MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
સરકારે નાની બચત યોજનાના વ્યાજ દર વધાર્યાં વર્ષના અંતે સરકારે નાના બચતકારોને ખુશખબર આપી છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.20 ટકાથી 1.10 ટકાનો વધારો કર્યો છે. આ વધારો માર્ચ 2023 ક્વાર્ટર માટે કરવામાં આવ્યો છે. 30 ડિસેમ્બરે નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, હવે વન-યર ટાઈમ ડિપોઝિટમાં ગ્રાહકને સાડા પાંચ ટકાની જગ્યાએ 6.6 ટકા વ્યાજ મળશે. જો તમે બે વર્ષની ડિપોઝિટ કરાવી હશે તો, 5.7 ટકાની જગ્યાએ 6.8 ટકા અને થ્રી-યર ટાઈમ ડિપોઝિટ માટે 5.8 ટકાની જગ્યાએ 6.9 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળશે. સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમ્સના રેટ 7.6 ટકાથી વધારીને 8 ટકા જ્યારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટના ઈન્ટરેસ્ટ રેટ 6.8 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યા છે. જોકે કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે, PPFના રેટ યથાવત્ રાખવામાં આવ્યા છે.
સીલિંગ ફેન, રેફ્રિજરેટર્સની કિંમત વધવાની શક્યતા આવતા વર્ષથી સીલિંગ ફેન અને રેફ્રિજરેટર્સના ભાવ વધી જશે. દેશમાં પહેલીવાર સીલિંગ પંખા માટે પણ સ્ટાર લેબલિંગના નિયમો લાગુ થશે. જે રીતે ફાઈવ-સ્ટાર કે ફોર સ્ટાર કે થ્રી-સ્ટાર રેટિંગવાળા એસી અને ફ્રીજ મળે છે, તેવી જ રીતે હવે પંખા પણ સ્ટાર રેટિંગ સાથે મળશે. જોકે, તેના કારણે પંખાની કિંમતમાં 7થી 8 ટકાનો વધારો થશે. ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ઊર્જાનો ઓછામાં ઓછો બગાડ કરે તે માટેના બ્યૂરો ઓફ એનર્જી એફિશિએંસી એટલે કે, BEE દ્વારા પહેલી જાન્યુઆરીથી કડક નિયમો લાગુ થઈ રહ્યાં છે. ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર અને ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર માટેના નવા નિયમો અનુસાર, અત્યારે જે રેફ્રિજરેટર પર થ્રી-સ્ટાર લેબલ લાગેલું છે, તેનું રેટિંગ ઘટીને ટુ-સ્ટાર થઈ જશે. આ નિયમો લાગુ થવાથી ફ્રીજના ભાવ પાંચ ટકા સુધી વધી શકે છે. કંપનીઓ આ ભાવવધારો ઉનાળા પહેલાં જ ગ્રાહકો પર નાખશે તેવી શક્યતા છે. કંપનીઓનું કહેવું છે કે, એન્ટ્રી-લેવલના પંખા અને ફ્રીજની કિંમતમાં મહત્તમ વધારો થશે.
નવા વર્ષથી કારની કિંમત વધી જશે જાન્યુઆરીથી માત્ર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નહીં, ઓટોમોબાઈલ્સ પણ મોંઘા થઈ જશે. મારુતિ, ટાટા, મહિન્દ્રા સહિતની ઓટો કંપનીઓએ જાન્યુઆરીથી ભાવ વધારવાની જાહેરાત કરી દીધી છે. કાચા માલના વધતાં જતા ખર્ચ અને પ્રદૂષણ સંબંધિત કડક નિયમોના પાલન માટે ઓટો કંપનીનો વધુ વધી જશે. આ વધતા ખર્ચને સરભર કરવા માટે કંપનીઓએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. ઓટોમોબાઈલ્સની કિંમતમાં બે ટકાથી પાંચ ટકાની રેન્જમાં ભાવ વધવાની અપેક્ષા છે. જે કંપનીઓ ભાવ વધારવાની જાહેરાત કરી ચૂકી છે તેમાં એમજી મોટર, હ્યુન્ડાઈ, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, રેનો અને કિયા મોટર્સનો સમાવેશ થાય છે.
સોના અને ચાંદીના ભાવ વધશે ઓનલાઈન બ્રોકિંગ ફર્મ ICICIDirectએ 2023 માટેના કોમોડિટી આઉટલૂક રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2023માં એક તોલા સોનાનો ભાવ 62,000 રૂપિયાએ પહોંચી જશે, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 80,000 રૂપિયા થઈ જશે. જો તમે સોના કે ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યાં હોવ, તો 2023માં વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેજો. રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મોટા ભાગના ઉત્પાદકો તરફથી પુરવઠાના નિયંત્રણોના પરિણામે 2023માં વૈશ્વિક બેઝ મેટલ માર્કેટમાં ડેફિસિટની ધારણા છે. નબળા ડૉલર, ચાઇનીઝ વપરાશમાં સંભવિત વૃદ્ધિ અને ઘટતી જતી ઇન્વેન્ટરીઝને લીધે, બેઝ મેટલ્સ માર્કેટ 2023માં સકારાત્મક ગતિ કરે તેવી શક્યતા છે. આ રિપોર્ટ જોતાં લાગે છે કે, જે રોકાણકારોએ સોના-ચાંદીમાં પહેલેથી રોકાણ કર્યું હશે, તેમને આવતા વર્ષે નફો થવાની શક્યતા છે.
5G સ્માર્ટફોનની નિકાસ વધશે 5G સર્વિસની વાત કરીએ તો, ભારતની 5G સ્માર્ટફોનની નિકાસમાં સતત વધારો થઇ રહ્યો છે અને 2023ના અંત સુધીમાં 5G સ્માર્ટફોનની નિકાસ 4G સ્માર્ટફોનની નિકાસ કરતાં વધી જાય તેવી ધારણા છે. હાઇ સ્પીડ ટેક્નોલોજી એડપ્શનમાં વધારો થવાથી તેમજ સસ્તા હેન્ડસેટના વેચાણમાં વધારો થવાથી 5G સ્માર્ટફોનની નિકાસ વધવાની ધારણા છે. જોકે, વર્ષ 2022 દરમિયાન કમ્પોનન્ટ સપ્લાયમાં સમસ્યા રહેવાને કારણે નિકાસમાં થોડો ઘટાડો નોંધાયો છે.
BSNL 4G સેવા નથી તેવા ગામડામાં નેટવર્ક સ્થાપશે જો તમે એવા વિસ્તારમાં રહી રહ્યા છો કે જ્યાં 4G સેવા નથી મળી રહી તો તમારા માટે આ સારા સમાચાર છે. ભારત સંચાર નિગમ લિમિટેડે ભારતમાં એવા 45 હજાર ગામડામાં ટાવર લગાવવાનું નક્કી કર્યું છે જેઓ 4G નેટવર્કથી જોડાયેલા નથી. મહત્વનું છે કે ઓડિશાના સાડા સાત હજાર ગામમાં આ ટાવર ઉભા કરવામાં આવશે.
IDBI MFની સ્કીમ્સ LIC MFમાં ટ્રાન્સફર થશે IDBI બેન્કે IDBI મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સ LIC મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરવા માટે એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાં છે. LICએ IDBI બેન્કની ટેકઓવર પ્રક્રિયા પૂરી કરી હોવાથી આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. LICએ જાન્યુઆરી 2019માં IDBI મ્યુચ્યુઅલ ફંડની સ્પોન્સર IDBI બેન્કને ટેકઓવર કરી હતી. પરંતુ LIC પાસે પોતાની જ એક એસેટ મેનેજમેન્ટ કંપની LIC મ્યુચ્યુઅલ ફંડ છે. આથી, સેબીના નિયમ અનુસાર, IDBI મ્યુચ્યુઅલ ફંડ્સની સ્કીમ્સ LIC મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
વર્ષના છેલ્લા દિવસે શેરબજારો નેગેટિવ રહ્યાં શેરબજાર માટે આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને તે, 2022નો પણ છેલ્લો ટ્રેડિંગ ડે હતો. આજે સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ રહ્યાં હતા. બેન્કિંગ, આઈટી અને કેપિટલ ગૂડ઼્ઝ કંપનીઓના શેરમાં વેચવાલીને પગલે બજારો નેગેટિવ ઝોનમાં સરી પડ્યા હતા. સવારમાં એશિયાના બજારોમાં તેજીને પગલે, શેરબજારને થોડોક ટેકો મળ્યો હતો. ઈન્ટ્રા-ડે દરમિયાન, સેન્સેક્સ 258.8 પોઈન્ટ્સ અથવા 0.42 ટકા વધીને 61,392.68ના લેવલે પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ 18,265.25ની હાઈ બનાવી હતી. જોકે, યુરોપીયન બજારોની શરૂઆત નબળી થવાથી ભારતીય બજારોમાં ઘટાડો શરૂ થયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 293 પોઈન્ટ્સ ઘટીને 60,840.74એ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ્સ ઘટીને 18,105ના લેવલે બંધ રહ્યો હતો. જો સમગ્ર વર્ષની વાત કરીએ તો, 2022માં ભારતનાં બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ 4 ટકાથી પણ વધુ પ્લસ થયા છે અને વિશ્વનાં બેસ્ટ-પર્ફોર્મિંગ લાર્જ-માર્કેટ ઈન્ડેક્સની યાદીમાં સામેલ થયા છે. 2022માં સેન્સેક્સ 4.44 ટકા અથવા તો 2,586.92 પોઈન્ટ્સ વધ્યો છે જ્યારે નિફ્ટી 4.32 ટકા અથવા તો 751.25 પોઈન્ટ્સ વધ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો