Money9 Gujarati:
તાઈવાનની અગ્રણી કંપની ફોક્સકોન (Foxconn) સાથે ગુજરાત સરકારે વાટાઘાટ હાથ ધરી છે. આ કંપની સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માંગે છે અને તેણે એક દિવસ પહેલાં જ વેદાંતા સાથેના 19.5 અબજ ડૉલરના સંયુક્ત સાહસથી છેડો ફાડ્યો હતો. આ સંયુક્ત સાહસ દ્વારા વેદાંતા અને ફોક્સકોન ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાના હતા. પરંતુ હવે આ સંયુક્ત સાહસની સંપૂર્ણ માલિકી વેદાંતા પાસે છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સે ગુજરાતનાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાને ટાંકીને જણાવ્યું છે કે, “અમે ઘણા બધા સંભવિત રોકાણકારો સાથે વાતચીત કરી રહ્યાં છીએ, જેમાં ફોક્સકોન પણ સામેલ છે. ગુજરાતનું સ્થાન ચીપ ઉત્પાદકોને આકર્ષી શકે તેવું છે.”
જો ફોક્સકોન ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે તો ગુજરાતને મોટો ફાયદો થશે. ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા બાદ ત્યાંની કંપની માઈક્રોન ટેકનોલોજીએ પણ ગુજરાતમાં સાણંદ ખાતે પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. વેદાંતાને પણ અમદાવાદની નજીક ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે જમીન ફાળવી દેવાઈ છે અને હવે ફોક્સકોન પણ આવશે તો ગુજરાત ચીપ મેન્યુફેક્ચરિંગનું મુખ્ય કેન્દ્ર બની શકે છે અને જંગી રોકાણ આકર્ષી શકે છે.
વેદાંતા અને ફોક્સકોને સોદો કરીને ભારતમાં 19.5 અબજ ડૉલરના ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. બંને કંપનીઓ સાથે મળીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવતી હતી. બંને કંપનીએ ગયા વર્ષે સોદા પર હસ્તાક્ષર કર્યા હતા પણ હવે ફોક્સકોને આ ભાગીદારીમાં આગળ નહીં વધવાનો નિર્ણય લીધો છે અને સ્વતંત્ર રીતે પ્લાન્ટ સ્થાપવાની યોજના પર આગળ વધી રહી છે.
આ સોદો રદ થવાની અટકળો ઘણા મહિનાથી વહેતી થઈ હતી, કારણ કે, ફોક્સકોને નવા પાર્ટનરની શોધ શરૂ કરી છે. વેદાંતાના માથે જંગી દેવું હોવાથી ફોક્સકોને તેની સાથે આગળ નહીં વધવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. જોકે, કંપનીએ વેદાંતા સાથેની ભાગીદારીમાં બહુ ધીમી ગતિએ કામકાજ થઈ રહ્યું હોવાનું કારણ આપીને સોદો કર્યો હોવાનું જણાવ્યું છે. ફોક્સકોને જણાવ્યું છે કે, તે પોતાની રીતે ચીપ પ્રોજેક્ટ માટે રાહતો મેળવવાની અરજી કરશે અને નવા ભાગીદારોની શોધ કરશે. સરકારે ચીપ ઉત્પાદકોને રાહત આપવા માટે નવી પૉલિસી પણ અમલમાં મૂકી છે. ત્રણ કંપનીએ ગયા વર્ષે રાહત મેળવવા માટે અરજી કરી હતી, જેમાં વેદાંતા-ફોક્સકોનનું સંયુક્ત કંપની, સિંગાપોર સ્થિત IGSS વેન્ચર્સ અને ગ્લોબલ કોન્સોર્ટિયમ ISMCનો સમાવેશ થાય છે, જોકે હજુ સુધી આ ત્રણેય કંપનીમાંથી એક પણ કંપનીએ કોઈ હિલચાલ કરી નથી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં 82.5 કરોડ ડૉલરનું રોકાણ કરવાના કરાર કર્યાં છે અને તે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ટેસ્ટિંગ અને પેકેજિંગ સુવિધા સ્થાપી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો