્ટ માટે વેદાંતા મુશ્કેલીનો સામનો કરી રહી છે અને સરકાર પણ નવેસરથી વિચારણા કરી રહી છે.
માઈક્રોન કરશે રોકાણ ઉલ્લેખનીય છે કે, અમેરિકાની અગ્રણી ચીપ કંપની માઈક્રોન ટેકનોલોજીસે ગુજરાતમાં સાણંદ ખાતે 2.7 અબજ ડૉલરનું રોકાણ કરીને સેમિકન્ડક્ટરનો એસેમ્બલી અને પેકેજિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે માઈક્રોન દ્વારા 80 કરોડ ડૉલરનું રોકાણ કરવામાં આવશે જ્યારે બાકીનું રોકાણ કેન્દ્ર તથા રાજ્ય સરકાર કરશે. માઈક્રોનનું રોકાણ આવશે એટલે ગુજરાતને FDI વધારવામાં મદદ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો