અમદાવાદઃ
એપ્રિલ મહિનામાં સરકારને ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)થી રૂ.1,87,035 કરોડની આવક થઈ છે. નાણા મંત્રાલય દ્વારા 1 મેના રોજ જાહેર થયેલા ડેટા અનુસાર, એપ્રિલ 2023માં થયેલી GSTની આવક ઓલ-ટાઈમ હાઈ છે. છેલ્લે એપ્રિલ 2022માં સરકારને સૌથી વધુ રૂ.1.68 લાખ કરોડની GSTની આવક થઈ હતી. આમ, એપ્રિલ 2022ની સરખામણીએ ચાલુ વર્ષના એપ્રિલમાં થયેલી GSTની આવક 11.6 ટકા વધારે છે. માર્ચ-2023ની તુલનાએ GST કલેક્શન 16.8 ટકા વધ્યું છે. કુલ GST કલેક્શનમાં સેન્ટ્રલ GSTનો હિસ્સો રૂ.38,440 કરોડ હતો જ્યારે સ્ટેટ GSTનો હિસ્સો રૂ.47,412 કરોડ હતો. ઈન્ટીગ્રેટેડ GSTનો હિસ્સો રૂ.89,158 કરોડ હતો જ્યારે કમ્પન્સેશન સેસ રૂ.12,025 કરોડ હતો.
સતત વધી રહ્યું છે GST કલેક્શન:
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં GST કલેક્શનનો આંકડો રૂ.1,57,554 કરોડ હતો. ફેબ્રુઆરીમાં સરકારને રૂ.1,49,57 કરોડ જ્યારે માર્ચમાં રૂ.1,60,122 કરોડની GST આવક થઈ હતી. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં GST કલેક્શન 12 ટકા વધવાનો અંદાજ બજેટ વખતે વ્યક્ત કર્યો હતો. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, 20 એપ્રિલે એક જ દિવસમાં સૌથી વધુ ટેક્સ કલેક્શન નોંધાયું હતું. 20 એપ્રિલે 9.8 લાખ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.68,228 કરોડની આવક નોંધાઈ હતી.
મહારાષ્ટ્ર મોખરેઃ એપ્રિલમાં ઘણા રાજ્યોએ GST કલેક્શનમાં 20 ટકાથી પણ વધુ વૃદ્ધિ નોંધાવી છે. સૌથી વધુ GST કલેક્શન મેળવીને મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્ર સરકારે એપ્રિલમાં રૂ.33,196 કરોડનું GST કલેક્શન નોંધ્યું છે, જે એપ્રિલ-2022માં રૂ.27,495 કરોડ હતું, એટલે કે તેના GST કલેક્શનમાં 21 ટકા વધારો થયો છે. ગુજરાતને GST હેઠળ રૂ.11,721 કરોડની આવક થઈ છે, જે ગયા વર્ષના એપ્રિલમાં રૂ.11,264 કરોડ હતી, એટલે કે 4 ટકા વધારો થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો