MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
Q4 FY23 માટે PF પર વ્યાજ દર 7.1% યથાવત્ મોંઘવારી વધી રહી છે, પણ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર જેમના તેમ રહ્યાં છે. આ સમાચાર સરકારી કર્મચારીઓ માટે છે. સરકારે નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટર માટે જનરલ પ્રોવિડન્ટ ફન્ડ એટલે કે, GPFના વ્યાજ દરમાં કોઇ પણ ફેરફાર કર્યો નથી અને દર યથાવત્ રાખ્યા છે. આ વ્યાજ દર 31 માર્ચ સુધી અમલી રહેશે. રિઝર્વ બેન્કે રેપો રેટ વધારીને 6.25 ટકા કર્યો હોવાથી, એવી આશા હતી કે સરકાર PFના વ્યાજ દરમાં પણ વધારો કરશે…, પરંતુ સરકારના નિર્ણયને કારણે સરકારી કર્મચારીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદર વધારવાની જાહેરાત કરી હતી. જોકે, પીપીએફના વ્યાજ દર 7.1 ટકાના લેવલે યથાવત્ રાખ્યા હતા.
ચોખાના ભાવમાં દોઢ ગણો વધારો છેલ્લા એક વર્ષમાં ચોખાના ભાવ દોઢ ગણા વધી ગયા છે. બાસમતી ચોખાના ભાવવધીને 105 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. બાસમતી કણકીના ભાવ પણ રૂ. 50થી વધુ બોલાઇ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય બાસમતી ચોખાની ભારે માગ છે. વધુમાં, છેલ્લા એક વર્ષમાં પેડીની નીજપ પણ ઘટી છે. દેશમાં ખાદ્ય ફુગાવો હજુ પણ લોકોને કનડે તેવી શક્યતા છે.
સોનાના ભાવ ઓલ-ટાઇમ હાઈની નજીક જે લોકોએ સોનામાં રોકાણ કરેલું છે તેમના માટે સારા સમાચાર છે. પીળી ધાતુએ નવા વર્ષના સુધારાને જાળવી રાખીને ઓલ-ટાઇમ હાઇ સ્તરની નજીક પહોંચી રહી છે. બધુવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. બુધવારે બપોરે ચાર વાગે તેનો ભાવ 56 હજાર 140ની આસપાસ ચાલી રહ્યો હતો. નિષ્ણાતોના મત મુજબ, સોનુંમાં નવા વર્ષના પ્રારંભ સાથે સેફ હેવન ડિમાન્ડ અનુભવી રહ્યું છે. વિશ્વમાં મંદીની આશંકાના પગલે સોનામાં ગયા વર્ષના ઓક્ટોબરથી એકધારી તેજી જોવા મળી રહી છે. વર્ષ 2023માં પણ સોનું હેલ્થી રિટર્ન આપે તેવી શક્યતા છે.
સેન્સેક્સ અને નિફ્ટી 1% ઘટ્યા બુધવારે મંદીવાળા હરકતમાં આવ્યા અને બજારમાં 1 ટકાનું ગાબડું પાડી દીધું. ઓછામાં પૂરું, વિદેશી ફંડ્સ વેચવાલ બન્યા અને રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ શરૂ કર્યું, એટલે શેરબજારોમાં ઘટાડાતરફી ટ્રેન્ડ જામી ગયો. કુલ 1,193 શેર્સ વધ્યા જેની સામે, ઘટનારા શેર્સની સંખ્યા 2,202 થઈ અને 124 શેર્સમાં કોઈ ફેરફાર ના થયો. સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો ઘટાડો થયો અને 1.04 ટકાના ઘટાડા સાથે સેન્સેક્સ 60,657ના લેવલે બંધ રહ્યો. નિફ્ટી ઈન્ડેક્સ 18,100ની નીચે બંધ રહ્યો. સેન્સેક્સ-થર્ટી સ્ટોક્સમાં સૌથી વધુ ઘટનારા સ્ટોક્સમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, વિપ્રો, પાવર ગ્રીડ, ઈન્ફોસિસ, HDFC બેન્ક અને રિલાયન્સનો સમાવેશ થયો.
2023માં સર્વિસ સેક્ટર મજબૂત પ્રદર્શન કરશેઃ S&P Global ઉત્પાદન ક્ષેત્રએ સારું પ્રદર્શન કર્યા બાદ હવે, સર્વિસ સેક્ટરમાં પણ તેજીના સમાચાર મળ્યાં છે. ડિસેમ્બર 2022માં સર્વિસ સેક્ટરે સારું પ્રદર્શન નોંધાવ્યું છે. સર્વિસ સેક્ટર હવે છ મહિનાની ટોચે પહોંચી ગયું છે. S&P ગ્લોબલ ઈન્ડિયા સર્વિસિસ PMI બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ વધીને ડિસેમ્બરમાં 58.5ના લેવલે પહોંચ્યો છે. S&P ગ્લોબલના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર મહિનામાં વધારે લોકોને રોજગારી મળી હતી. પરંતુ મોંઘવારીએ ચિંતા જાળવી રાખી છે. જોકે, તેણે 2023 માટે સર્વિસ સેક્ટર સારું પ્રદર્શન કરશે, તેવો અંદાજ આપ્યો છે.
ICICI HFC 65 મહિનાની FD પર 7.70% વ્યાજ આપશે ICICI હાઉસિંગ ફાયનાન્સે તેના ગ્રાહકોને ખુશખબર આપી છે. ICICI હાઉસિંગ ફાયનાન્સ ત્રિપલ-એ રેટિંગ ધરાવતી નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની છે. તેણે ફિક્સ્ડ ડિપોઝિટ માટે સ્પેશિયલ રેટ્સ લૉન્ચ કર્યાં છે. તેણે 65 મહિનાની FD પર 7.70 ટકા રેટની ઑફર કરી છે. જો 1 વર્ષની FD કરાવશો તો, 7 ટકાના ઈન્ટરેસ્ટ રેટ મળશે. કંપની સીનિયર સીટિઝનને 0.25 ટકા વધુ ઈન્ટરેસ્ટ રેટ આપશે.
રેગ્યુલર કરતાં ડાયરેક્ટ ફંડ્સમાં વધુ વળતર મળ્યું ઘણા રોકાણકારોને મૂંઝવણ હોય છે કે, મ્યુચ્યુઅલ ફંડ તો અનેક પ્રકારનાં પ્લાન હોય છે, પરંતુ તેમાંથી કયો પ્લાન પસંદ કરવો? તો જવાબ છે, ડાયરેક્ટ પ્લાન. કારણ કે, રેગ્યુલર પ્લાનની તુલનાએ ડાયરેક્ટ પ્લાનમાં વધારે વળતર મળ્યું છે. ઈટી મનીના રિસર્ચ રિપોર્ટ અનુસાર, જો તમે 10 વર્ષથી દર મહિને 10,000 રૂપિયાની એસ.આઈ.પી. ઈક્વિટી ફંડ્સના ડાયરેક્ટ પ્લાનમાં કરી હોત, તો આજે તમારા ફંડની વેલ્યુ 28.1 લાખ રૂપિયા થઈ ગઈ હોત. તેની સામે, રેગ્યુલર પ્લાન પસંદ કર્યો હોત, તો 26.6 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી શક્યા હોત. આમ, બંને વચ્ચેનો ડિફરન્સ દોઢેક લાખ રૂપિયા થાય છે. જો તમે 10 વર્ષ પહેલાં ઈક્વિટી ફંડના ડાયરેક્ટ પ્લાનમાં 1 લાખ રૂપિયા મૂકી દીધા હોત, તો આજે તેનું મૂલ્ય 23.09 લાખ રૂપિયા થયું હોત અને જો રેગ્યુલર પ્લાનમાં મૂક્યા હોત તો 21 લાખ રૂપિયા થયું હોત. આમ લમ્પસમ રોકાણમાં પણ 2.09 લાખ રૂપિયાનો અથવા તો 10 ટકાનો ડિફરન્સ આવે છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરી લો ત્યારબાદ તમારે આ બેમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો હોય છે. રેગ્યુલર પ્લાનમાં તમારે ડિસ્ટ્રિબ્યુટર મારફતે રોકાણ કરવું પડે છે, એટલે તેનો ખર્ચો આવે છે અને આ ખર્ચો એક્સપેન્સ રેશિયો તરીકે તમારી પાસેથી જ વસૂલવામાં આવે છે. પરિણામે, તમને મળતું વળતર ઘટી જાય છે.
એક્સિસ મ્યુ. ફંડનું નવું ઈન્ડેક્સ ફંડ લૉન્ચ થયું એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનો NFO પાંચમી જાન્યુઆરીથી લૉન્ચ થઈ ગયો છે. તેનું નામ છે ગિલ્ટ પ્લસ SDL ઈન્ડેક્સ ફંડ. તેમાં સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી છે. તે એક ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ છે. આ ફંડ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં અને ટ્રેઝરી બિલ્સ તથા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જેવા અન્ય મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે. ફંડનું સંચાલન પેસિવ રીતે થશે. તમે મિનિમમ પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છો અને તેમાં કોઈ એગ્ઝિટ લોડ લાગતો નથી.
સિટ્રોને કારની કિંમતમાં વધારો કર્યો નવું વર્ષ શરૂ થયું ત્યારથી લગભગ તમામ ઓટોમોબાઈલ કંપનીએ ભાવ વધારી દીધા છે. મારુતિ, ટાટા, મહિન્દ્રા, કિઆ, એમજી મોટર્સ, મર્સીડિઝ-બેન્ઝ, હ્યુન્ડાઈ સહિતની કંપનીએ ડિસેમ્બરના અંતે જ ભાવ વધારવાની જાહેરાત કરી દીધી હતી. હવે, ફ્રેન્ચ કાર કંપની સિટ્રોને તેની ગાડીઓના ભાવમાં 50 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિટ્રોન ભારતમાં બે મોડેલનું વેચાણ કરે છે, એક છે C3 અને બીજું મોડેલ છે C5 Aircross. કંપનીએ C3ની કિંમતમાં 27,500 રૂપિયા જ્યારે C5 Aircrossની કિંમતમાં 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. હવે C5 Aircross 37.17 લાખ રૂપિયામાં જ્યારે C3ની કિંમત 5.98 લાખથી શરૂ થશે. કંપનીએ જણાવ્યું છે કે, કાચા માલનો ખર્ચ વધી જવાથી તેમજ પ્રદૂષણના નવા નિયમોનું પાલન કરવાને કારણે ખર્ચનું દબાણ વધી ગયું છે. આથી, ભાવ વધારવાની ફરજ પડી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો